Home Current ફાઈનલી કચ્છમાં ૫૮.૨૩% મતદાન – ગત ચૂંટણીથી ૩.૫% ઓછું મતદાન કોને...

ફાઈનલી કચ્છમાં ૫૮.૨૩% મતદાન – ગત ચૂંટણીથી ૩.૫% ઓછું મતદાન કોને ફળશે? નરેશને કે વિનોદને? જાણો અંદરની રાજકીય ચર્ચા

1551
SHARE
કચ્છ-મોરબી લોકસભા બેઠકની ૨૦૧૯ની ચૂંટણીમાં બન્ને ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થઈ ગયું છે ૨૩મી એપ્રિલની સવારથી મોડી રાત સુધી મતદાનની ટકાવારીની ગણતરી ચાલતી રહી હતી દરમ્યાન આજે ૨૪મી એપ્રિલે વહેલી સવારે ૩/૩૦ વાગ્યે ચૂંટણીની અંતિમ આંકડાકીય યાદી જાહેર કરાઈ હતી કચ્છ જિલ્લા ચૂંટણી શાખાની સત્તાવાર યાદી પ્રમાણે વાત કરીએ તો કચ્છ-મોરબી લોકસભા બેઠકનું કુલ મતદાન ૫૮.૨૩% થયું છે જોકે, ૪૧.૮ ડિગ્રી ભારે ગરમી વચ્ચેય મતદાનની જે ટકાવારી જળવાઈ રહી તેનું કારણ કચ્છના વહીવટીતંત્ર દ્વારા સતત મતદાન માટેની જાગૃતિ પણ કારણભૂત રહી છે એકંદરે કચ્છમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હોવાનો દાવો ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ. બી. પ્રજાપતિ એ કર્યો હતો કચ્છ મોરબી લોકસભા બેઠકની વાત કરીએ તો મુખ્ય સ્પર્ધા ભાજપના વિનોદ ચાવડા અને કોંગ્રેસના નરેશ મહેશ્વરી વચ્ચે છે ગત ૨૦૧૪ની લોકસભા ચૂંટણી દરમ્યાન મોરબી કચ્છમાં મતદાનની ટકાવારી ૬૧.૭૮ રહી હતી જ્યારે ૨૦૧૯ કચ્છ-મોરબી લોકસભાની ચૂંટણીનું મતદાન ૫૮.૨૩% રહ્યું છે.

૨૦૧૯ની લોકસભા ચૂંટણીની રસપ્રદ આંકડાકીય માહિતી

કુલ ૭ વિધાનસભા વિસ્તાર વાઈસ વાત કરીએ અબડાસા ૫૯.૯૭% , માંડવી ૬૫.૩૬%, ભુજ ૫૮.૨૫%, અંજાર ૬૦.૪૦%, ગાંધીધામ ૫૩.૦૫%, રાપર ૪૭.૩૭%, મોરબી ૬૩.૨૬% મતદાન રહ્યું હતું કુલ મતદારો ૧૭ લાખ ૪૩ હજાર પૈકી ૧૦ લાખ ૧૫ હજાર મતદારોએ મતદાન કર્યું હતું કચ્છમાં પહેલીજ વાર લોકસભા ચૂંટણીમાં મતદાનનો આંક ૧૦ લાખને પાર થયો છે જોકે, લોકશાહી માટે ખેદની વાત એ પણ કહી શકાય કે, કુલ ૧૭ લાખ ૪૩ હજાર મતદારો પૈકી ૧૦ લાખ ૧૫ હજાર મતદારોએ મતદાન કરતા ૭ લાખ ૩૦ હજાર જેટલી મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કરવામાં ઉપેક્ષા સેવી હતી દેશના નાગરિક તરીકે હમેંશા હક્ક વિશે વાતો કરતા મતદારો મતદાન કરવાની ફરજ ચુકી પોતાનો નાગરિક ધર્મ ભૂલે છે રાજકીય પક્ષો ઉપરાંત હવે તો નોટાની પણ સગવડ હોઈ મતદાર કોઈ પણ રાજકીય પક્ષને સમર્થન આપ્યા વગર નોટા નો પણ ઉપયોગ કરી શકે છે.

મહિલા મતદારોમાં પણ જાગૃતિ વધી

આંકડાકીય રીતે જોઈએ તો કુલ ૧૦ લાખ ૧૫ હજાર ૩૫૭ મતો પૈકી પુરુષ મતોની સંખ્યા ૫ લાખ ૫૦ હજાર ૧૦૦ (૬૦.૫૩%) જ્યારે મહિલા મતોની સંખ્યા ૪ લાખ ૬૫ હજાર ૨૫૪ (૫૫.૭૨%) રહી છે કચ્છમાં ભૂતકાળની ચૂંટણીઓની તુલનાએ વાત કરીએ તો મહિલા મતદારોમાં ભૂતકાળ કરતા વર્તમાન ચૂંટણીમાં જાગૃતિ આવી છે ગ્રામીણ વિસ્તારોમાં મહિલા મતદારો ચૂંટણીમાં મતદાન તરફ ઉદાસીનતા સેવતી હતી તેની જગ્યાએ હવે કચ્છની ગ્રામીણ મહિલાઓ વધુ જાગૃત બની છે ચૂંટણી પંચ દ્વારા પણ મહિલા કર્મચારીઓ દ્વારા સખી મતદાન મથકો શરૂ કરવાની પહેલ કરાઈ રહી છે, જેને પગલે પણ મહિલા મતદારોમાં વધુ જાગૃતિ આવી રહી છે આ વખતે કચ્છના દિવ્યાંગ તેમજ વૃદ્ધ મતદારો માટે વહીવટી તંત્ર તેમજ પોલીસે ખાસ વાહન તથા વ્હીલ ચેરની વ્યવસ્થા કરી આવા મતદારોને ઘેરથી મતદાન મથક સુધી જવા આવવાની વ્યવસ્થા સારી રીતે પાર પાડીને માનવીય અભિગમ દર્શાવ્યો હતો તો, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન તળે કચ્છના યુવા અધિકારીઓની ટીમ તેમજ ચૂંટણી શાખાએ મતદાન અંગેની કામગીરી તેમજ આંકડાકીય માહિતી સાથે નાના મોટા બનાવો, ઇવીએમ સંબધિત મુશ્કેલી સહિતની કામગીરી સફળ રીતે પૂર્ણ કરી હતી મોરબી કચ્છ ક્ષેત્રમાં લોકસભાની ચૂંટણીની કામગીરીમાં ૨૧૪૩ મતદાન મથકોમાં ૧૦ હજાર કર્મચારીઓ અને ૫ હજાર પોલીસ જવાનો ખડે પગે રહ્યા હતા ૨૦૦ થીયે વધુ બસો ૧૯૩ ઝોનલ રૂટ માટે દોડાવાઈ હતી.

ગત વર્ષ કરતા ૩.૫% ઓછા મતદાનથી કોને થશે ફાયદો? જાણો કોંગ્રેસ, ભાજપની અંદરની વાત

મતદાનની પેટર્ન કેવી રહી તે કળવી આ વખતે સહેજ મુશ્કેલ છે આ વખતે કોંગ્રેસ અને ભાજપ બન્ને રાજકીય પક્ષોમાં આંતરિક ખેંચતાણ વધુ રહી હતી કચ્છ કોંગ્રેસમાં વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો અને મુસ્લિમ આગેવાનોમાં રહેલી નારાજગી દૂર કરવા કોઈ નક્કર પ્રયાસો કરાયા નહોતા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રાપરમાં મરહુમ આગેવાન ઇભલા શેઠ માટે કરેલ અભદ્ર શબ્દ પ્રયોગ સંદર્ભે પણ કોંગ્રેસના ઉમેદવાર, હોદ્દેદારોએ કે રાપરના કોંગ્રેસી ધારાસભ્યએ કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું હતું મુસ્લિમ આગેવાન તરીકે જુમા રાયમાની પ્રતિક્રિયાથીજ કોંગ્રેસે સંતોષ માન્યો હતો સંકલનનો અભાવ, કોંગ્રેસી આગેવાનોની ઉપેક્ષા અંગે ‘ન્યૂઝ4કચ્છ’ સમક્ષ અનેક આગેવાનોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા હોય કે ઉમેદવાર નરેશ મહેશ્વરી અને ત્રણ ત્રણ કોંગ્રેસી ધારાસભ્યો સંતોકબેન પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, બ્રિજેશ મેરજા જેવા કોંગ્રેસી આગેવાનો ભાજપના નેતાના ગાજતા થયેલા પ્રકરણ સંદર્ભે કે વાયરલ થયેલા પ્રકરણ સંદર્ભે પણ મૌન રહ્યા હતા અરે, કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ તેમજ જીજ્ઞેશ મેવાણીની જાહેરસભાઓ દરમ્યાન પણ કોંગ્રેસે પ્રચાર પ્રસાર માટે મીડીયા મનેજમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો નહોતો તો, કોંગ્રેના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની સભામાં પણ મીડીયા કર્મીઓ માટે અપૂરતી વ્યવસ્થાએ નારાજગી સર્જી હતી જો, કોંગ્રેસના આગેવાનોની આંતરિક ગુસપુસની વાત કરીએ તો ઉમેદવાર નરેશ મહેશ્વરી માત્ર ત્રણ કોંગ્રેસી આગેવાનો નવલસિંહ જાડેજા, ભચુ આરેઠીયા અને અરજણ ભુડિયાથીજ ઘેરાયેલા રહ્યા હતા છેક છેલ્લે છેલ્લે કોંગ્રેસે મીડીયા સંકલન કરવાનો પ્રયાસ કર્યો હતો પણ, તે સમયે ઉમેદવારના કાર્યાલયમાં બુથ મેનેજમેન્ટ સંદર્ભે કાર્યકરોની નારાજગી જોવા મળી હતી જોકે, ઉમેદવાર નરેશ મહેશ્વરીએ કોંગ્રેસ વતી પોતાની જીતનો દાવો કર્યો હતો પણ, ભાજપના ગઢમાં ગાબડું પાડવાનો કોંગ્રેસનો પ્રયાસ ક્યાંક લોકોની સ્વયંભૂ નારાજગીના કારણે તો ક્યાંક ભાજપની આંતરિક ખટપટ અને સંગઠનના મુખ્ય નેતાઓની ઉદાસીનતાને કારણે વતે ઓછે અંશે સફળ થશે પણ, સ્થાનિક ઉમેદવાર મેદાનમાં હોવા છતાંયે નરેશ મહેશ્વરી માટે તેમના જિલ્લા પ્રમુખ તરીકેના કાર્યકાળમાં કરાયેલી કામગિરી સામેનો અસંતોષ પણ આ ચૂંટણીમાં ઘણી જગ્યાએ વર્તાયો હતો ભુજના મુસ્લિમ વિસ્તારોમાં અને ખાવડા, બન્ની, પચ્છમ સહિત કોંગ્રેસના અનેક પોકેટ મત વિસ્તારોમાં આગેવાનોના નિરુત્સાહના કારણે ઓછા મતદાનને પરિણામે કાગળ ઉપર મતદારોના દેખાતા જાતિઓના મજબૂત સમીકરણ પછીયે કોંગ્રેસનો જીતનો દાવો તો હજી ‘દિલ્હી દૂર જેવો’ જ લાગે છે.

કચ્છ ભાજપમાં પણ વરતાઈ જુથબંધીની અસર

નારાજગીની વાત કરીએ તો, ભાજપના અનેક ‘મોટા માથા’ઓનો ધૂંધવાટ પ્રચાર પ્રસાર દરમ્યાન દેખાયો હતો તેમાંયે ચૂંટણી દરમ્યાનજ નલિયા કાંડ અને સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ અભદ્ર ઓડિયો કલીપ પ્રકરણમાં ખુદ ભજપનાંજ આગેવાનો પડદા પાછળ હોવાની ચર્ચાએ કચ્છ ભાજપના આંતરિક રાજકીય માહોલને ગરમ બનાવ્યો હતો અલબત્ત આ અંગે કોઈએ કંઈ પણ જાહેર પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું તો કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ પણ થઈ નથી જોકે, ભાજપના જિલ્લા મહામંત્રી અંનિરુદ્ધ દવેએ સોશ્યલ મીડિયામાં તેમને બદનામ કરવાના કરાયેલ પ્રયાસ સામે હિંમત દાખવીને પોલીસ ફરિયાદ કરી હતી હા, ઉમેદવાર વિનોદ ચાવડાના પ્રચાર પ્રસાર દરમ્યાન નેતાઓની અંદરની ખેંચતાણ, જુથવાદ સંદર્ભે પ્રદેશ ભાજપનું ધ્યાન દોરાયા બાદ ડેમેજ કન્ટ્રોલ માટે ઓમ માથુર તેમજ ભીખુભાઇ દલસાણીયા ભુજ દોડી આવ્યા હતા પણ, તેમ છતાંય ભુજમાં મધ્યસ્થ કાર્યાલયના પ્રારંભ દરમ્યાન લોકસભા બેઠકના ઇન્ચાર્જ દિલીપ ત્રિવેદી અને ભાજપના યુવા આગેવાનો વચ્ચેની આંતરિક ખેંચતાણ, આપસી મતભેદ ચર્ચામાં આવ્યા હતા ભાજપનું કચ્છમાં મજબૂત નેટવર્ક હોવા છતાંયે રાહુલ ગાંધીની કોંગ્રેસની વિશાળ જાહેર સભાનો રાજકીય પ્રતિ જવાબ આપવામાં કચ્છ ભાજપ નિષફળ રહ્યું ભુજમાં ઉમેદવારી પત્ર ભરવાના CM વિજય રૂપાણીના એક માત્ર જાહેર કાર્યક્રમ સિવાય એક પણ મોટા નેતાઓની જાહેરસભા યોજાઈ નહોતી અલબત્ત દર વખતે ભુજમાં મોટા ગજાના નેતાઓની જાહેરસભાનું ભાજપ દ્વારા આયોજન થતું રહ્યું છે ગાંધીધામમાં રાજનાથસિંહની સભા ખાનગી હોલમાં મર્યાદિત આગેવાનો કાર્યકરોની હાજરીમાં યોજાઈ હતી જોકે, કચ્છ ભાજપના વરિષ્ઠ આગેવાનો તારાચંદભાઈ છેડા, પુષ્પદાન ગઢવી અને વાસણભાઇ આહીરે વિનોદ ચાવડા વતી મોરચો બરાબર સંભાળી લીધો હતો જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ પક્ષના જિલ્લાના સેનાપતિ તરીકે ક્યાંયે આગળ ન દેખાયા, હા સભાઓમાં હાજર રહ્યા હશે અને પડદા પાછળ કામ કર્યું હશે પણ, પક્ષની આંતરિક જૂથબંધી સામે પગલાં ભરવામાં કે શિસ્તનું પાલન કરાવવામાં તેઓ નિષ્ક્રીય દેખાયા કદાચ પ્રથમ વખતજ આ ચૂંટણીમાં એવું દેખાયું કે ભાજપ પક્ષને બદલે ઉમેદવાર એકલા હાથે ચૂંટણી લડે છે જોકે, મીડિયાના પ્રચાર પ્રસારમાં વિનોદ ચાવડાના દરેક પત્રકારો અને માધ્યમો સાથેના અંગત સંબધોની તેમને સહાનુભૂતિ મળી તો, આ ચૂંટણીમાં ભાજપના યુવાનોએ તેમના માટે પ્રચાર,પ્રસાર અને મેનેજમેન્ટની બાગડોર સંભાળી પરિણામે કચ્છ ભાજપના મોટા નેતાઓનો પક્ષ સામેનો આંતરિક વિદ્રોહ તેમજ વિનોદ ચાવડા સામે અમુક ચોક્કસ નેતાઓ અને જૂથની નારાજગી વતેઓછે અંશે હળવી થઈ જોકે, સ્પષ્ટ વાત કરીએ તો, ખુદ ભાજપના આગેવાનોએ ‘ન્યૂઝ4કચ્છ’ સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, તેઓ પોતે પણ માની રહ્યા છે કે, ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મહત્વની હોવા છતાંયે કચ્છની સરળ ગણાતી બેઠકની લડાઈ અમુક નેતાઓના અહમ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિના કારણે મુશ્કેલ બની ગઈ જોકે, ભાજપ કદાચ કચ્છની બેઠક જાળવી રાખવામાં સફળ તો થશે પણ લીડ ગત ચૂંટણી જેવી માતબર નહીં હોય જોકે, ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ જીતનું શાનદાર પુનરાવર્તન થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જોકે, દાવાઓ અને પ્રતિદાવાઓ વચ્ચે કોણ વિજયી બને છે તે તો મત ગણતરીના દિવસે ૨૩મી મે એ ખબર પડશે પણ, એટલુયે નક્કી છે કે, ચૂંટણીના પરિણામોની અસર કચ્છના ભાજપ તેમજ કોંગ્રેસના સંગઠનમાં આંતરિક નવાજુની સર્જશે એ નક્કી છે.