કચ્છ-મોરબી લોકસભા બેઠકની ૨૦૧૯ની ચૂંટણીમાં બન્ને ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થઈ ગયું છે. ચૂંટણીની આંકડાકીય રીતે વાત કરીએ તો અંદાજીત મતદાન ૫૬.૭૬ % થયું છે. જોકે, ભારે ગરમી વચ્ચેય મતદાનની જે ટકાવારી જળવાઈ રહી તેનું કારણ કચ્છના વહીવટીતંત્ર દ્વારા સતત મતદાન માટેની જાગૃતિ પણ કારણભૂત રહી છે. એકંદરે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હોવાનો દાવો નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ. બી. પ્રજાપતિ એ કર્યો હતો.
વિનોદ ચાવડા, નરેશ મહેશ્વરી શું કહે છે?
કચ્છ મોરબી લોકસભા બેઠકની વાત કરીએ તો મુખ્ય સ્પર્ધા ભાજપના વિનોદ ચાવડા અને કોંગ્રેસના નરેશ મહેશ્વરી વચ્ચે છે. ગત ૨૦૧૪ ની લોકસભા ચૂંટણી દરમ્યાન મોરબી કચ્છમાં મતદાનની ટકાવારી ૬૧.૪૭ રહી હતી. જ્યારે ૨૦૧૯ ની આજની કચ્છ-મોરબી લોકસભાની ચૂંટણીનું અંદાજીત મતદાન ૫૬.૭૬% રહ્યું છે. આ આંકડા સાંજે ૭ વાગ્યા સુધીના છે. હજી પણ નાના નાના સેન્ટરો માંથી આંકડાઓ આવી રહ્યા છે. એટલે સાવ ફાઇનલ આંકડામાં થોડો ફેરફાર થઈ શકે છે. વિધાનસભા વિસ્તાર વાઈસ વાત કરીએ અબડાસા ૫૪% , માંડવી ૬૦.૧૪%, ભુજ ૫૮.૨૧, અંજાર ૬૦.૩૯, ગાંધીધામ ૫૩.૦૫, રાપર ૪૪.૦૨, મોરબી ૬૩.૨૬ મતદાન રહ્યું હતું. મતદાનની પેટર્ન કેવી રહી તે કળવી આ વખતે સહેજ મુશ્કેલ છે. આ વખતે કોંગ્રેસ અને ભાજપ બન્ને રાજકીય પક્ષોમાં આંતરિક ખેંચતાણ વધુ રહી હતી. જોકે, કોંગ્રેસ વતી નરેશ મહેશ્વરીએ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જીતનો દાવો કર્યો હતો. તો, ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પણ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જીતનું પુનરાવર્તન થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે, ગત વર્ષ કરતા આ વખતે ૬ % જેટલું મતદાન ઓછું રહ્યું હતું. ગત વર્ષે ૬૧.૪૭ % જ્યારે આ વર્ષે ૫૬.૭૬% મતદાન રહેતા હવે કોણ વિજયી બને છે તે તો મત ગણતરીના દિવસે ૨૩ મી મે એ ખબર પડશે.