Home Current ૪૫ દુલ્હા-દુલહનના નિકાહમાં ઘરના મોભીની છત્રછાયા ગુમાવનાર ૧૫ દિકરીઓનો વાલીદ બન્યો સમાજ...

૪૫ દુલ્હા-દુલહનના નિકાહમાં ઘરના મોભીની છત્રછાયા ગુમાવનાર ૧૫ દિકરીઓનો વાલીદ બન્યો સમાજ – વાત માનવીય સંવેદનાની

1117
SHARE
વધતી જતી મોંઘવારી અને દેખાદેખી વચ્ચે હવે સમાજમાં સમુહલગ્નો પ્રત્યે લોકોમાં જાગૃતિ આવતી જાય છે સમુહલગ્નોની પહેલ દરેક સમાજ માટે આવકાર્ય છે ત્યારે ગાંધીધામ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત બીજા સમૂહ શાદીના આયોજનમાં માનવીય સંવેદના સાથેના લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતા સમુહશાદીના આયોજન વિશે ‘ન્યૂઝ4કચ્છ’ ને માહીતી આપતા આયોજક સંસ્થાના પ્રમુખ શાહનવાઝ શેખ અને પૂર્વ કચ્છના યુવા પત્રકાર અઝીમ શેખે જણાવ્યું હતું કે, આ સમુહશાદીના આયોજનમાં કુલ ૪૫ યુગલો નિકાહના બંધને જોડાયા છે ગાંધીધામ સમસ્ત મુસ્લિમ સમાજના આર્થિક સહયોગથી સમુહશાદીનો સંપૂર્ણ ખર્ચ કરવામાં આવ્યો છે એટલુંજ નહી, પણ તમામ દુલ્હા-દુલહનોને કરિયાવરમાં ૩૦ જેટલી ઘરવપરાશની ચીજ વસ્તુઓ કીટ પણ આપવામાં આવી છે આયોજક સંસ્થા વતી મામદભાઈ આગરિયા અને અન્ય સૌ સદસ્યોએ તમામ દાતાઓનો આભાર માન્યો હતો.

જયારે હાજી જુમા રાયમાની વાતથી સૌની આંખોના ખૂણા ભીના થયા

ગાંધીધામ સમસ્ત મુસ્લિમ સમાજની સમુહશાદીના આયોજનના પ્રણેતા હાજી જુમા રાયમાએ જ્યારે વાત કરતા જણાવ્યું હતું કે, દુલહન બનેલી ૪૫ દીકરીઓ પૈકી ૮ દીકરીઓ એવી છે કે, જેમણે પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી છે, જ્યારે ૭ દીકરીઓ એવી છે કે જેમના ઘરના બે પૈકી માત્ર એક જ મોભી (માતા અથવા તો પિતા) હયાત છે આવી ૧૫ દીકરીઓના વાલીદ બનવાની ખુશનસીબી અમારા ગાંધીધામના સમસ્ત મુસ્લિમ સમાજને મળી છે એ દીકરીઓને પણ એવો અહેસાસ થયો છે કે, તેમના જીવનનના નિકાહ જેવા ખુશીના પ્રસંગે તેઓ એકલી નથી પણ સમગ્ર મુસ્લિમ સમાજ તેમના વાલીદ તરીકે તેમની સાથે આ ખુશીમાં સામેલ થયો છે સૌની આંખોના ખૂણા ભીના થાય તેવી લાગણીસભર વાત કરતા હાજી જુમા રાયમાએ જણાવ્યું હતું કે, આજે નિકાહના બંધને બંધાનાર દીકરીઓની કન્યા વિદાય નથી પણ ગૃહ પ્રવેશ છે, આ દીકરીઓ એક નવા ઘરમાં પ્રવેશ કરી રહી છે નિકાહની વિધિ સૈયદ હાજી અલી અહેમદશા બાપુએ કરાવી હતી.

મુસ્લિમ સમાજના આ આયોજનમાં હિન્દૂ સમાજ પણ બન્યો સહયોગી

ગત વર્ષે પોતાની દીકરીના નિકાહ પ્રસંગે અન્ય ૪૧ દીકરીઓના પણ એક સાથે નિકાહ કરાવીને ગાંધીધામમાં સમુહશાદીના આયોજનની શરૂઆત કરાવનાર હાજી જુમા રાયમાએ જણાવ્યું હતું કે, સતત બે વર્ષ થયાં મુસ્લિમ સમાજની સાથે આ કાર્યમાં હિન્દૂ સમાજનો પણ આર્થિક સહયોગ મળી રહ્યો છે કોમી એકતાનો અહેસાસ કરાવતા સમુહશાદીના આ આયોજનમાં તમામ સમાજોના ૧૦,૦૦૦ હજારથી પણ વધુ લોકોએ ઉપસ્થિત રહી નિકાહના બંધને બંધાનાર ૪૫ દુલ્હા દુલહનોની જોડીને આર્શીવાદ આપ્યા હતા આ પ્રસંગે સૈયદ અમીનશા બાવા, સૈયદ અલી અહેમદશા બાવા, સૈયદ અનવરશા બાપુ, સૈયદ મૌલાના મુસા સાહેબ, મૌલાના સીદીકસાહેબ, સૈયદ અશરફશા (ભુજ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીધામના નગરપતિ કાનજી ભર્યા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશમંત્રી રવિન્દ્ર ત્રવાડી, પ્રવક્તા ગની કુંભાર, કોંગ્રસના આગેવાનો સંજય ગાંધી, ઇકબાલ મંધરા, ગનીભાઈ માંજોઠી, સલમાબેન ગંઢ, ભાજપના આગેવાનો જે.પી. મહેશ્વરી,રામજી ધેડા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહીને સમુહશાદીના આ આયોજનને બિરદાવી આયોજકોને અભિનંદન આપ્યા હતા.