Home Current આજની ૧૩/૬ની મુંબઈ-કચ્છની ટ્રેનો પણ રદ્દ,૧૪/૬ના સ્કૂલોમાં રજા -‘વાયુ’ વાવાઝોડું ક્યાં પહોંચ્યું?કચ્છમાં...

આજની ૧૩/૬ની મુંબઈ-કચ્છની ટ્રેનો પણ રદ્દ,૧૪/૬ના સ્કૂલોમાં રજા -‘વાયુ’ વાવાઝોડું ક્યાં પહોંચ્યું?કચ્છમાં શું થશે?જાણો લેટેસ્ટ અપડેટ

3536
SHARE
વાયુ વાવાઝોડાની આગાહી વચ્ચે રેલવે તંત્રએ આગોતરા પગલાં રૂપે મુંબઈ-ભુજ-મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનો રદ્દ કરી છે. ગઈકાલે ૧૨/૬ ના મુંબઈ થી ભુજની ટ્રેનો સયાજીનગરી, કચ્છ એક્સપ્રેસ અને એ.સી. સુપરફાસ્ટ અમદાવાદ સુધી જ ગઈ હતી. તે પણ સમય કરતાં ૫ કલાક મોડી પહોંચી હતી. એ જ રીતે આજની તા/૧૩/૬ ની મુંબઈ થી ઉપડતી સયાજીનગરી અને કચ્છ એક્સપ્રેસ બન્ને ટ્રેનો મુંબઈ થી અમદાવાદ સુધી જ જશે. એટલે, મુંબઈ ગાંધીધામ ભુજ વચ્ચેની ટ્રેન રદ્દ થઈ છે. અમદાવાદ-ગાંધીધામ-ભુજ વચ્ચેનો ટ્રેન વ્યવહાર બંધ છે. એટલે ભુજ ગાંધીધામ થી ગઈકાલ તા/૧૨/૬ ની જેમ જ આજે તા/૧૩/૬ ની મુંબઈ જતી ટ્રેનો રદ્દ કરાઈ છે. પરિણામે કચ્છ મુંબઈ વચ્ચે વેકેશનના સમયમાં હજારો પ્રવાસીઓ અટવાયા છે. જોકે, રેલવે દ્વારા મુંબઈ-ભુજ-મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ક્યારે શરૂ થશે તેની સતાવાર કોઈ જાહેરાત કરાઈ નથી પણ કચ્છ અને મુંબઈ વચ્ચે સંભવતઃ આવતીકાલ ૧૪/૬ થી ટ્રેન વ્યવહાર ચાલુ થઈ જાય તેવી શકયતા છે. વાયુ વાવાઝોડું ફંટાઈ જતાં રેલવે વ્યવહાર ફરી પૂર્વવત થઈ જશે એવું લાગી રહ્યું છે. જ્યારે કચ્છના ૬ તાલુકાઓ ડેન્જર ઝોનમાં આવતા હોઈ એસટી ના ૨૮૮ રૂટ રદ્દ કરાયા છે. પરિણામે એસટી વ્યવહાર ઠપ્પ થઈ જતાં સ્થાનિક અવરજવરને પણ અસર પહોંચી હતી.

જાણો વાયુ વાવાઝોડાનું લેટેસ્ટ અપડેટ

વાયુ વાવાઝોડું ક્યાં પહોંચ્યું? સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં અને કચ્છ બહાર રહેતા કચ્છી માડુઓમાં એક જ ચિંતા હતી કે વાવાઝોડાની આફતનું શું થશે? જોકે, ‘વાયુ’ વાવાઝોડા ઉપર સતત નજર રાખતી ‘સ્કાય મેટ’ વેધર વેબસાઇટે સૌ પ્રથમ વાયુ હવે ઓમાન તરફ જઈ રહ્યું છે એવુ જણાવીને ગુજરાત ઉપરથી અને ખાસ કરી ને સૌરાષ્ટ્ર કચ્છ ઉપર થી સંકટ પ્રમાણમાં હળવું થયું છે એવો સંકેત આપ્યો હતો. જોકે, પહેલાં કરતાં ધીમા પડી ગયેલા વાયુ વાવાઝોડાની દિશા હવે ઓમાનની સાથે ઈરાન તરફ ફંટાઈ છે. અરબી સમુદ્રમાં પશ્ચિમ તરફ આગળ વધ્યા બાદ પોરબંદર અને જખૌને અડીને ઉત્તર-પૂર્વ તરફ ફંટાયેલા વાયુ વાવાઝોડાની દિશા ભલે બદલાઈ પણ તેની અસર વાતાવરણમાં પડશે એવી આગાહીની અસર અમદાવાદ તેમ જ સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં વેગીલા પવન અને વરસાદ સ્વરૂપે અનુભવાઈ હતી. જોકે, સ્કાય મેટ વેધર વેબસાઇટની આગાહી પ્રમાણે નલિયા વિસ્તારમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે. પરંતુ, કચ્છનું વહીવટીતંત્ર સજ્જ છે, આગોતરા પગલાં રૂપે ૨૬ હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા થઈ રહેલી રાહત અને બચાવ કામગીરી નિહાળવા કચ્છ આવેલા પ્રભારીમંત્રી દિલીપ ઠાકોરે ભુજમાં કામગીરીની માહિતી મેળવી જખૌ અને અન્ય કાંઠાળ વિસ્તારોની મુલાકાત લીધી હતી. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા સતત જખૌ તેમ જ નલિયા આસપાસના વિસ્તારોની મુલાકાત સાથે લોકોને મદદરૂપ બની રહ્યા છે. વાયુ વાવાઝોડાની અસર કચ્છના ૬ તાલુકાઓ ભચાઉ, ગાંધીધામ, મુન્દ્રા, માંડવી, અબડાસા અને લખપતમાં હોઈ આ તાલુકાઓ પણ ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે.

કંડલા પોર્ટ, મુન્દ્રા પોર્ટ અને જખૌ બંદરે હજી પણ ૯ નંબરનું ભયજનક સિગ્નલ

ગઈ કાલ તા/૧૨/૬ ના સાંજ થી કચ્છના બંદરોએ અતિ ભયજનક એવું ૯ નંબરનું સિગ્નલ લગાવી પોર્ટનું તમામ કામ સ્થગિત કરી દેવાયું હતું. આજ તા/૧૩/૬ ના ફરી આવતીકાલે તા/૧૪/૬ ના પણ ૯ નંબરનું અતિ ભયજનક સિગ્નલ લગાડવાની જાહેરાતને પગલે કંડલા પોર્ટ, મુન્દ્રા પોર્ટ અને જખૌ બંદરે કામકાજ સ્થગિત રહેશે. બે દિવસ માટે કચ્છના બે મહાબંદરો કંડલા તેમ જ મુન્દ્રા પોર્ટ બંધ રહેતા અંદાજીત ૨૫ હજાર કરોડથી યે વધુ નુક્સાનીનો અંદાજ છે.

સ્કૂલો કોલેજોની રજા ૧૪/૬ સુધી લંબાવાઈ

વાયુ વાવાઝોડાની ઝડપ ધીમી પડતા સાવચેતીના પગલાં રૂપે કચ્છની તમામ સ્કૂલોની અને કોલેજોની રજા એક દિવસ તા/૧૪/૬ સુધી લંબાવાઈ છે.