Home Current ભુજમાં ધરણા સાથે નાયબ મામલતદારોની હડતાલની ચીમકીને પગલે જિલ્લા-તાલુકા મથકે લોકોના કામો અટવાઈ...

ભુજમાં ધરણા સાથે નાયબ મામલતદારોની હડતાલની ચીમકીને પગલે જિલ્લા-તાલુકા મથકે લોકોના કામો અટવાઈ જવાની ભીતિ – જાણો શું છે આખો ઇસ્યુ?

959
SHARE
પોતાની કલમથી અરજદારથી માંડીને સરકારને પણ ધ્રુજાવતા નાયબ મામલતદારોએ હવે પોતાની પડતર માંગણીઓ સાથે આંદોલનનો ધોકો પછાડ્યો છે. ભુજમાં કલેકટર કચેરીની સામે જ આજે નાયબ મામલતદારોએ ઘરણા યોજીને પોતાની પડતર માંગણીઓનો ઉકેલ લાવવાની માંગ કરી છે સાથે સાથે જો માંગણીઓ ન સ્વીકારાય તો સરકાર સામે આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે જેમાં એક દિવસની હડતાલથી માંડીને જો તેમની માગણીઓનો સ્વીકાર ન થાય તો અચોક્કસ મુદ્દત સુધી કામકાજથી અળગા રહી હડતાલ પાડવાની ચીમકી અપાઈ છે. રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા આ અંગે રાજ્યના મહેસુલ મંત્રી તેમજ મુખ્ય સચિવને ઉદ્દેશીને લખાયેલા આવેદનપત્રમાં પોતાની માંગણીઓ વિશે વિસ્તૃત રજુઆત કરી છે.

આ છે, નાયબ મામલતદારોની માંગણીઓ

(૧) રેવન્યુ તલાટી સંવર્ગને મહેસુલ વિભાગમાંથી રદ્દ કરીને પંચાયત તલાટીઓ સાથે જિલ્લા-તાલુકા પંચાયત વિભાગ સાથે મર્જ કરવા, (૨) સરકારશ્રીના ૨૧/૫/૧૮ ના ઠરાવ પ્રમાણે ક્લાર્ક માંથી નાયબ મામલતદાર તરીકે અપાતા પ્રમોશન દરમ્યાન જિલ્લાની અંદર રહેલી ખાલી જગ્યાએ નિયુક્તિ આપવામાં આવે, અત્યારે જિલ્લા બહાર બદલાયેલા આવા નાયબ મામલતદારને ફરી પોતાના જિલ્લામાં નિયુક્તિ આપવામાં આવે (૩) વર્ષ ૨૦૧૫/૧૬ ના વર્ષમાં એલઆરક્યુ પાસ કરેલ ૨૬ ક્લાર્કને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપવું, (૪) નાયબ મામલતદારોથી મામલતદાર માટેની સિનિયોરિટીનું લિસ્ટ તૈયાર કરવું, (૫) નાણાં વિભાગના ૧૮/૧/૧૭ ના ફિક્સ પગાર માટેના ઠરાવને ધ્યાને લઈને ૨૦૦૯ ની બેચના ક્લાર્ક તેમ જ ૨૦૧૦ ની બેચના રેવન્યુ તલાટી સંવર્ગના કર્મચારીઓના જિલ્લા ફેર બદલીના કિસ્સામાં અન્યાય ન થાય, યોગ્ય નિયુક્તિ મળે, તેમને મૂળ તારીખથી જ મેરીટમાં ગણીને તેમની પોતાના મૂળ જિલ્લામાં નિયુક્તિ કરવામાં આવે, (૬) ક્લાર્ક કેડરના કર્મચારીઓને તત્કાલ નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપવું, (૭) ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપ્યા બાદ જો જિલ્લામાં ખાલી જગ્યાઓ હોય તો સ્થાનિકે જ નિયુક્તિ આપવામાં આવે, જિલ્લા ફેર બદલીની માંગણી વાળા કર્મચારીઓની જે જિલ્લામાં જગ્યાઓ ખાલી હોય ત્યાં નિયુક્તિ આપીને બદલીની માંગણી પૂર્ણ કરવામાં આવે, (૮) નવી ભરતી કે પ્રમોશન પહેલા જિલ્લા ફેરબદલીના કેમ્પનું આયોજન કરવામાં આવે (૯) નાયબ મામલતદારથી મામલતદારના પ્રમોશન સિનિયોરિટી પ્રમાણે આપીને ૫૦ જેટલી મામલતદારોની ખાલી જગ્યાઓ પુરવામાં આવે, (૧૦) પૂર્વ સેવાની પરીક્ષા નિયત સમયમાં પાસ ન કરી હોય, કૃપા ગુણ સાથે ચોથી તકમાં જેમણે પરીક્ષા પાસ કરી હોય તેમના માટે ફરજના સમયગાળા માટે તેમ જ સિનિયોરિટી માટેની વિસંગતતા દૂર કરવામાં આવે, (૧૧) જેમણે નિયત સમય બાદ સીસીસી ની પરીક્ષા પાસ કરી હોય તેમના માટે તેઓ જયારે પરીક્ષા પાસ કરે ત્યારે નોકરીના બે વર્ષ બાદ પાસ કર્યાની તારીખ સુધીના સમયગાળા સંદર્ભે રહેલ વિસંગતતા દૂર કરીને નિયમિત નોકરી તેમ જ સિનિયોરિટી ગણવી
રાજ્યમાં અત્યારે ૨૪૦૦ મામલતદારોની જગ્યાઓ ખાલી છે એ અંગે ધ્યાન દોરીને કર્મચારી મહામંડળ દ્વારા પ્રશ્નોનો ઉકેલ ન આવે તો આંદોલનને જલદ બનાવવાની ચીમકી સરકારને અપાઈ છે. હવે પછી તા/૧૯/૮ થી તા/૨૩/૮ સુધી કાળી પટ્ટી સાથે વર્ક ટુ રૂલ, તા/૨૬/૮ ના એક દિવસની માસ સીએલ સાથે કામકાજથી અળગા રહીને હડતાલ પાડવા તેમજ આંદોલનને વધુ આકરું બનાવીને તા/૨૯/૮/૧૮ થી અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી અપાઈ છે. નાયબ મામલતદારોની હડતાલને પગલે તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ કચેરીના મહેસુલી, પુરવઠા તેમજ અન્ય અનેક વહીવટી કામો ખોરવાઈ જશે જોકે, સરકાર આગળ કેવું વલણ લે છે, તેના ઉપર આ આંદોલનનો આધાર રહેશે. ગુજરાત મહેસુલી કર્મચારી મહામંડળના પ્રમુખ વિરમ દેસાઈ તેમજ મહામંત્રી આશિષ બાખલકીયાની સહી સાથે આવેદનપત્ર સરકારને અપાયું છે. કચ્છમાં મંડળના પ્રમુખ પી.એમ સોઢાની આગેવાનીમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.