Home Current કચ્છની ક્રીક સરહદથી આતંકીઓ ઘૂસી ગયા છે ? ભારતીય સેનાએ વ્યકત કરેલી...

કચ્છની ક્રીક સરહદથી આતંકીઓ ઘૂસી ગયા છે ? ભારતીય સેનાએ વ્યકત કરેલી આશંકા

888
SHARE
જયેશ શાહ, ભુજ
અતિ ચુસ્ત સિક્યોરિટી વચ્ચે ગુજરાતનાં સરહદી જીલ્લા કચ્છની ક્રીક સીમાએથી સર ક્રીક – હરામીનાળા વિસ્તારમાંથી ગયા મહિનાનાં અંતિમ સપ્તાહ દરમિયાન વહેલી સવારે બે પાકિસ્તાની બોટ મળી આવી હતી. આ બોટમાં કોણ હતા અને તેઓ કઈ તરફ ગયા હતા એ વાત રહસ્ય બની ગઇ હતી ત્યાં જ ઇન્ડિયન આર્મીનાં એક ઉચ્ચ અધિકારી દ્વારા આ અંગે કરેલા એક ટ્વીટને પગલે મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે જેમા ભારતીય સેનાનાં લેફટનન્ટ જનરલ કક્ષાનાં ઓફિસરે એવી આશંકા વ્યકત કરી છે કે કચ્છનાં ક્રીક એરિયામાં મળેલી બોટ તથા ત્યારબાદ દક્ષિણ ભારતમાં કોઇક જગ્યાએ આતંકીઓ તેમના નાપાક મનસૂબાને અંજામ આપી શકે છે તેવા ઇન્ટેલિજન્સ ઇનપુટ મળી રહ્યા છે જેને કારણે કચ્છની બોર્ડર ચર્ચામાં આવી છે.
ઇન્ડિયન આર્મીનાં સધનઁ કમાન્ડનાં વડા એવા જનરલ ઓફિસર કમાન્ડ(જીઓસી)નાં કમાન્ડર લેફટનન્ટ જનરલ એસ.કે.સૈનીએ આજે ટ્વીટ કરીને એવી આશંકા વ્યકત કરી હતી કે, ભારતીય સેનાને કેટલાક એવા ઇનપુટ મળ્યા છે કે આતંકીઓ દક્ષિણ ભારતમાં કોઈ આતંકી ઘટનાને અંજામ આપી શકે છે કચ્છનાં ક્રીક એરિયામાંથી મળેલી બિનવારસી બોટની ઘટના ઉપર પણ તેમની ખાસ નજર છે એમ ઉમેરતા લેફટનન્ટ જનરલ સૈનીએ ઇન્ડિયન આર્મી કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે પૂરતી કાળજી લઈ રહી છે તેમ પણ જણાવ્યું હતુ. અમે આપને જણાવી દઈએ કે ભારતીય સેનાનાં ઉચ્ચ અધિકારી કચ્છમાંથી જે બોટ મળી આવવાની વાત કરી રહયા હતા તે ગયા મહીને અંતિમ સપ્તાહ દરમિયાન બની હતી જેમાં 24મી ઓગષ્ટની સવારે 6.30 વાગ્યાના અરસામાં ઇન્ડો-પાક બોર્ડરનાં અંતિમ પીલર 1175થી થોડે દુર આવેલા હરામીનાળા વિસ્તારમાંથી સિંગલ એન્જિનવાળી બે ફિશીંગ બોટ ભારતીય એરિયામાં જોવા મળી હતી.
તે વખતે બીએસએફની પેટ્રોલિંગ પાર્ટીએ તરત જ બોટને કબજામાં લઇને સમગ્ર હરામીનાળા વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતુ. પરંતું કોઈ પણ નાપાક તત્વો ઝડપાયા ન હતાં. અતિ સંવેદનશીલ ક્રીક એરિયામાં ચુસ્ત બંદોબસ્ત હોવા છતા પાક બોટ કેવી રીતે ભારતીય એરિયામાં આવી ગઇ તેમાં કેટલા લોકો હતા, બોટનાં લોકો બીએસએફની પેટ્રોલિંગ પાર્ટીને જોઈને ભાગી ગયા કે તેમના મનસૂબાને પાર પાડી ભાગી ગયા હતા વગેરે જેવા પ્રશ્નોનો તે વખતે ઉભા થયા હતાં જેનો જવાબ તે વખતે અને આજે પણ કોઈ અધિકારી પાસે નથી પરંતું એટલું ચોક્કસ હતુ કે, લાંબા સમયથી કચ્છ બોર્ડરને લઇને એલર્ટ આપવા છતા બીએસએફની પોતાની આગવી અલાયદી ઇન્ટેલિજન્સ એજન્સીનું ‘જી’ બ્રાન્ચનું ભુજ યુનિટ ઊંઘતુ ઝડપાઇ ગયુ હતુ. આ માધ્યમ દ્વારા અહીંથી આ અંગે તે વખતે જ શંકા વ્યકત કરવામાં આવી હતી. જેને હવે ઇન્ડિયન આર્મીના લેફટનન્ટ જનરલનાં ટ્વીટથી જાણે સમર્થન મળી રહ્યું છે.
છેલ્લા કેટલાંક સમયથી કચ્છમાં બીએસએફની ઇન્ટેલિજન્સ બ્રાન્ચ- ભુજમાં પ્રોફેશનલ એપ્રોચ વગરનાં અધિકારીઓની પોસ્ટિંગને પગલે કચ્છ બોર્ડરને લગતી ઇનફોર્મશન મેળવામા નિષ્ફળતા મળી રહી છે જેને ખુદ ભારતીય સેનાના અધિકારી દ્વારા જાણે આડકતરું સમર્થન મળી રહ્યું છે.