કચ્છમાં બબ્બે બંદરો અને ઉદ્યોગોના કારણે વાહનવ્યવહાર વધ્યો છે તેની સાથે રોડ અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે. આજે સવારે અંજાર તાલુકાના ખેડોઈ ગામે મહાકાય ટ્રેઇલરે બાઇકને હડફેટે લેતાં બાઇક ચાલક નરપતસિંહ લાલુભા જાડેજાનું કરુણ મોત નીપજ્યું હતું. ૫૫ વર્ષીય નરપતસિંહ ખેડોઈ ગામના આગેવાન હોઈ તેમના અકસ્માતથી નિપજેલા મોતને પગલે ગ્રામજનોમાં આક્રોશ વ્યાપી ગયો હતો. ઉશ્કેરાયેલા લોકોએ અકસ્માત સર્જનાર ટ્રેઇલરને આગ ચાંપી દીધી હતી. અકસ્માતનો આ બનાવ આજે સવારે બન્યો હતો મુન્દ્રા અંજાર વચ્ચેનો આ નેશનલ હાઇવે ખેડોઈ પાસે બિસ્માર છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ માર્ગ અકસ્માત ઝોન છે દરરોજ અહીં એકાદ નાનો મોટો અકસ્માત સર્જાય છે.