રણોત્સવ સંદર્ભે છેલ્લા ચાર દિવસમાં ત્રણ વખત અલગ અલગ રીતે થયેલી જાહેરાતને પગલે આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. પહેલાં ૧ નવેમ્બરથી ૨૦ ફેબ્રુઆરી દરમ્યાન રણોત્સવ શરૂ થવાની જાહેરાત અને જિલ્લા કલેકટર દ્વારા મળેલી બેઠક સંદર્ભે વહીવટીતંત્ર દ્વારા અખબારી યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. ફરી બીજી વખત રણોત્સવ મુદ્દે અખબારી યાદી પ્રસિદ્ધ કરીને એવુ જણાવાયું હતું કે, રણમાં પાણી ભરેલા હોઈ હવે રણોત્સવ એક મહિનો મોડો ડિસેમ્બરથી શરૂ થશે. આ બન્ને અખબારી યાદીઓ મીડીયા દ્વારા પ્રસિદ્ધ પણ થઈ ગઈ. આમ, રણોત્સવ નવેમ્બર નહીં પણ ડિસેમ્બરમાં શરૂ થશે એવી ચર્ચા પણ શરૂ થઈ. હજી, તો આ ચર્ચા શમે તે પહેલાંજ તરત જ ત્રીજી વખત અખબારી યાદી આવી ગઈ અને રણોત્સવ નવેમ્બરમાં શરૂ થશે એવી સ્પષ્ટતા સાથે જિલ્લા વહીવટીતંત્રએ ધોરડોના ટેન્ટસિટીમાં ટેન્ટનું બુકીંગ કરનાર કંપનીનું ધ્યાન દોર્યું કે, પ્રવાસીઓને કહી દેજો સફેદરણના દર્શન તો ડિસેમ્બરમાં થશે, કારણકે, રણમાં પાણી ભરાયું છે. આમ, રણોત્સવ ક્યારે? નવેમ્બર કે ડિસેમ્બર એ બે વચ્ચે અવઢવ અનુભવતા પ્રવાસીઓ હવે એ જાણી લે કે, રણોત્સવ ૧ લી નવેમ્બરથી શરૂ થઈ જશે.
અવઢવ ક્યાં સર્જાઈ?
કચ્છના નવ નિયુક્ત કલેકટરશ્રી નાગરાજન માટે રણોત્સવના આયોજનની પ્રથમ જ બેઠક હોઈ સ્વાભાવિક છે કે, તેમને વરસાદ પછીની કચ્છના સફેદરણની ભૌગોલિક પરિસ્થિતિની પૂરતી ખબર ન હોય. વળી, દર વખતની જેમ આ વખતે પણ રણોત્સવના ટેન્ટસીટીના કોન્ટ્રાકટર લાલુજી એન્ડ કંપની દ્વારા ૨૮ ઓક્ટોબરથી પ્રી બુકીંગ શરૂ કરી દેવાયું હતું. નવેમ્બરનો સમય દિવાળીની રજાઓના કારણે પણ પ્રવાસીઓના ધસારાનો છે. આ બધાં સંજોગો વચ્ચે અન્ય અધિકારીઓએ રણોત્સવના આયોજન સાથે સંકળાયેલા અનુભવી અધિકારીઓ, ત્યાં રણવિસ્તારના સ્થાનિકના આગેવાનોને સાથે રાખીને નવા કલેકટર સાથે બેઠક યોજવાની જરૂરત થતી. પણ, આમાં ક્યાંક કાચું કપાયું અને રણોત્સવના મુદ્દે અવઢવ થઈ. જોકે, હવે એ બધી અવઢવ દૂર થઈ ગઈ છે.