મુન્દ્રા કોંગ્રેસના ‘મોટા માથાઓ’ અને ૪૦૦ જેટલા કાર્યકરોના ભાજપ પ્રવેશની ચર્ચા વચ્ચે ભારે રાજકીય હલચલ સર્જાઈ છે. મુન્દ્રા મધ્યે રાજ્યના વરિષ્ઠ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિ માં મુન્દ્રા કોંગ્રેસના મોટા માથાઓ અને કાર્યકરોના સાગમટે ભાજપ પ્રવેશ પૂર્વે મુન્દ્રા શહેર અને તાલુકા ભાજપમાં ધૂંધવાટ પ્રવર્તી રહ્યો છે. કચ્છમાં રાજકીય હલચલ વચ્ચે ભાજપના વર્તુળોમાં આ સંદર્ભે વ્યક્ત થઈ રહેલી નારાજગી સૂચક મનાઈ રહી છે. મુન્દ્રામાં યોજાનાર કાર્યક્રમ પૂર્વે કોંગ્રેસ વતી વિધાનસભાની ચૂંટણીમાં ઝુકાવનાર, સહકારી સંસ્થાઓમાં સક્રિય રહેલા અનુસૂચિત જાતિના આગેવાન, લઘુમતી સમાજના આગેવાન, મુન્દ્રા તાલુકા પંચાયતના અમુક સભ્યો સહિતના મોટા ગજાના નેતાઓ પોતાના ૪૦૦ જેટલા ટેકેદારો સાથે ‘કેસરિયા’ કરે તેવી ચર્ચા વચ્ચે મુન્દ્રા ભાજપમાં વર્ષોથી વફાદાર રહીને કમળને મજબૂત કરનારા નાના અને મોટા ગજાના નેતાઓમાં ધૂંધવાટ પ્રવર્તી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી કચ્છના રાજકારણમાં ‘અંડર કરંટ’ સર્જતા આ રાજકીય પ્રયાસના અને હીલચાલના સમાચારો સમયે પણ મુન્દ્રા તેમજ કચ્છ ભાજપના સંગઠનમાં પણ ભારે આંતરિક વિરોધ દર્શાવાયો હતો, પણ કચ્છ ભાજપની આંતરિક જુથબંધી વચ્ચે ગાંધીનગર સાથે ‘ઘરોબો’ ધરાવનાર જૂથને મળેલી લીલીઝંડી પછી મુન્દ્રા કોંગ્રેસના રાજકીય આગેવાનોને ‘ભગવાકરણ’ નો માર્ગ મોકળો થયો હતો. જોકે, મુન્દ્રાના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોના ‘સાગમટે કેસરિયા’થી મુન્દ્રા શહેર તેમજ તાલુકામાં કોંગ્રેસના અસ્તિત્વ સામે જોખમ સર્જાયું છે. જોકે, ભાજપના આંતરિક સુત્રોની વાત માનીએ તો ખરું જોખમ તો મુન્દ્રા ભાજપના વર્ષો જુના સંનિષ્ઠ આગેવાનો અને કાર્યકરો સામે છે, હવે ‘કેસરિયા’ પક્ષના સંગઠન અને ભવિષ્યની ગ્રામ્ય, તાલુકા, જિલ્લા તેમજ સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં પક્ષ બદલીને આવનારા ‘કોંગ્રેસ’ ના આગેવાનો અને કાર્યકરોનો ‘પંજો’ ફરી વળશે. જોકે, સામે પક્ષે કચ્છ કોંગ્રેસમાં પણ આ રાજકીય હલચલે ખળભળાટ સર્જ્યો છે. કોંગ્રેસની આંતરિક રાજકીય ચર્ચા પ્રમાણે ‘કેસરિયા’ કરનારા જુના કોંગ્રેસીઓ આજે પણ કચ્છ ભાજપમાં ‘સાઈડ લાઇન’ છે. વ્યક્તિગત સ્વાર્થ ખાતર પક્ષને છોડનારાઓને ભવિષ્યમાં પસ્તાવું પડશે. જોકે, અત્યારે તો ભાજપની રાજકીય બોલબાલા વચ્ચે કોંગ્રેસ માટે પોતાનું ઘર સાચવવું મુશ્કેલ છે. હવે, લોકોની અને રાજકીય પક્ષો સાથે સંકળાયેલા વર્તુળોની નજર કચ્છ ભાજપમાં થઈ રહેલા આંતરિક વિરોધ વચ્ચે ‘કેસરિયા’ કરનાર કોંગ્રેસીઓના ભાજપમાં રહીને સત્તામાં રહેવાના ‘રાજકીય સ્વપ્નો’ સાકાર થાય છે કે નહીં એ જોવું રહ્યું.