ભુજમાં કોમર્સ કોલેજ રોડ ઉપર યોજાયેલા બૌદ્ધ ધમ્મ દીક્ષા સમિતિ કચ્છ દ્વારા આયોજિત દીક્ષા સંમેલનમાં ૧૧૨ વ્યક્તિઓએ બૌદ્ધ દીક્ષા સ્વીકારીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે ભગવાન બુદ્ધ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની છબી સમક્ષ મીણબત્તી પ્રગટાવવામાં આવી હતી. આગેવાનોનું ગુલાબના ફૂલ દ્વારા સ્વાગત કરાયું હતું. ધમ્મ દીક્ષા વિધિ પ્રસંગે ધમ્મચારી આનંદ શાક્ય (ગાંધીધામ) અને ધમ્મચારી રત્નાકર (અમદાવાદ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બૌદ્ધ ધમ્મ દીક્ષા સમિતિ કચ્છના કન્વીનરો ખેતશીભાઈ મારૂ, મોહનભાઇ જાદવ, વનીતાબેન મહેશ્વરી, બ્રિજેશભાઈ કોલી, મનજીભાઈ મારવાડા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દીક્ષા વિધિ ધમ્મચારી રત્નાકર (અમદાવાદ) દ્વારા કરાઈ હતી. બૌદ્ધ ધર્મ અંગીકાર કરનારને ‘બૌદ્ધ વંદના સુત સંગ્રહ’ પુસ્તક આપવામાં આવ્યું હતું. પ્રસંગે શીખ ધર્મગુરુ જ્ઞાનેન્દ્રસિંઘ, સામાજિક આગેવાન ડી.એલ. મહેશ્વરી, દલિત અધિકાર મંચના નરેશ મહેશ્વરી, સહ સંયોજક પરિવર્તન યાત્રાના હિરજી સિજુ, રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા કચ્છના સંયોજક મોહમ્મદ લાખા, બહુજન સમાજ પાર્ટી કચ્છના પ્રભારી કિશોર કોચરા ઉપસ્થિત રહ્યા હતા.