જયેશ શાહ .ગાંધીધામ લોકડાઉનનાં પાલન અંગે સરકારની સાથે સાથે લોકો પણ સહયોગ આપી રહ્યા છે ત્યારે પૂર્વ કચ્છમાં પોલીસ દ્વારા લોકડાઉનનાં અમલ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો સહયોગ લેવામાં આવતા વિવાદ સર્જાયો છે કારણ કે આરએસએસનાં કાર્યકરો દ્વારા પોલીસની ફાયબર સ્ટીક (ડંડા) દ્વારા લોકોને અટકાવવામાં આવી રહ્યા છે જેને કારણે પોલીસ સિવાયનાં સાવ અલગ કહી શકાય તેવા લોકોને જોઈને રસ્તા પરથી પસાર થતા લોકો પણ અચંબામાં પડી ગયા હતા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સંઘના કાર્યકરોને આ પ્રકારની મંજૂરી આપવામાં આવેલી છે
પૂર્વ કચ્છનાં ગાંધીધામમાં ગઈકાલથી રિલાયન્સ સર્કલ, ઓમ સર્કલ, ઓસ્લો ચાર રસ્તા, ટાગોર રોડ વગેરે જેવા જુદા જુદા માર્ગો ઉપર પોલીસની સાથે પેન્ટવાળા સંઘના કાર્યકરો ડંડા સાથે લોકોને અટકાવી રહ્યા છે પોલીસે સામેથી તેમને મંજૂરી આપી છે કે તેઓ મંજૂરી લેવા ગયા હતા અથવા તો ઉપરથી સરકારે પોલીસને RSSનાં કાર્યકરોનો સહયોગ લેવાની સૂચના આપી છે, તે સ્પષ્ટ થયું નથી સંઘના સ્વયંસેવકોને જેમના નામથી પાસ-મંજૂરી આપવામાં આવી છે તેવા પૂર્વ કચ્છ પોલીસનાં હેડ ક્વાર્ટરનાં ડેપ્યુટી એસપી વિપુલ આર. પટેલનો વારંવાર સંપર્ક કરવા છતા તેઓ મળી શક્યા નહોતા એસએમએસ થકી પણ ડીવાયએસપી પટેલનો સંપર્ક કરતા છેવટે તેમણે સરકારી મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો
સંઘના કાર્યકરોને પોલીસની સાથે ડંડા સાથે રોડ ઉપર તૈનાત કરવામાં આવતા કચ્છ કોંગ્રેસે પણ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો કચ્છ કોંગ્રેસનાં પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આ અંગે પૂર્વ કચ્છનાં એસપીને રજુઆત કરવામાં આવશે તેમ જણાવીને ઉમેર્યું હતું કે, પોલીસને જો લોકડાઉનમાં મદદની જ જરૂર તો હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ સહિત ગાંધીધામ જેવા શહેરમાં ટ્રાફિક રોડ બ્રિગેડ(TRB)નાં લોકોની મદદ પણ લઈ શકાય તેમ છે છતાં નાહકનો વિવાદ કરવા શા માટે આવું કરવામાં આવ્યું છે તે એક મોટો પ્રશ્ન છે સંઘના કાર્યકરોને જોઈને કેટલાકે તો પોલીસ દ્વારા કરવામાં આવેલું આઉટસોર્સિંગ કહીને ટ્વીટર ઉપર મજાક પણ ઉડાવી હતી.