ન્યૂઝ4કચ્છ.ભુજ
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી મારે તડામાર તૈયારીઓ થઈ રહી છે ત્યારે કચ્છની અબડાસા બેઠક અંતર્ગત આવતા વિસ્તારમાંથી ગુજરાત CID ક્રાઈમ દ્વારા ૨૪ કરોડથી વધુ રકમનાં લોન કૌભાંડ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. રત્નાકર બેન્ક લિમિટેડમાંથી ખેડૂતોનાં ખોટા દસ્તાવેજો ઉભા કરીને કરોડો રૂપિયા ચાઉં કરવાનાં આ કૌભાંડમાં જયંતિ ઠક્કર ડુમરા સહિત મુંબઈમાં રહેતા મૂળ કચ્છનાં ભદ્રેશ મહેતા અને તેના પરિવારજનો સામે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ભદ્રેશ મહેતાના દીકરા અને ભદ્રેશ ટ્રેડિંગ કોર્પોરેશનાં ડિરેક્ટર પાર્થ ભદ્રેશ મહેતાની CID ક્રાઈમ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે.
ઓલ ઇન્ડિયા એન્ટી કરપશન એન્ડ ક્રાઈમ પરિવેન્ટીવ કાઉન્સીલનાં વડા હેન્રી ચાકો દ્વારા આ સમગ્ર મામલે CID ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી કે, રત્નાકર બેન્ક લિમિટેડ વીવા બ્રાન્ચ અમદાવાદમાં કચ્છ જિલ્લાનાં ખેડૂતોનાં નામે બોગસ પાક ધિરાણ લોનનું સુનિયોજિત કૌભાંડ આચરવા આવ્યું છે. જેને પગલે સીઆઇડી ક્રાઈમ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી હતી. જેમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન ખબર પડી કે, અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીનાં મર્ડર કેસનાં આરોપી એવા જયંતિ ઠક્કર ડુમરવાળાએ ભદ્રેશ ટ્રેડિંગ કોર્પોરેશના ભદ્રેશ વસંતરાય મહેતા, ચેતન ભીંડે, રત્નાકર બેંકના મેનેજર પ્રતીક શાહ સહિતનાં દસ આરોપીએ ખોટા આધાર પુરાવાઓ તથા દસ્તાવેજ ઉભા કરીને ૨૪ કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. જેને પગલે ભુજ સીઆઇડી ક્રાઇમનાં ડિટેકટિવ પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.ડાંગર દ્વારા આ અંગેની ફર્સ્ટ ફાઈર્મેશન રીપોર્ટ (FIR) તારીખ ૨૬/૦૭/૨૦૨૦નાં રવિવારે કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી અશ્વિન પટેલને સોંપવામાં આવેલી છે. સુત્રોનાં જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ભદ્રેશ મહેતાના પુત્ર એવા પાર્થ મહેતાની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.