નવી સરકારની રચના પછી મળેલું વિધાનસભાનું પ્રથમ સત્ર હેમખેમ પૂરું થઈ ગયું છે. અને સત્તા પક્ષ ભાજપ પણ આગામી વર્ષ 2019માં આવનારી લોકસભાની ચૂંટણીમાં લાગી ગયો છે ત્યારે રાજ્યમાં નવી સરકારનું આઈએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલીનું પ્રથમ લિસ્ટ પણ તૈયાર થઈ રહ્યું છે. તેમાં કચ્છના કલેકટર રેમ્યા મોહનનું પણ નામ હોવાની વાતે ખાસ્સી એવી ચર્ચા જગાવી છે. કારણકે તેમને કચ્છમાં હજુ એક વર્ષ પણ થયું નથી. વર્ષ 2017નાં મેં મહિનામાં મહેન્દ્ર પટેલની પ્રમોટી આઈએસની સુરત કલેકટર તરીકે બદલી થતા રેમ્યા મોહનને કચ્છના કલેકટર તરીકે મુકવામાં આવ્યા હતા.
મૂળ એર્નાકુલમ, કેરળના વર્ષ 2007ની બેચનાં આઈએએસ અધિકારી એવા રેમ્યા મોહન સરળ અને સૌમ્ય સ્વભાવનાં જરૂર છે પણ કામમાં કડક હોવા ઉપરાંત સ્થાનિક રાજકારણીઓને જોઈએ તેટલું મહત્વ આપતા નથી. એટલે એક વર્ષ પહેલાંજ તેમને બદલવામાં આવે તો નવાઈ નહીં હોય. હાલમાં નિવૃત્ત એવા ગુજરાત કેડરનાં આઈએએસ ઓફિસર સી.કે.કોશી તથા ગુજરાત સરકારમાં સર્વેસર્વા એવા અન્ય એક આઈએએસ અધિકારી કે.કૈલાશનાથન પણ મૂળ કેરળના હોવાને કારણે તેમની સાથેના પારિવારિક સંબંધોના કારણે પોતાનાં આઈએએસ ઓફિસર તરીકેના કાર્યકાળ દરમિયાન મોટા ભાગે દક્ષિણ ગુજરાતમાં જ ફરજ બજાવી ચૂકેલા રેમ્યા મોહન કચ્છ કલેકટર તરીકે તેમની કરિયરમાં પ્રથમ વાર સાઉથ ગુજરાત છોડીને આવ્યા છે એક અધિકારી તરીકે પણ તેમની છાપ સાફ સુથરી રહેલી છે.
કલેકટર રેમ્યા મોહન ઉપરાંત જિલ્લાનાં અન્ય એક આઈએએસ ઓફિસર એવા જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાન્ત પટેલને પણ પ્રમોશન આવતું હોવાને કારણે તેમની પણ બદલી નિશ્ચિત છે. રેમ્યા મોહનની બેચ 2007નાં પરંતુ પ્રમોટી આઈએએસ અધિકારી એવા સી.જે.પટેલ આમ તો સરકારની ગુડ બુકમાં હોવાને કારણે કચ્છ કલેકટર થવા જોઈએ તેમ છે. પણ એક જ હેડક્વાર્ટરમાં ત્રણ કે તેથી વધુ વર્ષ સુધી ફરજ બજાવી હોય તેવા ઓફિસરને ના રાખી શકાય તેવી ચૂંટણી પંચની સ્પષ્ટ ગાઈડ લાઇન હોવાને કારણે સરકાર લોકસભાની ચૂંટણી ટાણે કચ્છના કલેક્ટરને બદલવા પડે તેવી પણોજણમાં ના પડવા માંગતી હોયતો તેમને કચ્છ બહાર બદલી શકે છે. એટલે એમ પણ કહી શકાય કે કચ્છને લોકસભાની ચૂંટણી પહેલા નવા કલેકટર અને ડીડીઓ મળી શકે છે.
આઈએએસ અધિકારીઓની સાથે સાથે પોલીસ ઓફિસરની પણ બદલીઓ નિશ્ચિત છે. જેમાં પૂર્વ કચ્છનાં જીપીએસ કેડરનાં ભાવનાબેન પટેલનો નંબર લાગી શકે છે. તેમને પૂર્વ કચ્છમાં લાંબો સમય થઈ ગયો છે. આ ઉપરાંત તાજેતરમાં એક આઇપીએસ પ્રોબેશનરી દ્વારા લખવામાં આવેલા પત્રમાં પૂર્વ કચ્છનાં એસપી તરીકે બી.આર.પટેલ કેવી રીતે કામ કરે છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુત્રોનું માનીએ તો એસપી ભાવનાબેનની બદલી તો વિધાનસભાની ચૂંટણી વખતે જ નક્કી હતી પરંતુ કોઈક કારણોસર તેઓ રહી ગયા હતા. નોન આઇપીએસ કેડરનાં પોલીસ ઓફિસરને એસપી તરીકેનો ચાર્જ આપીને સરકાર હવે વધુ કોઈ વિવાદ ઉભો થાય તેમ ઇચ્છતી નથી એટલે આ કારણસર પણ ભાવનાબેન પટેલની ટ્રાન્સફર નક્કી હોય એમ માનવામાં આવી રહ્યું છે. બોર્ડર રેંજનાં આઈજી પિયુષ પટેલ તથા પશ્ચિમ કચ્છમાં એસપી એમ.એસ.ભારાડાને હજુ એટલો સમય નથી થયો કે તેમને બદલવા પડે એટલે એમની ટ્રાન્સફરની શક્યતા બહુ ઓછી છે. તેમ છતાં સરકાર જો લોકસભાની ચૂંટણીની ગણતરીઓને ધ્યાનમા રાખીને બદલી કરે તો નવાઈ નહીં રહે.