કેપીટી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિએશને માજી સાંસદ અને પોર્ટનાં ચેરમેનની મુલાકાત બાદ કર્મચારીઓના રહેણાંક પ્લોટ અંગે ઉભી થયેલી ગૂંચવણ અંગે કર્યો ખુલાસો : KPT એમ્પ્લોઈઝ વેલ્ફર એસોસિએશન રહેણાંકના પ્લોટ માટે ભૂખ હડતાલ કરતા નહિ અચકાય
કચ્છના માજી સાંસદ પુનમબેન દીનદયાળ પોર્ટના ચેરમેનને મળીને અન્ય સમસ્યાઓની સાથે સાથે પોર્ટના કર્મચારીઓને પ્લોટ આપવાના મામલામાં ગૂંચવાડો ઉભો કરીને વિવાદ ઉભો કરી દીધો છે. જેને પગલે હવે કંડલા પોર્ટના યુનિયન દ્વારા પણ બેનને આડકતરી રીતે એવો સંદેશ આપવામાં આવ્યો છે કે તમે જ્યારે સાંસદ હતા ત્યારે જો આટલા સક્રિયા થયા હોત તો કદાચ અમને અત્યાર સુધીમાં જમીન મળી પણ ગઈ હોત. ડીપીટીના અધ્યક્ષની મુલાકાત લીધા બાદ પૂર્વ સાંસદ શ્રીમતી પુનમબેન જાટની યાદી અનુસાર પોર્ટના અધ્યક્ષે એવું જણાવ્યું છે કે પોર્ટના કર્મચારીઓને રહેણાકના પ્લોટ નહિ મળે. આ સમાચાર ગેરસમજણનું પરિણામ માત્ર જ છે. મુદ્દા ને સમજ્યા વિના અને અપૂરતી/અધકચરી માહિતીના લીધે આવા સમાચાર છપાતાં લોકોમાં અને ખાસ કરીને દિનદયાલ પોર્ટ ના કર્મચારીઓમાં ખોટી ગેરસમજણ ઉભી થાય છે તેવું કેપીટી એમ્પ્લોયીઝ વેલ્ફેર એસોસીએશનના મહામંત્રી નીતિન શાહે જણાવ્યું છે. તેમણે આ મુદ્દા પર છણાવટ કરતા જણાવ્યું કે કર્મચારીઓને પ્લોટની ફાળવણીના મુદ્દે KPT એમ્પ્લોઈઝ વેલ્ફર એસોસિએશન દ્વારા વખતો વખત તમામ સ્તરે રજુઆતો કરવામાં આવી છે અને આ મુદ્દે ૨૦૧૧ માં રીલે ફાસ્ટ અને ધરણા ના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. આ એસોસિએશનના મહામંત્રી નીતિન શાહ નવ દિવસ સુધી પોર્ટ પ્રશાસનની કચેરી સામે આમરણાંત ઉપવાસ પર બેઠા હતા અને પોર્ટના વિવિધ વિભાગના કર્મચારીઓ રીલે ફાસ્ટના માધ્યમથી જોડાયા હતા.દરમ્યાન ૨૦૧૪ માં જે લેન્ડ પોલીસી કેન્દ્ર સરકારે બહાર પાડી છે તે બધા પોર્ટ માટે બહાર પાડવામાં આવી હતી. આ પોલીસીમાં દીનદયાલ પોર્ટના ઓપરેશનને લગતી કંડલા ખાતેની જમીનનો જ માત્ર સમાવેશ કરવામાં આવેલ છે જ્યારે ગાંધીધામ અને આદિપુર ટાઉનશીપની જમીન આ લેન્ડ પોલીસીમાંથી બાકાત રાખવામાં આવેલ છે. સરકારે દરેક પોર્ટને સુચના આપી હતી કે જે પોર્ટ પાસે ટાઉનશીપની જમીન છે તે પોર્ટ ટાઉનશીપની જમીન માટેની લેન્ડ પોલીસી સરકારની મંજુરી માટે મોકલે. કેન્દ્ર સરકારની સુચના છતાં પણ જયારે દિનદયાલ પોર્ટનું વહીવટીતંત્ર ટાઉનશીપની લેન્ડ પોલીસી સરકાર ને મોકલવામાં ગલ્લા તલ્લા કરતું હતું ત્યારે કે.પી.ટી. એમ્પ્લોયીઝ વેલ્ફેર એસોસીએશનના નેજા હેઠળ નીતિન શાહે જે નવ દિવસના આમરણાંત ઉપવાસ કર્યા હતા અને કર્મચારીઓએ ખુબજ મોટી સંખ્યામાં જોડાઈને સાથ આપ્યો હતો તેના લીધે આખરે દિનદયાલ પોર્ટનું વહીવટીતંત્ર ટાઉનશીપની લેન્ડ પોલીસી કેન્દ્ર સરકારને મોકલવા તૈયાર થયું હતું તથા આજ ટાઉનશીપની લેન્ડ પોલીસી સરકાર સમક્ષ મંજૂરી માટે પડી છે. આ લેન્ડ પોલીસી માં કર્મચારીઓને પ્લોટ આપવાની સ્પષ્ટ જોગવાઈ પણ રાખવામાં આવી છે. આટલું જ નહિ પણ તે સમયના ચેરમેન ડો. પી.ડી. વાઘેલા એ ૧૦૫ એકર જમીન કર્મચારીઓ માટે અનામત પણ રખાવેલ છે. અત્રે એ પણ નોંધનીય છે કે પોર્ટ પ્રશાસન દ્વારા ૫૮૦ એકરમાં સ્માર્ટ સીટીનું જે વિસ્તારમાં આયોજન કરવામાં આવેલ છે એ વિસ્તારમાં લગભગ તમામ જમીન આવરી લેવામાં આવેલ છે પણ કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવેલ ૧૦૫ એકરની જમીનનો સ્માર્ટ સીટીમાં પણ સમાંવેશ કરવામાં આવેલ નથી અને એ ૧૦૫ એકર જમીન સ્માર્ટ સીટીમાંથી પણ બાકાત રાખવામાં આવેલ છે જેના લીધે પોર્ટના કર્મચારીઓની આશા પૂરી રીતે બંધાયેલી જ છે અને એ રીતે કર્મચારીઓએ કોઈ પણ વ્યક્તિઓના નિવેદનના પ્રભાવમાં આવવાની જરૂરત નથી. અત્રે એ પણ ઉલેખનીય છે કે વર્ષ ૨૦૧૧માં આ એસોસિએશન દ્વારા જયારે આંદોલન અને આમરણ ઉપવાસ કરવામાં આવેલ ત્યારે યોગાનુયોગ શ્રીમતી પુનમબેન જાટ કચ્છ લોકસભાના સાંસદ હતા એ સમયે તેમણે કર્મચારીઓને રહેણાકના પ્લોટની ફાળવણી થાય એ મુદે ચિંતા દર્શાવી હોત તો કદાચ કર્મચારીઓને પ્લોટની ફાળવણી અત્યાર સુધી થઇ ગઈ હોત પરંતુ હવે જયારે તેઓ ચિંતા દર્શાવી રહ્યા છે તો આ એસોસીએશન તેમનો આભાર વ્યકત કરે છે અને કર્મચારીઓને તાત્કાલિક પ્લોટ મળે એ માટે પ્રયાસ કરતા રહેશે એવી વિનંતી પણ કરે છે. ૨૦૧૪ ની લેન્ડ પોલીસી સાથે ગાંધીધામ-આદિપુર ટાઉનશીપની જમીનને કોઈ લેવા દેવા નથી અને જ્યાં સુધી ગાંધીધામની ટાઉનશીપની લેન્ડ પોલીસી મંજૂર નહિ થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને જમીન આપી શકાય તેમ નથી. આમ ૨૦૧૪ ની લેન્ડ પોલીસી સાથે જોડીને કર્મચારીઓને ખોટી રીતે ગેરમાર્ગે દોરવામાં આવે છે તે વ્યાજબી નથી. કર્મચારીઓને રહેણાંકના પ્લોટની ફાળવણી થાય એ માટે એસોસીએશનના હોદેદારો તથા ડી.પી.ટી. ઓફિસર્સ એસોસીએશનના મહામંત્રી શ્રી રવિ મહેશ્વરી તથા અન્ય પદાધિકારીઓ અવારનવાર શીપીંગ રાજ્ય મંત્રી, સાંસદ, ધારાસભ્ય અને અધિકારીઓને રજૂઆત કરતા રહે છે અને તેનો હકારાત્મક નિવેડો લઇ ને જ રહેશે. તાજેતરમાં હાલમાં ગાંધીધામ વિધાનસભા વિસ્તારમાંથી ચુંટાઈ આવેલ ધારાસભ્ય, શ્રીમતી માલતીબેન કે. મહેશ્વરીએ પણ તા. ૧૮/૦૩/૨૦૧૮ ના એક પત્ર મારફત શીપીંગ મંત્રી, શ્રી નીતિન ગડકરને ડી.પી.ટી.ના કર્મચારીઓને તાત્કાલિક પ્લોટની ફાળવણી થાય એવી વિગતવાર રજૂઆત કરેલી . તદુપરાંત, પોર્ટ માં કાર્યરત યુનિયનો પણ સક્રિય છે અને બન્ને લેબર ટ્રસ્ટીઓ મનોહર બેલાણી અને મોહન આસવાણીએ પણ વખતો વખત રજૂઆત કરી છે અને હાલમાં પણ આ મુદે તેઓ ચિંતિત છે. વધુમાં કે.પી.ટી. એમ્પ્લોઈઝ વેલ્ફેર એસોસીએશનના મહામંત્રી નીતિન શાહ અને ડી.પી.ટી. ઓફિસર્સ એસોસીએશનના મહામંત્રી રવિ મહેશ્વરી એ એમ પણ જણાવ્યું છે કે ટાઉનશીપ પોલીસી માત્ર કર્મચારીઓ માટે નથી પરંતુ આખા ગાંધીધામ માટે છે તેથી ગાંધીધામની વિવિધ સંસ્થાઓએ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ટાઉનશીપની લેન્ડ પોલીસી મંજુર કરાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ જેથી કરી ને ગાંધીધામનો વિકાસ ફુલેફાલે. જ્યાં સુધી શહેરમાં જાગૃતિ નહિ આવે ત્યાં સુધી પોલીસી પડતર જ રહેશે અને જ્યાં સુધી પોર્ટ કર્મચારીઓને રહેણાંકના પ્લોટની ફાળવણીનો પ્રશ્ન છે તો KPT એમ્પ્લોઈઝ વેલ્ફર એસોસિએશન રહેણાંકના પ્લોટ માટે ભૂખ હડતાલ કરતા નહિ અચકાય અને કર્મચારીઓના પ્લોટ માટે જરૂર પડ્યે કોઈ પણ પ્રકારનું આંદોલન કરવાની કર્મચારીઓની તૈયારી છે.