Home Current “મારું ગામ, કોરોના મુક્ત ગામ” રાજ્યપાલે કરી મંત્રણા : 13 હજાર...

“મારું ગામ, કોરોના મુક્ત ગામ” રાજ્યપાલે કરી મંત્રણા : 13 હજાર ઉપરાંત ગામોમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત.

339
SHARE

પીઆઈબી આયોજિત વેબિનારમાં ખુલ્લા મને રાજ્યપાલશ્રીની અખબારી આલમના મોભીઓ સાથે મંત્રણા – કોરોના સામે હિંમત ન હારવા સંક્રમિતોને આચાર્ય દેવવ્રતની લાગણીસભર અપીલ,પ્રાકૃતિક ખેતી, આયુર્વેદિક ઉપચાર અને નેચરોપથીના માધ્યમથી કોરોનાને નાથવા અનુરોધ- રાસાયણિક ખાતરોની ઝેરી અસરથી નવી પેઢીને બચાવી લેવા વિનંતી

કેન્દ્ર સરકારના સૂચન બાદ કોરોના સામેની લડાઈમાં તમામ રાજ્યોના રાજભવનોએ સક્રિયતાથી કાર્યવાહી કરવાનું ચાલુ કરી દીધું છે. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા રાજ્યની ધાર્મિક સંસ્થાઓના વડાઓ સાથે તાજેતરમાં એક બેઠક મળી હતી. બાદમાં તમામ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલર્સની બેઠક બોલાવી રાજ્યપાલશ્રીએ શિક્ષકો અને વિદ્યાર્થીઓને કોરોના વિરુદ્ધની સામૂહિક લડાઈમાં જોતરાઈ જવા અનુરોધ કર્યો હતો. આજે પીઆઈબી અમદાવાદ દ્વારા યોજાયેલા ખાસ વેબિનારમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે આપેલા વક્તવ્યમાં રાજ્યની જનતા જોગ જાહેર માર્મિક અપીલ કરતાં કહ્યું કે “મન સે જો હારા, વો હારા, મન સે જો જીતા, વો જીતા”, તેમણે કોરોના મહામારી સામે દ્રઢ મનોબળની જાળવણી પર ભાર મૂકતાં કહ્યું કે સામૂહિક ચેતના દ્વારા જ આવી ભયંકર વ્યાપ અને તીવ્રતાવાળી મહામારીનો સફળતાપૂર્વક મુકાબલો કરી શકાશે. રાજ્યના પત્રકાર જગતના અગ્રણીઓ સાથે સંવાદ દરમિયાન રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે હોસ્પિટલોમાં તાલીમ પામેલા પેરામેડિકલ સ્ટાફની પૂરતી તૈનાતી માટે રાજ્ય સરકાર તમામ પગલાં લઈ રહી છે. એક પ્રશ્નના જવાબમાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે પ્રાકૃતિક ખેતી એ માત્ર આવક વધારવાનું જ સાધન નથી, પરંતુ હાનિકારક રસાયણોના ઉપયોગ વગર પ્રાકૃતિક સંસાધનોથી થતી આવી ખેતીના ઉપજરૂપ અનાજ, કઠોળ વગેરે રોગપ્રતિકારક શક્તિ વધારવાના અવ્વલ સાધનો છે. મોટા પાયે વૃક્ષારોપણ પ્રવૃત્તિને ઉત્તેજન અને વૃક્ષ છેદન પ્રવૃત્તિ પર અંકુશ – આ બંને ધ્યેયો અભિયાનના સ્વરૂપમાં આગામી દિવસોમાં રાજભવન ચલાવશે એમ પણ તેઓએ ઉમેર્યું હતું.
એક સ્વયંસેવી સંસ્થાના સહયોગથી કોરોના યોદ્ધાઓના પરિવારોને રાશનપાણીની કીટ પહોંચાડવાનું અભિયાન શરૂ થઈ ચૂક્યું હોવાની માહિતી પણ તેમણે આપી હતી. પહેલા તબક્કામાં આવી 11 હજાર કીટ રાજકોટ, જામનગર અને કચ્છ જિલ્લાને ફાળવી હોવાની તેમજ તે વિતરિત થઈ ગઈ હોવાની વિગતો આપતા પત્રકારો સાથેની વાતચીતમાં “મારું ગામ કોરોનામુક્ત ગામ” અભિયાનને ટૂંક સમયમાં જ અપ્રતિમ સફળતા મળી હોવાનું તેઓએ જણાવ્યું હતું. ભવિષ્યમાં મીડિયા કર્મીઓને પણ રાજભવન દ્વારા કોરોના સહાયતા કીટ આપવામાં આવશે એવી રાજ્યપાલશ્રીએ ખાતરી આપી હતી.
આ વેબ સંવાદમાં તમામ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા. વેબિનારમાં પીઆઈબી પશ્ચિમ ક્ષેત્રના મહાનિદેશક શ્રી મનીષ દેસાઈ, પીઆઈબી અમદાવાદના અપર મહાનિદેશક ડૉ. ધીરજ કાકડિયા તેમજ પીઆઈબી/આર.ઓ.બી.ના ઈન્ચાર્જ ડાયરેક્ટર શ્રીમતી સરિતા દલાલ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના પત્રકાર જગતના મોભીઓ એવા અજય ઉમટ, પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, મહેશ લિલોરિયા, ભવેન કચ્છી, અનિલ દાસાણી, રૂચિર રેશમવાલા તેમજ પત્રકારત્વ તાલીમ સંસ્થાના વડા ડૉ. શિરિષ કાશીકર વગેરેએ ઉપસ્થિત રહ્યા હતા.