કચ્છમા ઉદ્યોગો આવ્યા પછી પર્યાવરણના મામલે અનેક પ્રશ્નો અને સમસ્યાઓ સામે આવી રહી છે. હવે માંડવીના દરિયા કિનારાના ૪ ગામો ઉપર પર્યાવરણના ભંગ ના કારણે હાલમાં માછીમારો અને ઉંટ પાલકો ને થતી મુશ્કેલી ઉપરાંત ભવિષ્યમાં વધુ વરસાદ થી પુરનો ભય, વાવાઝોડા તેમ જ સુનામી જેવી આફત સમયે મુશ્કેલીની દહેશત વ્યક્ત કરાઇ છે.
શું છે તંત્ર સમક્ષ ફરિયાદ?
પર્યાવરણ ના ભંગ ને કારણે પરંપરાગત પશુપાલન, ખેતી અને માછીમારી ને થતા નુકસાન માટે ઉદ્યોગો સામે લડત ચલાવતા નવીનાળ(મુંદરા) ના સરપંચ ગજેન્દ્રસિંહ જાડેજા એ અન્ય રહેવાસીઓની સહીઓ સાથે ફરિયાદ કરી છે. રાજ્યના કોસ્ટલ ઇકોનોમિક ઝોનના મેમ્બર સેક્રેટરી અને કલેકટરને આ ફરિયાદ કરાઇ છે. ફરિયાદ માં ગજેન્દ્રસિંહ જાડેજા અને અન્ય રજુઆત કર્તાઓ એ ત્રગડીના દરિયા કિનારે આવેલા વિનોદ સોલ્ટ વર્કસ સામે ઢીંગલી વાળી ક્રીકમાં ત્રણ કિલોમીટર ના વિસ્તારમાં ગેરકાયદે પાળો બનાવાયો હોવાનો આક્ષેપ કરીને આ અંગેના ફોટાઓ તેમ જ દરિયાઈ વિસ્તારની ગુગલ મેપની ઇમેજો સાથે મોકલી છે. જેમાં જણાવાયું છે કે વિનોદ સોલ્ટ વર્કસ દ્વારા CRZ નોટિફિકેશન ૨૦૧૧ નો ભંગ કરાયો છે. આ પાળો ગેરકાયદે છે, ક્રીક વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ કે પુરાણ કરવું એ પર્યાવરણના કુદરતી નિયમોનો ભંગ છે. વળી લાંબો અને મોટો એવો આ પાળો બનાવવામાં વપરાયેલી માટીનું પણ ગેરકાયદે ખોદાણ કરાયું છે. જોકે, માંડવીના જે દરિયાઈ વિસ્તારમાં ક્રીકમા પુરાણ કરીને પાળો બનાવાયો છે તે વિસ્તારમાં ઉભી થયેલી અને થનારી સમસ્યાઓ અંગે તેમણે તપાસ માટે માંગ કરીને ગેરકાયદે રીતે થતું કામ અટકાવવા આધાર પુરાવાઓ સાથે રજુઆત કરી છે.
શું છે સમસ્યાઓ?
ગજેન્દ્રસિંહ જાડેજા અને અન્યોએ કરેલી લેખિત રજુઆત પ્રમાણે અત્યારે દરિયાની ક્રીકમાં આટલો મોટો પાળો બની જવાથી ઢીંગલીવાળી ક્રીક અને તેની આસપાસના વિસ્તારોમાં ૫૦૦ હેકટર (અંદાજે ૧૨૫૦ એકર) જેટલા દરિયાઈ વિસ્તારમાં ચેરીયાઓ નું નિકંદન નીકળી ગયું છે. પરિણામે ત્રગડી, મોઢવા, ગુંદીયાળી અને સલાયા વિસ્તારમાં માછીમારી કરતા માછીમારોના વ્યવસાયને અસર થઈ છે. અહીં ઉંટ નો ખોરાક ચેરીયા છે એટલે ઉંટ પાલકો ને પણ ચારા ની સમસ્યા ઉપરાંત અછત, દુષ્કાળના સમયમાં ચેરીયા દરેક પશુઓ માટે ખોરાક હોઈ પશુપાલકો પણ ચિંતિત હોવાનું જણાવાયું છે.ચેરીયા કપાઈ જતાં માછલી અને કરચલા સહિતની દરિયાઈ જીવસૃષ્ટિ ને જીવવું મુશ્કેલ બને છે.ચેરીયાનો સોથ વળી જતા ભવિષ્યમાં વાવાઝોડા અને સુનામી જેવી કુદરતી આપત્તિને કારણે તેમ જ પાળા ના કારણે નદીઓ નું વહેણ રોકાઈ જતા ચોમાસા દરમ્યાન દરિયામાં જતું પાણી અટકી જવાથી ત્રગડી, ગુંદીયાળી, મોઢવા અને સલાયા વિસ્તારમાં પુરનુ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાવાનો ભય વ્યક્ત કરાયો છે.
તંત્ર જનહિત માં કામ કરે…
પોતે કરેલી આ રજુઆત ઇમેઇલ થી મોકલ્યા બાદ ન્યૂઝ4કચ્છ સાથે ટેલિફોનિક વાત કરતા ગજેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે તેમણે ગત વર્ષે ૨૦૧૭ મા કચ્છ જિલ્લા કલેકટરને આ અંગે રજુઆત કરી હતી. પણ, સંતોષકારક કામગીરી કરાઈ નથી. વનતંત્ર દ્વારા અહીં ચેરીયા વાવવા માં આવ્યા મોટો ખર્ચ કરાયો અને સોલ્ટ કંપનીએ પાળો બનાવીને ખર્ચા ઉપર અને પર્યાવરણ ની સુરક્ષા ઉપર પાણી ફેરવી દીધું. હવે પોતે આ અરજી દ્વારા ફરી કલેકટર સમક્ષ અને કોસ્ટલ ઝોન મેમ્બર સેક્રેટરી, ગાંધીનગર સમક્ષ જનહિત, પરંપરાગત વ્યવસાય અને કુદરતી આપત્તિ ના સમયમાં રક્ષણ માટે દરિયાઈ પર્યાવરણની સુરક્ષા વનવિભાગના GR NO- ENV–10-2011-800-E તળે માંગણી કરીને ચેરીયાનો સોથ વાળનાર કંપની સામે કાયદાકીય પગલાં ભરવા માંગ કરી હોવાનું ન્યૂઝ4કચ્છને જણાવ્યું હતું.