Home Current મુંદરા માં ૧૪૦૦ કરોડને ખર્ચે અદાણી ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવી શકશે કે પછી…?...

મુંદરા માં ૧૪૦૦ કરોડને ખર્ચે અદાણી ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવી શકશે કે પછી…? જાણો લોકસુનાવણી માં શું થયું?

4379
SHARE
કચ્છમાં વિવાદ અને અદાણી ગ્રુપ જાણે એકબીજાનો પર્યાય બની ગયા છે. જોકે, થોકબંધ લોકપ્રશ્નો અને કાયદાકીય પડકારો વચ્ચે પણ અદાણી ગ્રુપે મુંદરા માં દેશનું પ્રથમ ખાનગી બંદર, પ્રથમ ખાનગી SEZ, પ્રથમ ખાનગી રેલવે લાઇન, પ્રથમ ખાનગી ડોમેસ્ટિક એરપોર્ટ સ્થાપીને દેશભરમાં ટોચના ઉદ્યોગગૃહોમાં પોતાનું સ્થાન અંકિત કર્યું છે. ત્યારે ફરી એકવાર ખાનગી ઇન્ટરનેશનલ એરપોર્ટ, એરકારગો સ્ટેશન, એરોસ્પેસ ઓપરેશન સ્થાપવાના મુદ્દે અદાણીની સાથે કચ્છ ચર્ચામાં છે. આજે ૨૪ જુલાઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ અંગે પર્યાવરણ વિભાગ દ્વારા યોજાયેલ લોકસુનાવણી દરમ્યાન રજૂ થયેલા થોકબંધ પ્રશ્નો અને તેના જવાબોને પગલે માહોલ ગરમાયો હતો.
૧૪૦૦ કરોડને ખર્ચે બની રહેલા ઈન્ટરનેશનલ એરપોર્ટ અને એરોસ્પેસ પ્રોજેક્ટ સામે શું છે લોકોના સવાલો?
જિલ્લા કલેકટર રેમ્યા મોહન ના અધ્યક્ષ સ્થાને અને પ્રદૂષણ બોર્ડના રિજીઓનલ ઓફિસર કનુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલ લોકસુનાવણી દરમ્યાન સવાલોની ઝડીઓ વચ્ચે અદાણી ગ્રુપના ખુલાસાઓએ માહોલ ગરમાવ્યો હતો. કુંદરોડી, લુણી, ગોએરસમા, શેખડીયા,સાડાઉ, બારોઇ, મુંદરા સહિત ના જે ૨૪ ગામો ના વિસ્તારોને આ પ્રોજેક્ટ અસર કરે છે તે ગામના લોકોએ પર્યાવરણની લોકસુનાવણી મા ભાગ લીધો હતો. સતત સાડા ત્રણ કલાક સુધી સવાલો અને ખુલાસાઓ રજૂ થતા રહ્યા. લોકોએ અત્યાર સુધી ડોમેસ્ટિક એરપોર્ટના લીધે અને હવે ઇન્ટરનેશનલ એરપોર્ટના કારણે થનાર મુશ્કેલીઓ ઉપરાંત ભૂતકાળના કડવા અનુભવના મુદ્દે અદાણી ગ્રુપને ઘેરી લેતા સવાલો સાથે આક્ષેપો કર્યા હતા. જેમાં લુણી સુધી લંબાનાર એરસ્ટ્રીપ, સતત પેસેન્જર અને કારગો બોઇંગ વિમાનની અવરજવરના કારણે થનાર ધ્વનિ પ્રદુષણ, અહીંથી પગડીયા માછીમારો માટે નો રસ્તો, ચાર જેટલી દરગાહોમાં જવાનો રસ્તો બંધ કરવાના મુદ્દે, ગૌચર જમીન એરપોર્ટ માટે લઈ લેવાતા પશુધન માટે સર્જાયેલી ઘાસચારાની મુશ્કેલી, જે સ્થાનિક યુવાનો બેરોજગાર છે તેમને નોકરી આપવા, એરપોર્ટના કારણે નાની મોટી ૧૪ જેટલી નદીઓના વહેણ બંધ થઈ જવાના કારણે ભવિષ્યમાં પુરની સ્થિતિ ઉદભવે તેવી ચિંતા, ચેરીયા કાપી નાખવા, દરિયામાં માટીની ભરતી કરી દરિયો પુરી નખાતા જમીન કરતા દરિયાની સપાટી ઊંચી થવાની ભીતિ, CRZ કોસ્ટલ રેગ્યુલેટર ઝોનની પર્યાવરણ મંજૂરી, આ વિસ્તારમાં આવતી વનવિભાગની ૧૮૫ હેકટર જમીન માટે ની કેન્દ્ર સરકારની મંજૂરી, માછીમારોને સાધન સહાયની મદદ, સ્કીલ ડેવલોપમેન્ટની તાલીમ લેનારાઓને રોજગારી, મુંદરા શહેરના વિકાસ, મુંદરાના ગરીબ વર્ગ માટે ૧૦૦ ચોરસ વાર ના પ્લોટ ફાળવવા માટે જમીન આપવા, ગૌચર જમીન લઈ લેવાઈ છે એવા ગામોના પશુઓને ચાર મહીનાને બદલે આખું વરસ ઘાસચારો આપવા, ગ્રામ્ય વિસ્તારની શાળાઓને દત્તક લેવા, મહિલાઓને રોજગારી પુરી પાડવા, કાયદો વ્યવસ્થા જાળવવા, સ્થાનિક કોન્ટ્રકટરો, ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને કામ આપવા સહિત ના થોકબંધ પ્રશ્નો રજૂ થયા હતા. અનેકવાર લોકો ઉગ્ર થયા હતા. તો, એક તબક્કે એક રજુઆતકર્તાએ જો પર્યાવરણ સુનાવણી પછી જનહિતને લક્ષ્યમાં ન લેવાય તો વહીવટીતંત્ર, પ્રદુષણ બોર્ડ સહિત અદાણી કંપની સામે કોર્ટ કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. તો, ભુજના બિલ્ડર વિનય રેલોન, જિલ્લા પંચાયતના સભ્ય સલીમ જત દ્વારા CRZ ક્લિયરન્સનો મુદ્દો, ભાજપના આગેવાન મહેન્દ્રસિંહ જાડેજા જામ અને કોંગ્રેસી આગેવાન કિશોરસિંહ પરમારે મોટાભાગના લોકપ્રશ્નો ને આવરી લઈને ઉગ્ર રજૂઆતો કરી હતી.

અદાણી ગ્રુપ અહીં શું કામગીરી કરશે? લોકોના પ્રશ્નો ઉકેલશે?

આ લોકસુનાવણી દરમ્યાન વારંવાર ગરમ થતા માહોલને શાંત કરવામાં અદાણી ગ્રુપના અધિકારીઓને રીતસર પરસેવો પડી ગયો હતો. જોકે, અદાણી ગ્રુપ વતી COO મુકેશ સકસેનાએ મોરચો સંભાળીને લોકોના ગુસ્સાને શાંત પાડવા પ્રયાસ કર્યો હતો. તો, આ પ્રોજેક્ટ વિશે વાત કરીને લોકોએ રજૂ કરેલા પ્રશ્નો હલ કરવાની હૈયા ધારણ આપી હતી. રૂપિયા ૧૨૦૦ થી ૧૪૦૦ કરોડના ખર્ચે ૫૨૨ હેકટર જમીનમા ગોએરસમા ગામ મા બનનારું મુંદરા ઈન્ટરનેશનલ એરપોર્ટ બોઇંગ ૭૪૭ જેવા જમ્બો પેસેન્જર પ્લેન ઉપરાંત કારગો પ્લેનને ઉતારવા સક્ષમ હોવાનું, અહીં એરોસ્પેસ ઓપરેશન એટલે કે પ્લેન ના સ્પેરપાર્ટ્સ રીપેર કરવા સહિતની સુવિધા હશે તેવી જાણકારી અપાઈ હતી. શ્રી સક્સેનાએ દાવો કર્યો હતો કે એર કારગો સ્ટેશનના કારણે દવાઓની નિકાસ, ગુજરાત તેમ જ કચ્છના બાગાયતી પાકોની નિકાસ શક્ય બનશે. અદાણી દ્વારા શરૂ થનારા નવા પ્રોજેકટને કારણે રોજગારીની તક વધવાનો દાવો કરતા મુકેશ સક્સેના યુવાનો દ્વારા રોજગારીના મુદ્દે ઘેરાયા હતા. જોકે, તેમણે રોજગારીની તકો વધારવાની હૈયાધારણ આપવી પડી હતી. માછીમાર યુવાનો હવે અદાણી ગ્રુપની વિવિધ કંપનીઓમાં નોકરી કરે છે એટલે માછીમારોની રોજગારી અન્ય ક્ષેત્ર તરફ વધશે એવો દાવો કરાયો હતો. તો, ઘાસચારો ૧૨ મહીના પૂરો પાડવા માટે તેમણે લાચારી વ્યક્ત કરીને અત્યારે ચાર મહીના ઘાસચારો અપાય છે તે વ્યવસ્થા ચાલુ રાખવા અને નવી વ્યવસ્થા વિચારવા ખાત્રી આપવી પડી હતી. અદાણી એરપોર્ટનો આ વિસ્તાર CRZ ની બહાર હોવાનો તેમણે ખુલાસો કર્યો હતો. તો અવાજનું પ્રદુષણ ઘટાડવા તરફ અદાણી ગ્રુપ જાગૃત હોવાનું, ક્યાંય દરિયો ન પુરાયો હોવાનો અને ધીરે ધીરે મુંદરા તાલુકાની સરકારી શાળાઓ દત્તક લેવાની, અદાણી ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધી CRS હેઠળ સામાજિક વિકાસના કામો માટે ૬૪ કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનું, બાકી રહેતી ૧૮૫ હેકટર વનવિભાગની જમીનને ક્લિયરન્સ મળી જશે એવો દાવો અદાણી ગ્રુપ વતી કરાયો હતો. સ્થાનિક કોન્ટ્રકટરો તેમ જ ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને કામ આપવાના મુદ્દે મુકેશ સક્સેના એ સાથે બેસી નિરાકરણ કરવાની ખાત્રી આપી હતી.
હવે શું?
લોકસુનાવણી દરમ્યાન વારંવાર લોકોએ સ્થળ ઉપર જવાબ મેળવવાનો આગ્રહ રાખ્યો હતો. જોકે, જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને પ્રદુષણ બોર્ડના રિજીઓનાલ ઓફિસર કનુભાઈ ચૌધરીએ આ પ્રોજેક્ટ થી અસરગ્રસ્ત થનારા ગામોના લોકો દ્વારા થયેલી તમામ રજૂઆતો ની મિનિટ્સ માં નોટ થશે તેવું જણાવ્યું હતું. રજુઆત કર્તાઓને ૪૮ કલાકમાં ઠરાવની નકલ મળી જશે તેવો ખુલાસો કરાયો હતો. તો, રસ્તા અને નદી નાળાના મુદ્દે કલેકટરે ગંભીરતા દર્શાવી હતી સાથે મહિલાઓને તેમ જ યુવાનોને રોજગારી આપવાના મુદ્દે સંવેદના દર્શાવી હતી. આ પર્યાવરણ રિપોર્ટ પછી કેન્દ્ર સરકાર દ્વારા પૂર્ણ તપાસ અને જરૂરી શરતોના પાલનના આધારે ક્લિયરન્સ અપાશે.

તો મુંદરા ની સાથે કચ્છ હવાઈ ક્ષેત્રે વૈશ્વિક ફલક ઉપર છવાશે

ગુજરાત મા અત્યારે એકમાત્ર અમદાવાદ માં જ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. જો મુંદરા મા અદાણી ગ્રુપ ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૂ કરવામાં સફળ રહેશે તો દરિયાઈ ક્ષેત્રની જેમ કચ્છ હવાઈ ક્ષેત્રે વૈશ્વિક દેશો સાથે જોડાશે. સાથે સાથે રોડ રસ્તા, રેલવે અને હવાઈ ક્ષેત્ર એમ તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું અદાણી મુંદરા પોર્ટ દેશનું નંબરવન ખાનગી બંદર બનશે અને ઔદ્યોગિક ક્ષેત્રે દેશ મા નવા કીર્તિમાન સ્થાપશે. દેશ દેશાવરનો વ્યાપાર વધતા કચ્છનો ભવ્ય ભૂતકાળ તાજો થશે મુંદરા કચ્છનું પેરિસ બનશે. જોકે, હવે જોવું એ રહ્યું કે અદાણી ગ્રુપ ભૂતકાળની જેમ પર્યાવરણના તમામ પડકારોને પહોંચી વળે છે કે કેમ?