શું ધીરે ધીરે કચ્છ પોતાની ઓળખ ગુમાવી રહ્યું છે? આવા અનેક સવાલો સાથે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા ઘણા લાંબા સમયથી સરકાર, વહીવટીતંત્ર અને લોકોને જાગૃત કરવા મથી રહ્યા છે વારંવાર સંકલન સમિતિમાં મુદ્દાઓ ઉઠાવ્યા બાદ આજે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પર્યાવરણપ્રેમીઓ સાથે મળીને સરકાર તેમજ જિલ્લા વહીવટીતંત્ર સામે પવનચક્કીઓને અપાઈ રહેલી આડેધડ મંજૂરી સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે જોકે, ધારાસભ્યના ગુસ્સાનું કારણ છે,પવનચક્કીઓ દ્વારા પર્યાવરણનો નીકળતો ખો!! આડેધડ ઉભી કરાઇ રહેલી પવનચક્કીઓને કારણે મોર સહિતના અન્ય પક્ષીઓ, વન્ય પ્રાણીઓ અને ખાસ કરીને વર્ષો જુના વૃક્ષોનોનું નિકંદન નીકળી રહ્યું છે. તાજેતરમાં જ અબડાસાના ગ્રામીણ વિસ્તારોમાં રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ પામવાના વધતા જતા કિસ્સાઓ ચર્ચા માં છે ત્યારે પર્યાવરણપ્રેમીઓ સાથે મળીને ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ સરકાર, વહીવટીતંત્ર અને વનવિભાગ ને સૂચન કર્યું છે કે પવનચક્કીઓને ઓછી માનવ વસ્તી, ઓછું જંગલ અને જ્યાં વન્ય પશુ પક્ષીઓની સંખ્યા ઓછી હોય ત્યાં જ મંજૂરી આપવી જોઈએ. એક બાજુ વનવિભાગ ગાંડો બાવળ કાપનારા સામાન્ય મજુરોને ૫૦ હજાર દંડ ફટકારે છે, જ્યારે પવનચક્કી વાળી કંપનીઓ વર્ષો જુના વૃક્ષો, લીલી ઝાડીઓ કાપી નાખે છે, પણ તેમની સામે કોઈ પગલાં ભરાતા નથી. લીલી ઝાડીઓનો નાશ થતાં પશુ,પક્ષીઓ સામે તો જોખમ સર્જાય છે જ, સાથે વરસાદ પણ ઓછો પડે છે. તેના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે. એટલે, સરકાર અને વહીવટીતંત્રએ દરિયાકાંઠે તેમજ રણ વિસ્તારમાં પવનચક્કીઓને મંજૂરી આપવી જોઈએ. ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ કચ્છીમાડુઓ ને પણ અપીલ કરી છે કે જો આડેધડ રીતે ઉભી કરાતી પવનચક્કીઓ સામે જાગૃત નહીં થઈએ તો કચ્છની ગ્રામીણ સંસ્કૃતિની ઓળખ સમા મોર, હોલા જેવા પક્ષીઓ, વન્ય પ્રાણીઓ તેમ જ લીયાર, બોરડી, ગુગળ જેવા પરંપરાગત વૃક્ષો નાશ પામશે. અબડાસાના ધારાસભ્યની આ લડતમાં અત્યારે તો ધીરે ધીરે વધુ ને વધુ લોકો સામેલ થઈ રહ્યા છે.