દેશભર માં દેના બેંક ના કર્મચારીઓએ સરકાર સામે ૧૬ મી ઓગષ્ટે દેખાવો કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.દેના બેંક એમ્પ્લોઇઝ યુનિયન કચ્છ દ્વારા ભુજ મધ્યે દેના બેંક ઝોનલ કચેરી સામે દેખાવો કરીને ઝોનલ મેનેજરને આવેદન પત્ર આપીને દેના બેંકને બચાવવાની માગણી સરકાર સમક્ષ કરાઈ હતી. શું છે આખોયે મુદ્દો? દેના બેંક એમ્પ્લોઇઝ યુનિયન ના કચ્છ જિલ્લાના જનરલ સેક્રેટરી અશોક ભટ્ટ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કહે છે કે, દેના બેંકની ૧૮૫૦ શાખાઓમાં કામ કરતા ૧૪ હજાર જેટલા કર્મચારીઓ ને દહેશત છે કે સરકાર દ્વારા મુકાયેલા નિયત્રણો ના કારણે દેના બેંકને સરકાર ધીરે ધીરે બંધ કરવા માંગે છે અથવા તો અન્ય બેંક સાથે દેના બેંકનું મર્જર કરવા માંગે છે, અત્યારે દેના બેંક દ્વારા ખેત ધિરાણ, હૉઉસીંગ લોન, સરકારી યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગને અપાતાં ધિરાણ, વ્યાપારી અને ઔદ્યોગિક લોન એમ તમામ પ્રકારની લોન ઉપર પ્રતિબંધ છે, પરિણામે ગ્રાહકો દેના બેંક થી ધીરે ધીરે દૂર જઈ રહ્યા છે અને ધિરાણ આપતી અન્ય બેંકો તરફ વળી રહ્યા છે. અત્યાર સુધી ૯૧ શાખાઓ બંધ થઈ ગઈ છે, અને ભવિષ્યમાં નાની શાખાઓને મોટી શાખાઓ માં ભેળવવા નું આયોજન છે. જો આવું જ ચાલતું રહેશે તો દેના બેંકના હજારો કર્મચારીઓ અને લાખો ગ્રાહકો ને ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. દેશની ૨૧ સરકારી બેંકો પૈકી ૧૧ સરકારી બેંકો ની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાંયે સરકાર અન્ય બેંકોની સરખામણીએ દેના બેંક તરફ ઓરમાયું વર્તન દાખવી રહી હોવાનો આક્ષેપ એમ્પ્લોઇઝ યુનિયન કરી રહ્યું છે. આર્થિક આંકડાઓ આપતા દેના બેંકના એમ્પ્લોઇઝ યુનિયન નું કહેવું છે કે દેના બેંકના કુલ NPA માં માત્ર ૨૫૦ લોન ધારકો પાસે થી જ ૧૩૦૦૦ કરોડ ₹ લેવાના બાકી છે. સરકારે આવા મોટા લોન ધારકો પાસેથી ૧૩૦૦૦ કરોડ ₹ વસૂલવા જોઈએ જેથી બેંક બચી જાય. અન્ય સવા લાખ લોન ધારકો પાસે થી લેવાની NPA રકમ ખૂબ જ ઓછી માત્ર ૧૩૦૦ કરોડ ₹ છે. જોકે, દેશની ટોચની અને ગામડે ગામડે સુધી પહોંચેલી ગુજરાતી સાહસિક દેવકરણ નાનજી દ્વારા સ્થપાયેલી દેના બેંકના અસ્તિત્વ સામેનું જોખમ ટળશે કે નહિં એ આવનારો સમય જ કહેશે.