ખેંચાયેલા વરસાદ વચ્ચે કચ્છ માં ઘાસચારા અને પાણીની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. નલિયા માં ૮ પાંજરાપોળ ગૌશાળા ના ટ્રસ્ટીઓ દ્વારા મનજીબાપુ ની આગેવાની નીચે શરૂ કરેલ ઉપવાસ, રાપર માં નર્મદા કેનાલ પર ખેડૂતો ના પાણી માટે કરેલા ધરણા તેમ જ જિલ્લા ના કોંગ્રેસી આગેવાન હઠુભા સોઢાએ તેમ જ ભાજપના યુવા આગેવાન જયેશદાન ગઢવીએ મુખ્યમંત્રી સમક્ષ ઘાસચારા માટે કરેલી રજુઆત એ સૂચવે છે કે પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. તો કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ પણ કચ્છમા ઘાસચારાની વ્યવસ્થામાં સરકાર અને વહીવટીતંત્ર નિષ્ફળ ગયા હોવાનો અને પશુપાલકો પરેશાન હોવાનો આક્ષેપ કર્યો છે અને તે બાબતે રજુઆત પણ કરી છે. અત્યારે મેઘરાજાની રાહ જોતા કચ્છના પશુપાલકો માટે પોતાના પશુધનને ખવડાવવું શું એવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ન્યૂઝ4કચ્છે સરકાર દ્વારા ઘાસચારાની કરાયેલી વ્યવસ્થા, જાહેરાતો વચ્ચે વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો છે.
ધારાસભ્ય કહે છે કે પશુઓના ઘાસ વગર મોત થઈ રહ્યા છે..
ભુજની કલેકટર કચેરીમાં ઉપવાસ પર બેઠેલા પાંજરાપોળ ના આગેવાનો સાથે રજુઆત કરવા આવેલા ધારાસભ્ય પી. એમ. જાડેજા એ ન્યૂઝ4કચ્છ સમક્ષ ચોંકાવનારી વાત કરી હતી. ધારાસભ્ય પી. એમ. જાડેજાએ કહ્યું હતું કે ઘાસ ના અભાવે અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાઓ માં એકલ દોકલ પશુઓ ના મોત થઈ રહ્યા છે, અને આ બાબતે મેં રૂબરૂ લેખિત માં મહેસુલ મંત્રી કૌશિક પટેલ અને મુખ્યમંત્રી ના કાર્યાલય માં બે દિવસ પહેલાં જ રજુઆત કરી છે. તેમ જ આજે હું જિલ્લા કલેકટર રેમ્યા મોહનને પણ એ જ રજુઆત કરવા આવ્યો છું કે ઘાસચારા ની બુમરાણ છે, અબડાસા, લખપત અને નખત્રાણા ના મોટાભાગના ઘાસ ગોડાઉન ખાલી છે. વળી ૩૦ થી ૪૦ ગામ વચ્ચે એક ઘાસ ડેપો હોઈ અને ઘાસ નો જથ્થો ઓછો હોઈ પશુપાલકોને ભાગે પૂરતું ઘાસ આવતું નથી. વળી ઘાસ ઓછું આવતું હોઈ અનેક ઘાસડેપો ઉપર મારામારી જેવી પરિસ્થિતિ સર્જાતી હોઈ પોલીસ બોલાવવી પડે છે. જો ઘાસચારાની વ્યવસ્થા નહીં ગોઠવાય તો ગૌમાતાઓ ની પરિસ્થિતિ વધુ વિકટ થશે.
કલેકટર કહે છે-હા,ઘાસ જરૂરત કરતા ઓછું આવે છે..
કલેકટર રેમ્યા મોહને શું કહ્યું તે જાણીએ તે પહેલાં આંકડાકીય માહીતી જાણી લઈએ. અછત શાખાના નાયબ મામલતદાર મોહિતસિંહ ઝાલા એ ન્યૂઝ4કચ્છ ને આપેલી માહીતી અનુસાર તા/૨૩/૮/૧૮ સુધીમાં કચ્છમા શરૂ કરાયેલા ૧૨૪ ઘાસડેપોમાં ૬૫૮૫૨ ઘાસકાર્ડ ઉપર ૧૪લાખ ૩૩હજાર ૫૧૭ કિલો ઘાસનું વિતરણ થયું છે. (એક ઘાસ કાર્ડ ઉપર વધુમાં વધુ પાંચ પશુઓને, એક પશુ દીઠ ૪ કિલો ઘાસ ૨ રૂપિયે કિલો આપવામાં આવે છે), જ્યારે કચ્છની ગૌશાળા પાંજરાપોળ માં તા/૨૩/૮/૧૮ સુધીમાં ૬૨૨૫૬ પશુઓને ૨૯ લાખ ૧૪ હજાર ૯૧૪ કિલો ઘાસનું વિતરણ ૨ રૂપિયે કિલોના ભાવે કરાયું છે. જિલ્લા કલેકટર કચેરીના કોંફરન્સ હોલમાં નલિયામાં અનશન ઉપર ઉતરનાર ગૌશાળા પાંજરાપોળ ના ટ્રસ્ટીઓ અને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમ જ અધિકારીઓ સાથે અછતની મીટીંગની ચર્ચા કર્યા બાદ કોંફરન્સ હોલની બહાર જ ન્યૂઝ4કચ્છે કલેકટર રેમ્યા મોહન સાથે વાત કરી હતી. પોતે સરકાર માં કચ્છ જિલ્લાને ૧૫ દિવસમાં ૧ કરોડ ૪૨ લાખ કિલો ઘાસ ની જરૂરત છે એવી દરખાસ્ત કરી હોવાનું કહેતા રેમ્યા મોહને કહ્યું હતું કે સરકારે ૫૦ લાખ કિલો ઘાસ ફાળવ્યું છે. ઘાસનો જથ્થો ઓછો છે ?એવા ન્યૂઝ4કચ્છ ના પ્રશ્ન નો જવાબ આપતા તેમણે સ્વીકાર્યું હતું કે હા ઘાસનો જથ્થો ઓછો છે. પણ, અમે ફરી વધુ ઘાસ દરખાસ્ત કરી રહ્યા છીએ. અબડાસા ના ગૌશાળા પાંજરાપોળ વાળા ઓ ની ફરિયાદ હતી કે તેમને ઘાસ લેવા લખપત જવું પડે છે જેના કારણે ટ્રક ભાડું ખર્ચવું પડે છે. આ અંગે ઘાસડેપો ઉપર જ તેમને ઘાસની ડિલિવરી મળે તેવી દરખાસ્ત તેમ જ અન્ય જિલ્લાઓ નું ઘાસ તેમને ફળવાય તે માટે ની દરખાસ્ત પોતે સરકારને કરી છે એવું કહેતા કલેકટરે એવી આશા વ્યક્ત કરી હતી કે ગૌશાળા પાંજરાપોળ ના ટ્રસ્ટીઓ અનશન પૂર્ણ કરશે.
સાંસદ અને રાજયમંત્રી પણ માને છે કે ઘાસ ની પરિસ્થિતિ વિકટ છે, પ્રયાસો ચાલુ છે..
ન્યૂઝ4કચ્છે રાજ્ય સરકાર માં કચ્છનું પ્રતિનિધિત્વ કરતા મંત્રી વાસણભાઇ આહીરનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજે જ તેમણે કલેકટર રેમ્યા મોહન સાથે અંજાર માં મીટીંગ કરીને ઘાસચારાની પરિસ્થિતિ જાણ્યા બાદ રાહત કમિશનર મનોજ કોઠારી સાથે વાત કરીને તેમને ઘાસ નો જથ્થો તાત્કાલિક કચ્છ મોકલવા જરૂરી સૂચના આપી છે. જામનગર, ભાવનગર, મોરબી અને જૂનાગઢ થી ઘાસ કચ્છ માં પહોંચે તેવી વ્યવસ્થા થઈ રહી છે. રેલવે ની રેક ની પ્રભારી મંત્રી દિલીપ ઠાકોરે કરેલી જાહેરાત બાદ ઘાસ ની ટ્રેન કચ્છ આવશે તેવી ચર્ચા હતી. જોકે, વાસણભાઇ એ જણાવ્યું હતું કે રેલવેની રેક નહીં આવે. સૌરાષ્ટ્ર માં થી ટ્રકો દ્વારા જ ઘાસ આવશે. કચ્છ માટે ૧૫ દિવસ ના અપાયેલ ૧ કરોડ ૪૨ લાખ કિલો ઘાસ ની જરૂરત સામે ના એસ્ટીમેટ સામે સરકારે ૫૦ લાખ કિલો ઘાસ ફાળવ્યું છે તે ઓછું ભલે છે પણ બાકીનું ઘાસ પણ તાત્કાલિક ફાળવાય તે માટે પોતે મુખ્યમંત્રી, મહેસુલમંત્રી, રાહત કમિશનર સાથે સતત સંપર્ક માં હોવાનું વાસણભાઇ એ જણાવ્યું હતું. ગૌમાતા ને બચાવવા પોતે તેમ જ સરકાર મક્કમ હોવાની ખાત્રી વાસણભાઇ એ ઉચ્ચારી હતી. ન્યૂઝ4કચ્છે ઘાસચારાની પરિસ્થિતિ સંદર્ભે સાંસદ વિનોદ ચાવડા સાથે પણ વાત કરી હતી. તેમણે પણ સ્વીકાર્યું હતું કે કચ્છમા વધુ ઘાસચારાની જરૂરત છે. પોતે તે અંગે રાજ્ય સરકાર માં મંત્રી વાસણભાઇ સાથે સંકલન માં રહી રજુઆત કરી છે, અને ઘાસચારા નું સપ્લાય વધે તે માટે ફરી સરકાર નું ધ્યાન દોરશે.
શુ છે વાસ્તવિકતા..
ઘાસચારાની કચ્છ ની વર્તમાન પરિસ્થિતિ નો ન્યૂઝ4કચ્છ નો આ તલસ્પર્શી રિપોર્ટ એ દર્શાવે છે કે પશુઓની પરિસ્થિતિ વિકટ છે. ખરેખર પશુઓની સંખ્યા પ્રમાણે કચ્છ જિલ્લા ને દરરોજ ૧૫૦ થી ૨૦૦ જેટલી ઘાસ ની ટ્રકો ની જરૂરત છે. જેની સામે દરરોજ માંડ ૩૦ થી ૩૫ ટ્રક ઘાસની ટ્રક આવે છે. ગૌશાળા, પાંજરાપોળ અને ઘાસકાર્ડ વાળા પશુઓ ની સંખ્યા અંદાજિત ૩ લાખ જેટલી છે. એક પશુ ને ૪ કિલો ઘાસ ગણીએ તો દરરોજ ૧૨ લાખ કિલો ઘાસ જોઈએ. હવે એક ટ્રક માં માત્ર ૪ હજાર કિલો ઘાસ આવે તે ગણત્રીએ કેટલી ઘાસ ની ટ્રકો જોઈએ ? પરિસ્થિતિ વિકટ છે, સરકાર ની સાથે હવે સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાય તો જ કચ્છનું પશુધન ભૂખ્યું નહીં રહે. અંતે મેઘરાજા ને પણ પ્રાર્થના કરીએ કે તે વરસી પડે. અન્યથા ઘાસચારા ના પડકાર ને પહોંચી વળવું મુશ્કેલ બની શકે છે.