Home Current કચ્છમાં અછતની સ્થિતી પારખવામા સરકાર થાપ ખાય છે : વાગડમાં ઘાસ પાણીની...

કચ્છમાં અછતની સ્થિતી પારખવામા સરકાર થાપ ખાય છે : વાગડમાં ઘાસ પાણીની કટોકટી 

1616
SHARE
કચ્છ અને દુષ્કાળ એ કોઇ નવી વાત નથી. અગાઉના વર્ષોમાં કચ્છે અનેક દુષ્કાળ જોયા છે. પરંતુ પાછલા દાયકામા સારા વરસાદ પછી ફરી કચ્છની વરસાદી પેટર્ન બદલાઇ છે, અને કચ્છને ફરી કદાચ એકવાર દુષ્કાળનો સામનો કરવો પડે તો નવાઇ નથી. જો કે સુવિધ,સંસાધન અને ટેકનોલોજી વધતા તેની સામે લડવા માટે સરકાર કદાચ સક્ષમ હશે. પરંતુ આતયરે વર્તમાન પરિસ્થિતિ મા અછત જાહેર કરવામાં મોડું કરીને કદાચ સરકાર થાપ ખાઇ રહી છે. આમતો, છેલ્લા 3 સપ્તાહ કરતા વધુ સમયથી કચ્છની વિવિધ સંસ્થા,રાજકીય આગેવાનો પશુપાલકો અને ખેડુતો આ મુદ્દે કચ્છથી લઇ ગાંધીનગર અને સંસદ સુધી પાણી તેમ જ ઘાસની તંગી ની વાત પહોંચાડી રહ્યા છે. પરંતુ, સરકાર હજુ પણ નિયમો ધારાધોરણ અને પરિસ્થિતી ગંભીર થવાની રાહ જોતી હોય તેવુ લાગી રહ્યુ છે. કેમકે દુષ્કાળમાં કચ્છમાં કેવી સ્થિતી હશે, તેનો તો ચિતાર લગાવી શકાય તેવો નથી. વાસ્તવિકતા એ છે કે, અત્યારે પણ કચ્છમાં લોકો અને પશુઓ ધાસ પાણી માટે ટળવળી રહ્યા છે. આવી સ્થિતી સમગ્ર કચ્છમા છે. પરંતુ આજે વાત કરવી છે, વાગડની કે જ્યા છતે પાણીએ લોકો માટે કેવી જળ કટોકટી સર્જાઇ છે. તેનુ વર્ણન કરવુ મુશ્કેલ છે.

જ્યા થોડે દુર નર્મદા કેનાલ છલકી રહી છે. ત્યા પાણીની આવી સ્થિતી!!

કચ્છમાં નર્મદા આવતા ચોક્કસપણે લોકોની પીવાના પાણીની અને ખેતી માટે સિંચાઇના પાણીની જરૂરીયાત સંતોષાઇ છે. પરંતુ અત્યારે સરકાર માત્ર ટપ્પર ડેમ ભરવા પર ધ્યાન કેન્દ્રીત કરતી હોય તેવુ લાગી રહ્યુ છે. કેમકે ગાગોદર બ્રાન્ચ કેનાલ મારફતે ડેમો તળાવો ભરવાના 35 ગામોના વિરોધ પછી પણ હજુ સુધી ત્યા પાણી પહોંચ્યુ નથી. આવાજ પાણી માટે વલખા મારતા ગામ બામણસરની મુલાકાત લીધી ત્યારે ચોક્કસ થયુ કે શુ આ કચ્છનુ દ્રશ્ય છે? કેમકે,શાળાનુ શિક્ષણ છોડી એક પરિવાર આખો દિવસ જ્યારે કુવામાંથી પાણી કાઢે છે. ત્યારે તેની પાણીની જરૂરીયાત સંતોષાય છે, પણ પાણી કેવુ દૂષિત છે કે, જે પાણી કદાચ પશુઓ પણ ન પીવે. પરંતુ શુ કરે મજબુરી!! 150 ઘરોની વસ્તી ધરાવતા ગામમાં લોકો હિજરતની દહેશત સાથે એકમાત્ર પાણીના સ્ત્રોત એવા કુવામાંથી દૂષિત પાણી કાઢવા માટે મજબૂર છે અને બાળકીઓ શાળાનો અભ્યાસ છોડી પીવાના પાણીની વ્યવસ્થામા પરિવારને મદદરૂપ થાય છે.

આવુ ચિત્ર આખા રાપરનુ,નથી પાણી.. નથી ઘાસ 

કચ્છમા અછતની સ્થિતીને લઇને માની લઇએ કે સરકાર ચિંતીત હશે,પરંતુ વર્તમાન જરૂરીયાત સંતોષવામાં સરકાર અને સ્થાનીક વહીવટી તંત્ર નિષ્ફળ છે,એવું તો ચોક્કસ દેખાઈ રહ્યું છે, જેનુ ઉદાહરણ માત્ર આ એક ગામ નથી. પરંતુ રાપરની એવી અનેક વાંઢ અને એવા અનેક ગામો છે. જયાં પાણી માટે કા તો દુર સુધી જવુ પડે છે, અથવા મળતું જ નથી. એક તરફ ટપ્પર ભરવાનુ કાર્ય શરૂ થાય છે. ત્યારે કેનાલ છલોછલ હોય છે. પરંતુ છતે પાણીએ જરૂરીયાતમંદ દરેક લોકો સુધી પાણી પહોંચતુ નથી. વર્તમાન વિશે જ્યારે ખેડુતો અને પશુપાલકો સાથે વાત થઇ ત્યારે તેઓએ કહ્યુ કે, ગગોદર, આડેસર, ફતેગઢ, બેલા આવા અનેક ગામો છે. જ્યા ઘાસની વ્યવસ્થા નથી અને સરકારે વચન આપ્યુ હોવા છતાં બ્રાન્ચ કેનાલમા પાણી ન છોડતા પશુઓ અને લોકોને પુરતુ નિયમીત પાણી મળતુ નથી.

લાખો પશુ ધન અને જીંદગી બચાવવા કોગ્રેસના ધરણાને લોકોનો ટેકો 

સ્થાનીક તંત્રએ રાપર, ભુજ, અબડાસા અને લખપતની સ્થિતીનુ આલેખન વહેલું સરકારમાં કર્યુ સ્થાનીક ચુંટાયેલા પ્રતિનીધીઓ પણ ગાંધીનગર ગયા પરંતુ કચ્છની જે જરૂરીયાત છે. તે અપેક્ષા મુજબનુ કાર્ય હજુ શરૂ થયુ નથી અને તંત્ર પાસે તેટલુ ઘાસ પણ નથી. ત્યારે આજે ફરી પાણી અને ઘાસના મુદ્દાને લઇને સંતોકબેન આરેઠીયા સહિત ખેડુતો,પશુપાલકોએ ફતેહગઢ બ્રાન્ચ કેનાલ પાસે ધરણા પ્રદર્શન કરી સરકારનુ વાગડની સ્થિતી અંગે ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસી આગેવાન ભચુભાઈ આરેઠીયાએ આક્ષેપ કર્યો છે કે સરકાર રાપરની ઉપેક્ષા કરે છે. નર્મદાથી રાપરની અછતની સ્થિતી હળવી થઇ શકે છે. છતાં સરકાર કંઈ નથી કરતી જેને પગલે રાપરના તમામ ગામો વાંઢો અને ત્રણ લાખથી વધુ પશુઓ કપરી સ્થિતીનો સામનો કરી રહ્યા છે. જો આ સમસ્યા નહી ઉકેલાય તો કોગ્રેસ આક્રમક વિરોધ સાથે વિધાનસભા પહોંચશે.
ગત અઠવાડીએ કોંગ્રેસના આક્રમક વિરોધ પછી ચોક્કસ સરકાર આ મુદ્દે ચિંતીત થઇ હતી અને ચુંટાયેલા પ્રતિનીધીઓ સાથે તંત્ર પાસેથી કચ્છની વાસ્તવિક સ્થિતીના ચિતાર મેળવી ઝડપી કામ કરવાના વચનો આપ્યા હતા. પરંતુ આજે પણ કચ્છની સ્થિતી ગંભીર છે. પાણી અને ધાસની કટોકટી છે. પરંતુ સરકાર ધીમી ગતીએ આગળ વધી રહી છે. જે ચિંતાનો વિષય છે. જો કે આવી સ્થિતી રાપર ની નહી પરંતુ કચ્છના અનેક તાલુકાની છે. જેમાં ન્યુઝ4 કચ્છ પ્રયત્ન કરશે લોકોની સમસ્યાને વાંચા આપવાનો.. પરંતુ અત્યારે એ અપેક્ષા રાખીએ કે સરકાર ઝડપભેર ઘાસ પાણીની પુરતી વ્યવસ્થા સાથે પશુ જીંદગી બચાવી લે.