શિક્ષણ ના વધતા જતા વ્યાપ ની સાથે અત્યારે વિદ્યાર્થીઓ સામે સૌથી મોટો પડકાર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓનો છે. મેડિકલ, એન્જીનીયરીંગ, સીએ ના પ્રવેશનું તો સમજ્યા પણ હવે શિક્ષણ, આરોગ્ય, બેંક, તલાટી, મામલતદાર, ડેપ્યુટી કલેકટર કે પછી આઈએએસ, જેવા અનેકવિધ ક્ષેત્રે નોકરી મેળવવા માટે પણ એન્ટ્રસ ટેસ્ટ – સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી પડે છે. કચ્છમાં છાત્રો માટે સ્પર્ધાત્મક પરીક્ષા ના પ્રોપર ગાઈડન્સ થી માંડીને વાંચવા માટે ના યોગ્ય માહોલની તકલીફ છે. ત્યારે ભુજની જાણીતી શૈક્ષણિક સંસ્થા આશાપુરા સ્કૂલ દ્વારા એક આવકારદાયક પહેલ હાથ ધરાઈ છે. શું છે આ પહેલ? પૂર્વ સાંસદ અને આશાપુરા સ્કૂલ ના મોભી પુષ્પદાન ગઢવી ન્યૂઝ4કચ્છને કહે છે કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ, ગાઈડન્સ અને વાંચવા માટે યોગ્ય વાતાવરણ ની જરૂર પડે છે, એ ધ્યાને લઈને અમે અમારા શાળા કેમ્પસમા માહિતીપ્રદ પુસ્તકોની લાયબ્રેરી સાથે રીડિંગ હોલ બનાવ્યો છે. જેનો ઉપયોગ તમામ છાત્રો (શાળા સિવાયના પણ) કરી શકશે. એટલુંજ નહીં, અમારી શાળા ના નિષ્ણાત શિક્ષકો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. રેફરન્સ માટે લાયબ્રેરી હશે, સાથે સાથે વિદ્યાર્થીઓ પોતાના લેપટોપ સાથે બેસીને સ્ટડી અને રીડિંગ કરી શકે તેવી સુવિધા પણ અહીં હશે. ભુજ ના પ્રમુખસ્વામી નગર રોડ ઉપર આવેલ મા આશાપુરા સ્કૂલમાં પુષ્પદાન ગઢવીની સાથે ન્યૂઝ4કચ્છ સાથે વાતનો તંતુ સાધતા હકુમતસિંહ જાડેજા કહે છે કે, આશાપુરા સ્કૂલ જે ટ્રસ્ટના નેજા હેઠળ ચાલે છે, એ અમારા ટ્રસ્ટ શિવશક્તિ સ્ટડી સર્કલ ને ૨૫ વર્ષ પૂર્ણ થાય છે, એટલે રજતજયંતિ વર્ષ પ્રસંગે અમે અમારી શૈક્ષણિક સેવાઓ નો વ્યાપ વધારવા માંગીએ છીએ. અમારી બીજી પહેલ સ્પોર્ટ્સ ક્ષેત્રે છે, આશાપુરા સ્કૂલ ના કેમ્પસમાં અમે એક ટેનિસ કોર્ટ બનાવી રહ્યા છીએ, આ ટેનિસ કોર્ટનો લાભ તમામ વિદ્યાર્થીઓ (શાળા સિવાયના પણ) લઈ શકશે. નિષ્ણાત કોચ દ્વારા ટેનિસ નું કોચિંગ અપાશે. આ સિવાય અત્યારે આશાપુરા સ્કૂલ કેમ્પસમાં માર્શલ આર્ટ કરાટે નું કોચિંગ તેમ જ તલવાર બાજી નું કોચિંગ અપાય છે. ભુજની આશાપુરા સ્કૂલ દ્વારા શરૂ થનારી નવી સુવિધા પૂર્વે સ્કૂલના સ્થાપક પ્રો. વખતસિંહજી જીલુભા જાડેજાને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
સામાન્ય પરિવારના બાળકો ભારતીય સંસ્કૃતિ સાથે ઈંગ્લીશ મીડીયમ મા ભણી શકે તે ધ્યેય સફળ…
શિવશક્તિ સ્ટડી સર્કલના હકુમતસિંહ જાડેજા, પુષ્પદાન ગઢવી ની સાથે પ્રવિણસિંહ વાઢેર તેમ જ રાજેન્દ્રસિંહ જાડેજાએ પણ શૈક્ષણિક પ્રવૃતિઓ વિશે જાણકારી આપી હતી. ૧૯૯૩ મા દરબારગઢ મધ્યે ચાર ઓરડા મા શરૂ થયેલ આશાપુરા સ્કૂલ આજે વટવૃક્ષ બની ચુકી છે. આજે બબ્બે મોટા શૈક્ષણિક સંકુલમા અંગ્રેજી, ગુજરાતી માધ્યમ ની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા મા ૨૦૦૦ છાત્રો અભ્યાસ કરે છે. પીટીસી અને બીએડ કોલેજ મા ૧૦૦ બેઠકો છે, જેમા સંપૂર્ણપણે બહેનો જ અભ્યાસ કરે છે. ડીગ્રી મેળવ્યા બાદ મોટાભાગની બહેનો ને નોકરી મળી ગઈ છે અને આર્થિક રીતે પગભર છે. આશાપુરા સ્કૂલ ની શૈક્ષણિક પ્રવૃતિઓ ને નિહાળીને દાતાઓ દ્વારા સામે થી જ દાન મળી રહે છે. હજી ભવિષ્યમાં એક નાનું સ્પોર્ટ્સ સંકુલ બનાવવાની પણ ટ્રસ્ટીઓ ની નેમ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમ જ સ્પોર્ટ્સ ક્ષેત્રે ઉંચી ઉડાન ભરવા માગતા કચ્છના વિદ્યાર્થીઓ માટે આશાપુરા સ્કૂલે કરેલી પહેલ આવકારદાયક છે. એજ રીતે અન્ય શાળાઓ પણ પોતાની શાળા ના છાત્રો માટે જ નહીં પણ, કચ્છ ના અન્ય છાત્રો માટે જો વિચારશે તો એ પગલું આપણાં કચ્છની ભાવિ પેઢીના હિત મા હશે.