Home Current ભુજની ‘ખારી નદી’ના જળનો પ્રયાગ ના કુંભ મેળામાં ‘ગંગાજળ’ સાથે થશે સંગમ...

ભુજની ‘ખારી નદી’ના જળનો પ્રયાગ ના કુંભ મેળામાં ‘ગંગાજળ’ સાથે થશે સંગમ – જાણો વિગતે

1340
SHARE
આગામી તારીખ ૬ જાન્યુઆરી થી પ્રયાગરાજ માં શરૂ થઈ રહેલા કુંભ મેળામાં હવે ભુજ ની એક વિશિષ્ઠ યાદગીરી જોડાશે. આ યાદગીરી જળસ્વરૂપે હશે. શું છે આ આખીય વાત? નાટય અને વિવધ કલા સાથે સંકળાયેલી ભુજની જાણીતી સંસ્થા સંસ્કાર ભારતીના પંકજ ઝાલા ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કહે છે કે, અખિલ ભારત સંસ્કાર ભારતી દ્વારા રાષ્ટ્રીય સ્તરે ‘ગંગા મુનહાર’ કાર્યક્રમ નું આયોજન કરાયું છે. જે અંતર્ગત સતત વહેતી હોય તેવી દેશભર ની ‘સદાનીરા’ નદીઓના જળનો સૌ દેશવાસીઓ માટે અતિ પવિત્ર એવી ગંગા ના જળ સાથે સંગમ થશે અને જળકુંભો એકઠા કરાયેલા નદીઓના નીર ગંગા ના નીર માં વહેતા કરાશે. આ કાર્યક્રમ અંતર્ગત ભુજ ખાતે ખારીનદી મા આવેલ ઉતર ગંગાનદી નુ જળ એકત્ર કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી ભૂતનાથ મંદિર સંસ્થાના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ નદીનુ જળ પિત્તળના કુંભમાં સંસ્કાર ભારતી ના ભુજ શહેર સમિતિ ના અધ્યક્ષ આશુતોષ મહેતા,વિભાગ સંયોજક પંકજ ઝાલા ને સુપ્રત કર્યું હતું. આ પ્રસંગે નોબત વાદક શૈલેશ જાની,હરેશ ઠકકર, અજિતભાઈ, રમેશ સોનપાર, નિપૂણ માંકડ, રાજેશ દવે,ચિન્મય ભટ,નયન રાણા,મનોજ સોનપાર સહિત બન્ને સંસ્થાઓ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

જાણો કેવી રીતે ખારી નદીના જળનો ગંગાજળ સાથે થશે સંગમ? શું છે આ કાર્યક્રમ નો હેતુ..

‘ગંગા મુનહાર’ કાર્યક્રમના રાષ્ટ્રીય સંયોજક શ્રીપાદ જોશીજી ના જણાવ્યા પ્રમાણે દેશ ના વિવિધ પ્રાંતો માં થી સદાનીરા(સતત વહેતી) નદીઓના જળકુંભ ૧૦ મી જાન્યુઆરી સુધી પ્રયાગ ના કુંભ મેળા માં પહોંચશે. અહીં પ્રયાગ માં ગંગા કાંઠે એક વિશાળ ભારતીય નકશા માં જે જે પ્રાંત થી જળકુંભ આવ્યા હશે તે સ્થળે તે જળકુભો મુકાશે. ૧૨ મી જાન્યુઆરીના પારંપરિક વેશભૂષા સાથે વિશાળ શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે, સાંજે પ્રયાગ ના પવિત્ર સંગમ તટે મંત્રોચ્ચાર સાથે, ગંગાના સાન્નિધ્યમાં યોજાતી ‘સંધ્યાઆરતી’ બાદ દેશભરની નદીઓના તમામ જળકુંભ ના નીર ને પવિત્ર ગંગા નદીના જળ માં વહેતા કરાશે. આમ તમામ જળકુંભો ની સાથે ભુજ ની ખારી નદીના જળનો પવિત્ર ગંગાજળ સાથે સંગમ થશે. વિવિધતામાં એકતા ના સંદેશ સાથેના આ કાર્યક્રમ પાછળનો હેતુ નદી ના જળની સ્વચ્છતા રાખવાનો અને પર્યાવરણને શુદ્ધ રાખવાનો છે. આજે આપણાં જળસ્ત્રોત સુકાતા જાય છે તે ઉપરાંત પ્રદુષિત પણ થઈ રહ્યા છે, દેશમાં જળ કટોકટી પણ ઝળુંબી રહી છે ત્યારે આપણે સૌ પરંપરાગત જળસ્રોતો ની રક્ષા કરીએ તે વર્તમાન અને આવનારા સમયની માંગ છે. ‘જળ એ જ જીવન છે’. આપણી શાસ્ત્ર પરંપરામાં પણ જળ નું મહાત્મ્ય દર્શાવાયું છે ત્યારે સંસ્કાર ભારતી નો આ પ્રયાસ આપણા સૌ માટે અને દેશના ભવિષ્ય માટે પ્રેરણાદાયી છે.