કચ્છમા ભલે બદલાયેલા વાતાવરણે ઠંડક પ્રસરાવી હોય… પરંતુ અમદાવાદમાં બનેલી ઘટનાએ કચ્છના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે, કેમકે કચ્છ ભાજપના જુના નેતા અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જેન્તીભાઈ ભાનુશાળીના ભત્રીજા પાસે એક મહિલાએ બ્લેકમેઇલ કરી 10 કરોડની ખંડણી માંગવાનો મામલો સામે આવ્યો છે. આમતો કચ્છથી લઇ ગાંધીનગર સુધી ચોક્કસ વ્યક્તિઓ આવો કંઈક મામલો રંધાઈ રહ્યો છે તેનાથી અવગત હતા, પરંતુ ગુરુવારે નરોડા પોલિસ મથકે મુળ કચ્છની અને હાલ વાપી રહેતી મનિષા ગોસ્વામી અને તેના સાગરીતો સામે 50 લાખ પડાવી અને બિભત્સ ક્લીપ દર્શાવવાની ધમકી આપી 10 કરોડની ખંડણી માંગવાની ફરીયાદ જેન્તીભાઇ ભાનુશાળીના ભત્રીજા સુનીલ વંસત ભાનુશાળીએ નોંધાવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા સાથે ગરમાટો આવી ગયો હતો અને ફરીયાદ સાથે અનેક સવાલો પણચર્ચાતા થયા હતા કે અચાનક એવુ તે શુ થયુ કે વર્ષોના પારિવારીક સંબંધો પછી સુનીલને મનિષા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવવી પડી? જો કે ફરીયાદ પછી મનિષાએ પણ પ્રાદેશીક ન્યુઝમા જેન્તીભાઇ સામે આક્ષેપો કરતા કેસમાં નવો વણાંક આવ્યો છે તો ચર્ચા એવી પણ છે કે આ સમગ્ર મામલામા અંદર કઇક બીજુ રંધાઈ રહ્યુ છે જે આગામી સમયમાં બહાર આવવા સાથે કચ્છ અને ગુજરાતના રાજકારણમાં ખળભળાટ સર્જિ શકે છે
શું છે સુનિલની ફરીયાદ મનિષા એન્ડ કંપની સામે?
સુનીલે પોલીસ સમક્ષ એવી ફરીયાદ કરી છે કે મનિષા ગોસ્વામી કચ્છની જ છે અને છેલ્લા પાંચ-છ વર્ષથી તેના સાથે ભાનુશાળી પરિવારના પારિવારીક સંબધ છે, ત્રણ મહિના પહેલા મનિષાએ તેને ફોન કરીને અમદાવાદ કચ્છી ભવનમાં કામસર બોલાવ્યો અને ત્યાર બાદ કેફી દ્રવ્ય છાંટી તેને બેભાન કરી નાંખ્યો અને વિડિઓ કલીપ ઉતારી લીધી હતી જો કે ત્યાર બાદ મનિષા તેને અવારનવાર મળતી અને તેની પાસે રહેલી સુનિલ અને અન્ય યુવતીની ક્લીપ મોબાઇલમા દેખાડી તેની પાસેથી 10 કરોડની માંગણી કરતી ત્યાર બાદ સુનિલ અને જેન્તીભાઇ વચ્ચે આ બાબતે વાતચીત બાદ જેન્તીભાઇ ને પણ યુવતીએ ધમકી આપી અને 25 લાખ રુપિયાની માંગણી કરી આમ અવારનવાર ધમકી અને બ્લેકમેઇલ કરાતા સુનિલે આજે વિધીવત ફરીયાદ નોંધાવતા પોલિસે તપાસ શરુ કરી છે
શા માટે મોડી કરાઇ ફરીયાદ શુ ખરેખર સામાજીક બદનામીનો ડર
સુનિલે આપેલી ફરીયાદ મુજબ તેની સાથે બનેલી આ ઘટના ફ્રેબુઆરીના પહેલા સપ્તાહમા બની હતી અને મનિષાએ ત્યાર બાદ તેને રસ્તા પર કારમા આ ક્લીપ દર્શાવી ધમકી આપી વિડીયો વાયરલ કરવાનુ કહી 10 કરોડની માંગણી કરી હતી જે મામલે જેન્તીભાઇ સાથે સુનીલે ચર્ચા કર્યા બાદ સામાજીક બદનામીના ડરથી ફરીયાદ કરવાનુ ટાળી જેન્તીભાઇ એ પણ મનિષા સાથે વાતચીત અને મામલાની તપાસનો દોર સંભાળ્યો હતો પરંતુ રૂબરૂ મળ્યા બાદ જેન્તીભાઇને પણ મહિલાએ બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જો કે ભાજપના ઉપાધ્યક્ષ હોવા છતાં કાયદામાં વિશ્વાસ રાખી જેન્તીભાઇ અને સુનિલ ફરીયાદ કરવા કેમ મોડા સામે આવ્યા તે અનેક સવાલો ઉભા કરે છે કે શુ ખરેખર સામાજીક બદનામીનો ડર જ મોડી ફરીયાદ નુ કારણ છે કે પછી આખા મામલામા ક્યાક પડદા પાછળનું સત્ય કઇક જુદુજ છે ? જો કે જેન્તીભાઇ ન્યાય પર વિશ્વાસ સાથે ફરીયાદ કર્યા નુ વાતચીત દરમીયાન જણાવી પોલિસ કાર્યવાહી ચાલુ હોવાનુ નિવેદન ન્યુઝ4કચ્છ ને આપ્યુ હતુ.
મનિષાનો પલટવાર સમગ્ર મામલામાં જમીન પ્રકરણ હોવાનો પ્રતિઆક્ષેપ
10 કરોડની ખંડણી અને બિભત્સ ક્લીપ ઉતારવાની ફરિયાદ બાદ મનિષા સ્થાનીક મિડિયા સમક્ષ ટેલીફોનથી સંપર્કમા આવી હતી અને જમીન પર કબ્જો કરવાના ઉદ્દેશ સાથે સુનીલને હાથો બનાવી જેન્તી ભાનુશાળીએ તેના પર ફરીયાદ કરવાના આક્ષેપ કર્યો હતો સાથે સાથે ચુંટણી પ્રચાર સહિત જેન્તીભાઇ અને ખાસ કરીને સુનિલ સાથે પોતે અંગત ઘરોબો ધરાવતી હોવાનુ કહી ક્રાઇમ બ્રાન્ચ જેવી કચેરીમા બોલાવી જેન્તીભાઇ દબાણપુર્વક તેમની પાસેથી લખાણો લઇ રહ્યા હોવાનો આક્ષેપ માધ્યમોમાં મનિષાએ ફોન દ્વારા કર્યો હતો
સત્ય પોલિસ શોધશે પરંતુ રાજકીય દાવપેચ પણ ખેલાશે
ગુરવારે બપોર બાદ મામલો સામે આવ્યા બાદ કચ્છના રાજકારણમાં અનેક ચર્ચાઓનો દોર શરુ થયો છે, ખંડણી અને બ્લેકમેઇલીંગના આ કિસ્સામા સત્ય શુ છે તે તો હવે પોલિસ શોધશે, પરંતુ પારિવારીક સંબંધો છંતા બ્લેકમીલીંગ અને ખંડણીનો ખેલ, ફરીયાદી દ્વારા ઘટનાના આટલા દિવસો બાદ ફરીયાદ અને જેન્તીભાઇ પર પ્રતિઆક્ષેપો જેવા મુદ્દે રાજકારણ પણ જોર પકડશે અને આગામી દિવસોમાં આ મામલે નવા વંણાકો આવે તો પણ નવાઇ નહી જો કે સુત્રોનું માનીએ તો આ સમગ્ર મામલે ભાજપના મોવડી મંડળ સમગ્ર કિસ્સાથી અવગત છે અને હવે તપાસની અને કેસની ચોક્કસ દિશા તેઓ નક્કી કરશે કેમકે નલિયાકાંડની બનેલી ઘટના પછી કોઈ પણ યુવતીને ભાજપ સાથે સંડોવતા કેસમાં ભાજપ છાસ પણ ફુંકી ફુંકીને પીવે છે..એ હકીકત છે.