(ન્યૂઝ4કચ્છ) આવતીકાલે ડો. બાબાસાહેબ આંબેડકરજી ની જન્મજયન્તિ પ્રસંગે કેન્દ્ર અને રાજ્યસરકારની નજર કચ્છ ઉપર છે,તેનું કારણ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સામખીયાળી ચેકપોસ્ટ ઉપર ચક્કાજામ કરવા આપેલી ચીમકી છે. કચ્છમાં અને તેમાંયે ખાસ કરીને રાપર,ભચાઉ વિસ્તારમાં દલિત ખેડૂતોને તેમની ફાળવાયેલી સાંથણીની ખેતીની જમીન નો કબજો ન આપ્યો હોવાનો જીજ્ઞેશ મેવાણીએ ભાજપ સરકાર ઉપર આક્ષેપ મૂકીને દલિત અધિકાર રેલી તળે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. જોકે, જીજ્ઞેશ મેવાનીની ચીમકીને પગલે કચ્છનું વહીવટીતંત્ર સક્રીય બની ગયું છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને અત્યારસુધી સાંથણી માં અપાયેલ જમીન અંગેની એક અખબારી યાદી પ્રસિદ્ધ કરી છે. તો, પૂર્વ કચ્છ માં ડેપ્યુટી કલેક્ટર દ્વારા રાપરના ગ્રામીણ વિસ્તારોમાં જઈ ને દલિત ખેડૂતોને સાંથણીની જમીનનો કબજો સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે. કચ્છનું વહીવટીતંત્ર દલિતોને તેમના અધિકાર આપવા હકારાત્મક છે એ દર્શાવવા જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આગેવાનો સાથે બેઠક યોજીને અધૂરી રહેતી કામગીરી પૂર્ણ કરવાની ખાત્રી પણ આપી છે. જોકે, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની સામખીયાળી ચેકપોસ્ટ ઉપર ચક્કાજામ કરવાની ચીમકી ને પગલે કચ્છભર માંથી મોટા પ્રમાણમાં દલિત સમાજ અને સાથે મુસ્લિમ સમાજના લોકો પણ ઉમટી પડવાની શક્યતાને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાવાની દહેશત હોઈ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં પોલીસતંત્ર વ્યસ્ત છે. અત્યારના તબક્કે એવી પરિસ્થિતિ છે કે જીજ્ઞેશ મેવાણીની પ્રબળ અસર તળે કચ્છનું સમગ્ર વહીવટીતંત્ર ઊંધા માથે છે.