મહેશ્વરી સમાજ સહિત અન્ય સમાજોની પણ આસ્થા જેના પર છે એવા ધણીમાતંગ દેવ ઉપર ફેસબૂક પર કરાયેલી અભદ્ર ટિપ્પણી સામે મંગળવારે મહેશ્વરી સમાજ ગાંધીધામ ખાતે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શિત કર્યો, આ વિરોધ દરમ્યાન મામલો બિચકતા એક તબક્કે તંગ વાતાવરણ સર્જાયું પોલીસે ટિયરગેસ સહિત બળ પ્રયોગ કરવો પડ્યો સામેં પક્ષેથી પથ્થરમારો પણ કરાયો આ ઘટનાના પડઘા નખત્રાણા,માંડવી સહિતના વિસ્તારમાં પણ જોવા મળ્યા તો ભુજના જ્યુબિલી સર્કલ ઉપર પણ મોડી રાત્રી સુધી લોકો રસ્તા પર બેસીને પોતાનો વિરોધ દર્શાવ્યો આ સમગ્ર કિસ્સામાં રોયલ સરકાર નામની આઈ.ડી. પરથી થયેલી અભદ્ર ટિપ્પણી સામે એ આઈ.ડી. ધરાવનાર સામે ગાંધીધામ સુંદરપુરીના રાજેશ ચૌહાણે ફરિયાદ પણ નોંધાવી છે. હજુ પણ આ ઘટનાને પગલે મહેશ્વરી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે આ ઘટના ચોક્કસ નિંદનીય કહી શકાય પરંતુ છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં અલગ અલગ સમાજને ઉશ્કેરવાની થઈ રહેલી ચેષ્ટા સામે લોકોએ પણ જાગૃત બનવાની જરૂર છે કોઈ પણ ધર્મ કે સમાજ માટે થતું અપમાન શાંતિ પૂર્ણ રજુઆતથી શરૂ થઈને ક્યારે હિંસક સ્વરૂપે બદલાઈ જાય છે એ મુદ્દો વિચાર માંગી લે એવો છે કાયદો હંમેશ કાયદાનું કામ કરતોજ હોય છે કેમ કે પોલીસને કોઈ ધર્મની સાથે સરખાવી ન શકાય એવીજ રીતે પ્રચાર માધ્યમો પણ બિન સાંપ્રદાયિક ભૂમિકાના દાયરામાં હોય છે ત્યારે આવી ઘટના સમયે સંયમ સાથે કાયદો અને વ્યવસ્થા પર ભરોસો રાખવો જરૂરી બની જાય છે
કેટલાક કિસ્સામાં શાંત પાણીમાં પથ્થરો નાખીને વમળ પેદા કરનારા મુઠ્ઠીભર તત્વો આવી સ્થિતિનો ફાયદો ઉઠાવવાનું ચુકતા નથી એ પણ લોકોએ સમજવું પડશે છેલ્લા કેટલાક સમયથી જાણે કચ્છને ટાર્ગેટ કરાઈ રહ્યું હોય તેમ ઉપરા ઉપરી બનેલી ઘટનાઓથી સાબિત થાય છે મંગળવારે બનેલી ઘટનામાં શાંત વિરોધ કેમ ઉગ્ર બન્યો? કોની ચૂક રહી ગઈ? પોલીસે કેમ બળ પ્રયોગ કરવો પડ્યો? આવા અનેક સવાલો વચ્ચે લોકોના માનસ પર ઉભરતા પ્રતીબીંબો ઘટનાના પડઘા સ્વરૂપે બહાર આવતા રહે છે અને મૂળ મુદ્દાઓ કોરાણે રહી જાય છે અને નવા મુદ્દાઓ ઘર્ષણને દિશા આપે છે. ગાંધીધામની ઘટનામાં પોલીસની ચૂક થઈ હોવાની વાતને સમર્થન ત્યારે મળ્યું જયારે પત્રકાર પણ પોલીસના બળનો ભોગ બન્યો પત્રકારની રજુઆત બાદ પણ પોલીસ ન સમજી શકી તો આવા બનાવો ક્યારે ક્યુ સ્વરૂપ ધારણ કરે એ કહી ન શકાય…. હા પણ એટલું ચોક્કસ કહી શકાય કે આવી ઘટનાઓ પછી પણ રાજકીય અગ્રણીઓ કેમ મૌન રહે છે? અહીં કોઈ પક્ષની વાત નથી પ્રજાની સેવાના નામે અગ્રેસર રહેનારા સૌ રાજકીય આગેવાનો સામે આ સવાલ છે કે પ્રજાના હિત માટે તેઓએ ચોક્કસ આગળ આવવું જોઈએ અને સંયમ અને શાંતિથી આવી ઘટનાઓ ન બને એ તરફ પ્રયાસો કરવા જોઈએ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી બનતી આવી ઘટનાઓ બાદ પણ કોઈ એક પણ રાજકીય અગ્રણીએ પહેલ નથી કરી માત્ર જરૂર લાગે ત્યાં ઘટનાઓને વખોડીને હાજરી પુરાવી સંતોષ માન્યો છે કચ્છની એકતા અને ભાઈચારાને ટકાવી રાખવા રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ લોક માનસમાં અંકિત થાય એ પહેલા સૌ રાજકીય આગેવાનોએ પક્ષા પક્ષીને ભૂલીને આગળ આવવું પડશે હજુ પણ મોડું નથી થયું
ગઈકાલની ઘટના બાદ આજે શું થશે? એવા સવાલો વચ્ચે વહેતી થયેલી ચર્ચા મુજબ ભુજ સહિત પશ્ચિમ કચ્છમાં શાંત વિરોધ કરાશે પોલીસ તથા વહીવટી તંત્ર શાંતિ જાળવવાની અપીલ સાથે કોઈ અફવામાં ન દોહરાય એ માટે સક્રિય છે જ પણ લોકોએ પણ રસ્તા પર ઉતરવાને બદલે રાજકીય આગેવાનોને અપીલની સાથે સાથે આવા કિસ્સાઓમાં ત્વરિત ઉકેલ લાવવા માંગ કરવી જોઈએ.