સમય બદલાયો હોવા છતાંયે આજેય આપણાં કચ્છમાં ક્યાંક ક્યાંક બાળ લગ્નોની પરંપરા ચોરી છુપીએ ચાલુ છે. જોકે,સરકારી તંત્ર બાળ લગ્નોને અટકાવવા જાગૃત છે. કચ્છમાં તંત્ર બે બાળ લગ્નો થાય તે પહેલાં અટકાવવામાં સફળ રહ્યું હતું. જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધ અને સમાજ કલ્યાણ અધિકારી એન.એસ.ચૌહાણે ન્યૂઝ4કચ્છ સાથે કરેલી ટેલિફોનિક વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ગઢશીશા(માંડવી) અને હરિપર (અબડાસા) ગામના બે બાળ લગ્નોને અટકાવવામાં તંત્ર સફળ રહ્યું હતું. પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી કરીને ૧૭ વરસ ના સગીર છોકરાને ભુજના બાળ સુધારણા ગૃહ અને ૧૩ વરસની છોકરીને ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે ભટ સમુદાયના આ બાળ લગ્નોને સરકારના બાળ લગ્ન પ્રતિબંધક ધારા હેઠળ અટકાવ્યા છે.આ કામગીરીમાં બાળ સુરક્ષા એકમના પી.ટી.જાડેજા,રવિન્દ્ર પ્રજાપતિ,ચાઈલ્ડ લાઇનના ભરતસિંહ જાડેજા,કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રોબેશન અધિકારી દિશા પંડ્યા અને ગઢશીશા પોલીસ ટીમના સયુંકત સહયોગથી આ કામગીરી હાથ ધરાઈ હતી.