કચ્છ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક NA ની ફાઈલોના મુદ્દે અને ગ્રામ પંચાયતોને સુપરસીડ કરવાના મુદ્દે ચર્ચામાં રહી હતી. જિલ્લા પંચાયતની કારોબારીમાં પદાધિકારીઓ અને અધિકારીઓ ની ઉપસ્થિતમાં કારોબારી ચેરમેન નવીન જરૂએ કલેકટર કચેરીના કર્મચારીઓ અંગે ચાલુ બેઠકમાં વ્યક્ત કરેલી નારાજગીએ કર્મચારી વર્તુળોમાં ગુસપુસ સાથે ચર્ચા જગાવી છે.
ભાજપના આગેવાન નવીન જરૂએ એવું તો શું કહ્યું ?
જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં થયેલ ચર્ચા, નિર્ણયો સંદર્ભે બેઠક પુરી થયા બાદ કારોબારી ચેરમેન નવીન જરૂએ મીડીયા સાથે વાત કરી હતી, જેમાં તેમણે બેઠકમાં કલેકટર કચેરીના કર્મચારીઓ સામે જે નારાજગી વ્યક્ત કરી હતી તેને ફરી દોહરાવી હતી. વર્તમાન કારોબારીમાં ૨૩ NA ની ફાઈલોને મંજૂરી આપી હોવાનું કહેતા નવીન જરૂ એ અરજદારોને ૩ દિવસ પહેલા ફાઈલો રજૂ કરવા સૂચન કર્યું હતું. સમયના અભાવે ફાઈલોની અધુરાશો ચેક ન થઈ શકે એટલે તેમણે ત્રણ દિવસ વહેલી ફાઈલો રજૂ કરવા આગ્રહપૂર્વક કહ્યું હતું. જોકે, જિલ્લા કલેકટર કચેરીના મહેસુલી કર્મચારીઓ સામે નારાજગી ભર્યા સૂરે ભાજપના આગેવાન અને કારોબારી ચેરમેન નવીન જરૂ એ જણાવ્યું હતું કે અમુક કર્મચારીઓ ફાઈલોને દબાવી રાખે છે, પરિણામે NA ની કામગીરીને વિલંબ થાય છે,એટલે કર્મચારીઓના આવા નકારાત્મક વલણની સામે કલેકટરશ્રી રેમ્યા મોહન નું ધ્યાન દોરવા અને જરૂરત પડ્યે જિલ્લા પંચાયત દ્વારા સયુંકત બેઠક યોજવા ઉપર ભાર મુક્યો હતો. એક બાજુ કલેકટર રેમ્યા મોહન NA ની કામગીરી માટે ઓપન હાઉસની પહેલ કરી રહ્યા છે, વચેટીયાઓ અને દલાલો માટે જાહેરનામું બહાર પાડી ચુક્યા છે ત્યારે કારોબારી ચેરમેન તરીકે જેમની મુદત પુરી થઈ રહી છે તેવા શાસક પક્ષ ભાજપના આગેવાન નવીન જરૂનું આ નિવેદન સુચકની સાથે ટકોર કરે તેવું છે.
કઈ ગ્રામ પંચાયતો થશે સુપરસીડ ?
જિલ્લા પંચાયતની આ કારોબારી બેઠકના નિર્ણય અંગે મીડીયા સાથે વાત કરતા ડીડીઓ પ્રભવ જોશી એ જણાવ્યું હતું કે સરકારના પંચાયત ધારા અધિનિયમ હેઠળ રાપર તાલુકાના ફતેહગઢ અને પગીવાંઢ ગ્રામપંચાયતને સુપરસીડ કરવા માટે રાજ્યના ગ્રામ વિકાસ કમિશનરને દરખાસ્ત કરાઈ છે. જ્યારે ગેરકાયદે મીઠાના અગરોની ફરિયાદ અને વિવાદના કારણે ચર્ચામાં આવેલી ભચાઉની કડોલ ગ્રામપંચાયતને સુપરસીડની નોટિસ આપી ખુલાસાની તક અપાઈ છે. કચ્છના બે PHC કેન્દ્રો ભુજપુર અને મંગવાણા CHC માં ફેરવતા હવે કપાયા અને મંજલમાં નવા PHC કેન્દ્રો બનાવાશે.
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ. એમ. વાણીયા, કે. એમ. બ્રહ્મક્ષત્રિય અન્ય શાખા અધિકારીઓની સાથે કારોબારી સભ્યો ભીમજી જોધાણી, ભાવનાબા જાડેજા, ખોડાભાઈ રબારી, આઇશાબેન મોડ ઉપસ્થિત રહ્યા હતા.
કારોબારી ચેરમેન નવીન જરૂએ મીડિયાને આપેલા પ્રતિભાવનો વિડિઓ જોવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો