Home Current શું કચ્છ યુનિવર્સિટીની ચુંટણી રદ્દ થશે? મતદારયાદીનો મહાજંગ : કોંગ્રેસનું ABVP સામે...

શું કચ્છ યુનિવર્સિટીની ચુંટણી રદ્દ થશે? મતદારયાદીનો મહાજંગ : કોંગ્રેસનું ABVP સામે નવું તીર

1096
SHARE
રાજકારણના મહાભારતને પગલે કચ્છ યુનિવર્સિટીનો માહોલ દિન પ્રતિદિન વધુ ગરમ બની રહ્યો છે. જે ૬ સેનેટ સભ્યોની ચૂંટણી થવાની છે તે ચૂંટણી સામે હવે કાનૂની જંગ શરૂ થઈ ગયો છે. કચ્છ સહિત ગુજરાતભરમા ચર્ચાનું કેન્દ્ર બનેલી સેનેટની ચૂંટણી નિયત સમય પ્રમાણે ૨૨ જુલાઈ થશે કે પછી રદ થશે? આ સવાલ મતદારયાદીના મુદ્દે શરૂ થયેલા મહાજંગ વચ્ચે કોંગ્રેસના નવા રાજકીય તીર થી સર્જાયો છે. આમ વાતો ભલેને ABVP અને NSUI ના છાત્ર સંગઠનની થતી હોય પણ બંને વિદ્યાર્થી સંગઠનો પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે ભાજપ અને કોંગ્રેસ સાથે સંકળાયેલા છે એટલે જ હવે આ લડાઈ મહાજંગ મા ફેરવાઈ રહી છે.

નામો રદ થયા તેમાટે ભાજપના નેતાઓ જવાબદાર? ABVP તપાસ કરે,કોંગ્રેસનો પલટવાર..

કચ્છ યુનિવર્સિટીની મતદારયાદી રદ કરવાના બહુચર્ચિત મુદ્દે શાહીકાંડ સર્જાયા પછી ABVP એ કુલપતિ અને કોઓર્ડીનેટર સાથે કોંગ્રેસને જવાબદાર ઠેરવીને સતત આક્ષેપો કર્યા છે. પણ હવે બે કોંગ્રેસી આગેવાનો અને પૂર્વ સેનેટ સભ્યો રમેશ ગરવા અને દિપક ડાંગરે મતદારયાદીના મુદ્દે મોટો ઘટસ્ફોટ કરીને ભાજપના જ નેતાઓ ઉપર નિશાન તાક્યું છે.ભાજપના અજય ગઢવીએ EC મેમ્બર તરીકેના કાર્યકાળ દરમ્યાન ફેબ્રુઆરી ૧૮ માં મતદારયાદીના ફોર્મમાં સહી નહીં કરતા અનેક ફોર્મ રદ થયા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. જોકે, ABVP ને સીધો જ સવાલ કરતા કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે, ચૂંટણી કમિટીમાં ૩ સભ્યો હતા ગીરીન બક્ષી ઉપરાંત નવા EC મેમ્બરો પ્રવિણ પીંડોરીયા અને અરુણ ભીંડે !! હમણાં જૂન ૧૮ મા નવી મતદાર યાદી ફાઇનલ થઈ તેમાં ભાજપ સરકારે નીમેલ બે નવા EC મેમ્બરો પ્રવિણ પીંડોરીયા અને અરુણ ભીંડે એ સહી કરી છે. તો મતદારયાદી તૈયાર કરવા માટે જવાબદાર કોણ છે? પૂર્વ સેનેટ મેમ્બર દિપક ડાંગરે ન્યૂઝ4કચ્છને જણાવ્યું હતું કે તેમણે કાયદાકીય રીતે મતદારયાદીના ફેરફાર માટે મળેલી EC બેઠકને પડકારીને લેખિત પત્ર આપ્યો છે. દિપક ડાંગરના દાવા મુજબ ચૂંટણી નું જાહેરનામું પ્રસિદ્ધ થયાના ૨૫ દિવસ પહેલાંજ તૈયાર થયેલી મતદારયાદી માન્ય ગણાય છે, યુનિવર્સિટીના બંધારણ પ્રમાણે હવે EC ની બેઠકમાં મતદારયાદી અંગેનો કરાયેલો કોઈ સુધારો માન્ય નહીં રહે. જો બંધારણ વિરુદ્ધ કંઈ પણ ફેરફાર થશે તો પોતે કચ્છ યુનિવર્સિટીની ચૂંટણી સામે હાઇકોર્ટમાં રિટ દાખલ કરશે એવી ચીમકી લેખિતમાં કચ્છ યુનિવર્સિટી અને EC કાઉન્સિલને આપી હોવાનું દીપક ડાંગરે ન્યૂઝ4કચ્છને જણાવ્યું હતું. કાનૂની પ્રક્રિયાને કારણે સેનેટ ચૂંટણી રદ પણ થઈ શકે છે. જોકે, ચૂંટણી થશે કે નહીં તેની ચર્ચા વચ્ચે આક્રોશ સાથે દિપક ડાંગરે ABVP ના વિધાર્થી નેતાઓ ભાર્ગવ શાહ અને રામ ગઢવી સામે કોપી કેસ થયા હોવાનું તેમ જ રામ ગઢવી વિરુદ્ધ માંડવી કોલેજમાં પોલીસ કેસ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો.

ચૂંટણી થશે કે રદ થશે? કુલપતિ શુ કહે છે?

કોંગ્રેસી આગેવાનો દ્વારા મતદારયાદી સંદર્ભે થયેલા આક્ષેપો બાદ કુલપતિ સી. બી. જાડેજા એ કહ્યું હતું કે જે નવી મતદાર યાદી તૈયાર થઈ છે તે નવા બંને EC મેમ્બરોની સહી થી જ પ્રસિદ્ધ થઈ છે. ચૂંટણીના ૨૫ દિવસની અંદર મતદારયાદી માં ફેરફાર કરી શકાતો નથી તો પછી આ EC બેઠકનો શું અર્થ? શું હવે મતદારયાદી મા ફેરફાર નહીં થાય? એ સવાલોનો જવાબ આપતા કુલપતિ શ્રી જાડેજાએ કહ્યું હતું કે તેઓ કાયદાકીય રીતે કુલપતિ તરીકે ચૂંટણીની તારીખને લંબાવી શકે છે. એટલે જો ચૂંટણી ની તારીખ ૨૨ જુલાઈને બદલે લંબાઈ જાય તો સ્વાભાવિકપણે ૨૫ દિવસની મર્યાદા દૂર થઈ જાય.
કાયદો શું કહે છે એ તો, કાયદાના નિષ્ણાતો જ કહી શકે પણ અત્યારે તો કોંગ્રેસે નવું તીર છોડીને ABVP ને અવઢવમાં મૂકી દીધી છે. જો નિયત સમયમાં ચૂંટણી થાય તો ભાજપ સમર્થક સભ્યો સેનેટના ચૂંટણી જગમાં જીતી શકે એવી શક્યતા ખૂબ જ ઓછી છે, અને તારીખ લંબાય તો કાનૂની જંગ ની લટકતી તલવાર થકી સેનેટની ચૂંટણી હમણાં રદ પણ થઈ શકે છે અથવા તો લંબાઇ પણ શકે છે