Home Current કચ્છમાં સર્વત્ર મેઘરાજાનુ આગમન મુન્દ્રા બાદ ભુજ,પાવરપટ્ટી ભીંજાયા : અંજારના આંબાપરની સીમમાં...

કચ્છમાં સર્વત્ર મેઘરાજાનુ આગમન મુન્દ્રા બાદ ભુજ,પાવરપટ્ટી ભીંજાયા : અંજારના આંબાપરની સીમમાં મહિલા પર વીજ પડી

2853
SHARE
વરસાદની લાંબો સમય રાહ જોયા બાદ અંતે ગુજરાતની સાથે આજે કચ્છમાં પણ મેઘરાજાએ ધમાકેદાર અને લોકો માટે રાહતરૂપ એન્ટ્રી કરી હતી. આજે સવારે મુન્દ્રા સહિત આસપાસના ગામોમાં વરસાદે દસ્તક દીધી હતી. અને સવારે એક કલાકમાં 7 મી.મી જેટલો વરસાદ વરસ્યો હતો. તો બપોર બાદ ભુજ તાલુકાના વિવિધ ગામોમાં વરસાદે એન્ટ્રી કરી હતી. ભુજ સહિત માધાપર અને લાંખોદ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. તો બપોર બાદ ભુજમાં પણ ધીમીધારે ઠંડક રૂપ વરસાદ વરસ્યો હતો ભુજ તાલુકાના નિરોણા પાલનપુર અને બન્ની પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદની એન્ટ્રી થઇ છે. કોટડા જડોદરમાં પણ ઝાપટાં પડ્યાના અહેવાલ છે આજે કાળાડીંબાગ વાદળો સાથે ભીરડીંયારા,હોડકો, પાલનપુર, નિરોણા, ઝુરા તથા નરા સહિતના વિસ્તારોમાં કંચનરૂપી વરસાદ વરસ્યો હતો. જો કે ભુજ કન્ટ્રોલરૂમમાં આ અંગે ચોક્કસ વિગતો મળી શકી ન હતી. પરંતુ ઝાંપટાથી એક ઇંચ જેટલો વરસાદ બન્ની વિસ્તારમાં પડ્યો હોવાનુ સ્થાનીક લોકોએ જણાવ્યુ હતુ. જેથી પશુપાલકોમાં ખુશી ફેલાઇ છે. પશુઓ માટે પણ આશીર્વાદ રૂપ વરસાદ વરસ્યો છે. હાલ સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ છે. ત્યારે રાતના વધુ કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વર્ષે તેવી શક્યતા છે. છેલ્લા ઘણા સમયથી કચ્છની સાથે મુંબઇ વસતા કચ્છીઓ પણ વરસાદની રાહ જોઇ રહ્યા હતા ત્યારે અસહ્ય ઉકળાટ વચ્ચે આજે વરસાદે કચ્છમાં ઠંડક પ્રસરાવી છે.
તો કચ્છમા વરસાદી માહોલ વચ્ચે અંજારના આંબાપર ગામે સીમ વિસ્તારમા પાણીના બોર નજીક કામ કરતી એક મહિલા પર વિજળી પડી હતી જો કે સદ્દનશીબે તેણીને વધુ ઇજા પહોંચી ન હતી પરંતુ ભોગ બનનાર ગીતાબેન રબારી બેહોશ થઇ જતા તેને અંજારની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે આમ કચ્છમા વરસાદની પ્રથમ હેલી ખુશી સાથે આકાશી આફત લઇને પણ આવી હતી બનાવ સંદર્ભે અંજાર પોલિસ વધુ તપાસ કરશે