ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે પાર્ટીએ અંતે ભરત રાણાના નામ પર પસંદગી ની મહોર મારી છે. નવનિયુક્ત પ્રમુખ લતાબેન સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભા એજન્ડા અનુસાર ચાલશે કે નહીં તે વિશે પણ તર્ક વિતર્કો અને અફવાઓનો દોર શરૂ રહ્યો હતો. પણ, પ્રથમજ વાર સભા ચલાવી રહેલા લતાબેન સોલંકીની સાથે ઉપપ્રમુખ રામભાઈ ગઢવી, અને ચીફ ઓફિસર મેહુલ જોધપુરાએ સભાનું સંચાલન કર્યું હતું.
છેક છેલ્લી ઘડી સુધી સભામાં નવાજુની થશે એવી શક્યતા અને માહોલ હતો. લાંબા સમયબાદ પરાક્રમસિંહ જાડેજા અને હિતેશ માહેશ્વરીની હાજરી થી સભામાં રાજકીય ગરમાટો વર્તાતો હતો. સમય કરતાં સભા મોડી ચાલુ થઈ હતી અને વચ્ચે વચ્ચે રાજકીય કોમેન્ટ થતી રહી હતી. ગોદાવરીબેન ઠક્કર ભારે મૂડ માં હતા અને પ્રેસ ફોટોગ્રાફર તેમ જ કેમેરામેનને પોતાના ફોટા લઈ લેવા કહેતા હતા, પ્રમુખપદ સમયે તેમની નારાજગી વખતે તેમના ફોટા બરાબર ન બતાવાયા હોવાનું કહી ને તેમણે આ કોમેન્ટ કરી હતી. જોકે, સભા માં કોંગ્રેસી નગરસેવકોની ગફતેગુ અને ભાજપ વાળા સાથેની ચર્ચાએ પણ માહોલને ગરમ બનાવ્યો હતો. એક તબક્કે મતદાન થશે એવી અટકળો પણ થતી રહી હતી. સૌની નજર કારોબારીની વરણી ઉપર હતી લતાબેન સોલંકીએ ભરત રાણાનું નામ જાહેર કર્યું તે સાથેજ સૌએ સ્વીકારી લેતા બધી જ અટકળોનો અંત આવી ગયો હતો.