ભુજ નગરપાલિકામાં કારોબારી ચેરમેન ની વરણી એ ભુજ સહિત કચ્છભરમાં રાજકીય ઉત્તેજના સર્જી હતી. ભાજપના નગરસેવકો દ્વારા સહી ઝુંબેશને પગલે એક સમયે બળવાની સંભાવના પાર્ટી મિટિંગના બહિષ્કાર ને કારણે તેજ બની હતી. જોકે, બે દિવસ થી ચાલતા આ રાજકીય ડ્રામા માં છેક છેલ્લે સુધી ચડાવ ઉતાર આવ્યો હતો. ટોક ઓફ ધ પીપલ લોકચર્ચા નો વિષય બનેલા આ રાજકીય મુદ્દે ન્યૂઝ4કચ્છે અંદરની વાત આપના સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો છે.
કચ્છ ભાજપે બધાને અંધારામા રાખી ખેલ્યો રાજકીય દાવ
ભુજ પાલિકાના સભ્યોની પાર્ટીએ બોલાવેલી બેઠકમાં ભાજપના ૩૦ માંથી ૧૯ સભ્યોજ હાજર હતા. જ્યારે ૧૧ ગેરહાજર સભ્યો નારાજ જૂથ સાથે હતા. એટલે, કચ્છ ભાજપે કારોબારી ચેરમેનનું મેન્ડેટ આપવાના બદલે હાજર સભ્યો પાસે થી પાર્ટી નક્કી કરે તે ઉમેદવારને પોતે ટેકો આપશે તેવી સહી નગરસેવકો પાસેથી કરાવી. અને દૂધ દહીં માં પગ રાખનાર નગરસેવકો પાસેથી એવી વાત પહોંચાડી કે મતદાન થશે. એટલે નારાજ સભ્યો પણ નગરપલીકા આવી ગયા. અહીં કોંગ્રેસ સાથે પણ બન્ને જૂથનો સંપર્ક થતો રહ્યો. જોકે, છેક છેલ્લી ઘડીએ ભરત રાણાનું નામ જાહેર કરાયું. પાર્ટીએ આ દાવ ખેલ્યો તેની સાથે નારાજ નગરસેવકોના જૂથને એ એહસાસ પણ કરાવ્યો કે મતદાન થશે તો નારાજ નગરસેવકોનો બહુમતી માટે મુશ્કેલી થશે જરૂર પડ્યે પાર્ટી શિસ્તભંગ ના પગલા ભરે તેને બદલે વચ્ચેનું સમાધાન કરીએ. બસ, પાર્ટીનો આ દાવ સફળ થયો, ચેરમેન ભરત રાણા બન્યા, અન્ય દાવેદારો મહીદીપસિંહ જાડેજા, જગત વ્યાસ, અશોક પટેલ ઉપરાંત શૈલેન્દ્રસિંહ જાડેજા સહિત પ્રથમ જ વાર ૧૧ સભ્યોની કારોબારી બનાવી દીધી. બસ, પછી જે થયું તે સામે જ છે. ધારાસભ્ય નિમાબેન આચાર્યનું ધાર્યું થયું એવી ચર્ચા વચ્ચે ખરેખર કોનું ધાર્યું થયું? સહી ઝુંબેશ જિલ્લા પ્રમુખ પાસે રજુઆત સહિત કારોબારી ચેરમેનના દાવેદારોની આગેવાની લેનાર પરાક્રમસિંહ જાડેજા કહે છે, પાર્ટીનું ધાર્યું થયું. એમણે એમના જૂથના દાવેદારોનો કારોબારી સમિતિ માં સમાવેશ થયો હોવાની સાથે પ્રથમ જ વાર જમ્બો કારોબારી સમિતિ બની હોવાનું સ્વીકાર્યું હતું.
નિમાબેન ક્યાં હતા?
ભુજ નગરપાલિકામાં જ્યારે રાજકીય માહોલ ગરમ હતો અને નારાજ નગરસેવકો અને ધારાસભ્ય એમ બે જૂથ ની ચર્ચા ચાલતી હતી. ત્યારે નિમાબેન ભુજના સરકીટ હાઉસમાં હતા અને તેમના નજીકના બે મહિલા નગરસેવકો સાથે સતત મોબાઈલ ઉપર લાઈવ રહીને ગતિવિધિ જાણી રહ્યા હતા. જો ભાજપના આંતરિક સુત્રોનું માનીએ તો તેમણે જિલ્લા ભાજપ સાથે સંકલન મા રહીને સમાધાનનો ખેલ પાડી કારોબારી સમિતિ જમ્બો બનાવીને નારાજગી કે બળવા નું સુરસુરીયું કરી નાખ્યું. આમ જોઈએ તો ભરત રાણા ને કારોબારી ચેરમેન બનાવવવામાં એ સફળ રહ્યા. તો શૈલેન્દ્રસિંહ જાડેજાને ફરી કારોબારીમાં સમાવીને તેમણે રાજકીય રીતે એક કાંકરે અનેક નિશાન પાર પાડ્યા.
જમ્બો કારોબારીમાં કોણ?
(૧)ચેરમેન ભરત રાણા (૨) શૈલેન્દ્રસિંહ જાડેજા (૩)અજય ગઢવી (૪)મહીદીપસિંહ જાડેજા (૫)જગત વ્યાસ (૬)અશોક પટેલ (૭)ગોદાવરીબેન ઠક્કર (૮)કૌશલ મહેતા (૯)સહદેવસિંહ જાડેજા (૧૦)રેશ્માબેન ઝવેરી (૧૧)રાહુલ ગોર
આમ દરેકને ખુશ કરવાના આ પ્રયાસ પછી એ જોવું રહ્યું કે ભુજ માટે વાર્ષિક ૧૦૦ કરોડ ₹ નું બજેટ ધરાવતી ભુજ નગરપાલિકા તેના વહીવટ ઉપર લાગેલા ભ્રષ્ટાચારના દાગ ભુસવામાં સફળ રહે છે કે પછી …?
અન્ય સમિતિઓના ચેરમેન ના નામ આ મુજબ છે.
★સેનિટેશન સમિતિ ચેરમેન- અશોક પટેલ ★ વોટર સપ્લાય સમિતિ ચેરમેન- કૌશલ મહેતા ★ ડ્રેનેજ સમિતિ ચેરમેન- દિલીપ હડિયા ★ ટાઉનપ્લાનિંગ સમિતિ ચેરમેન- અજય ગઢવી ★ રોડલાઈટ સમિતિ ચેરમેન- મહીદીપસિંહ જાડેજા ★ સાંસ્કૃતિક સમિતિ ચેરપર્સન- ગોદાવરીબેન ઠક્કર ★રૂલ્સ એન્ડ બાયલોઝ સમિતિ ચેરપર્સન- રેશ્માબેન ઝવેરી ★ બાગ બગીચા સમિતિ ચેરપર્સન- મીનાબેન ચંદે ★ટેક્સ વસૂલાત સમિતિ ચેરમેન- સહદેવસિંહ જાડેજા ★ફાયર એન્ડ વોટર ટેન્કર સમિતિ ચેરમેન- કાસમભાઈ કુંભાર ★ટ્રાન્સપોર્ટ સમિતિ ચેરપર્સન-જિજ્ઞાબેન ઠક્કર ★શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ સમિતિ ચેરપર્સન- જાનકીબેન ભટ્ટ