કચ્છ યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી હવે વિવાદ અને રાજકીય ચર્ચાનો વિષય બની ચુકી છે. ૨૨ મી જુલાઈએ યોજાનારી ચૂંટણી પહેલા થયેલા શાહીકાંડ અને ધમાલ બાદ કોંગ્રેસ અને ABVP દ્વારા થયેલા નિવેદનોએ કચ્છ સહિત ગુજરાતના રાજકીય માહોલને ગરમ બનાવી દીધો છે. એક બાજુ EC ની બેઠકોનો દોર ચાલુ છે બીજી બાજુ સેનેટની ચૂંટણી હવે થશે કે નહીં તેની ચર્ચા છે. જોકે, ૪ થી જુલાઈ બુધવારે યોજાયેલી EC ની બેઠક બાદ કોંગ્રેસી આગેવાન અને પૂર્વ સેનેટ મેમ્બર રમેશ ગરવા, દિપક ડાંગર અને યુવા અગ્રણી યશપાલસિંહ જેઠવાએ એક સયુંકત નિવેદનમાં એવો આક્ષેપ કર્યો હતો કે EC ની બેઠકમાં સેનેટની ચૂંટણી રદ કરવાનો નિર્ણય લેવાયો છે. ખરેખર તો યુનિવર્સિટી લો અન્વયે EC ને સેનેટની ચૂંટણી રદ કરવાનો અધિકાર જ નથી. તો હવે શું થશે? કોંગ્રેસી નેતાઓના આક્ષેપ પ્રમાણે ચૂંટણી રદ્દ નહીં થાય? ન્યૂઝ4કચ્છે વિવાદીત મુદ્દે વધુ જાણવાનો પ્રયાસ કર્યો છે. આપ પણ આ માહિતી દ્વારા જાણો કે હવે શું થઈ શકે છે!!
૬ સભ્યોની સેનેટ ચૂંટણી હવે પોલીટીકલી હાઇપ્રોફાઇલ બની ગઈ છે
૨૨ મી જુલાઈએ યોજાનારી સેનેટની ચૂંટણી હવે રદ્દ કરાશે એવા આક્ષેપ સાથે કોંગ્રેસે હાઇકોર્ટના દ્વારે જવાની ચીમકી આપીને કેવીયેટ ની આગોતરી તૈયારી પણ કરી દીધી !!! કોંગ્રેસી નેતાઓની અખબારી યાદીઓએ હવે યુનિવર્સિટી ના માહોલને વધુ ગરમ બનાવી દીધો છે. ન્યૂઝ4કચ્છે EC બેઠક અને સેનેટની ચૂંટણી ના મુદ્દે VC સી.બી. જાડેજાનો સંપર્ક કર્યો હતો તેમણે બુધવારે યોજાયેલી EC બેઠકને સમર્થન આપતા કહ્યું હતું કે તેમાં નવા VC ની નિયુક્તિ અંગે સર્ચ કમીટીની રચના નો નિર્ણય કરાયો હતો. જોકે, ન્યૂઝ4કચ્છે ચૂંટણી રદ્દ કરવાની વાત અને સત્તા EC ને છે કે નહી? તે વિશે પૂછતાં તેમણે કબુલ્યું હતું કે EC ને સેનેટની ચૂંટણી રદ્દ કરવાની કોઈ સતા નથી. તો હવે શું થશે? ચૂંટણી રદ્દ કરવાના આક્ષેપો ખોટા છે? VC શ્રી જાડેજાએ કહ્યું કે હા ચૂંટણી રદ્દ થઈ શકે છે અને સેનેટની ચૂંટણી રદ્દ કરવાનો અધિકાર VC ની સાથે સરકારને છે. અત્યારે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, પ્રોફેસર સાથે શાહીકાંડ થયો, ગેરવર્તન થયું, શિક્ષણકાર્ય ને ક્યાંક ને ક્યાંક અસર થઈ રહી છે, પરિસ્થિતિ યોગ્ય નથી, કાયદો અને વ્યવસ્થાને અસર થઈ શકે છે, ત્યારે શિક્ષણના હિત મા સેનેટની ચૂંટણી ને લંબાવવાનો કે મોકૂફ રાખવાનો અધિકાર સરકારને છે. શાહીકાંડ બાદ ન્યૂઝ4કચ્છ સમક્ષ પ્રથમ જ વખત VC સી.બી. જાડેજા એ સેનેટની ચૂંટણી રદ્દ થઈ શકે છે તેવો સંકેત આપ્યો છે. જોકે, પૂર્વ સેનેટ મેમ્બર રમેશ ગરવા, દિપક ડાંગર અને યુવા અગ્રણી યશપાલસિંહ જેઠવાએ શાહીકાંડ ને પૂર્વ યોજીત કાવતરું ગણાવતા આક્ષેપ કર્યો હતો કે ABVP અને સરકારના ઈશારે કચ્છ યુનિવર્સિટી કામ કરી રહી છે. તેમણે સેનેટની ચૂંટણી રદ્દ થાય તો તેની સામે આગોતરી કાયદાકીય તૈયારી કરતા હવે આ મામલો વધુ ગરમાશે એવું લાગી રહ્યું છે. કાશ.. આ બધું જ કચ્છના શિક્ષણના હિત માટે થતું હોત તો..!!!