Home Current ફરી ‘દેશી ખારેક’નો ટેસ્ટ છવાઈ રહ્યો છે- આમ્રપાલી, દશેરી કેરીની સાથે કચ્છમાં...

ફરી ‘દેશી ખારેક’નો ટેસ્ટ છવાઈ રહ્યો છે- આમ્રપાલી, દશેરી કેરીની સાથે કચ્છમાં થઈ રહી છે સફળ ખેતી

3085
SHARE
મેરે કચ્છ કી ધરતી,ફરી દેશી ખારેકનો ‘ટેસ્ટ’ છવાયો-દશેરી,આમ્રપાલી-કેરી, ગુલાબ,સરગવાના ની લીલુડી ખેતી કચ્છી માડુ ભલેને ધરતીના કોઈ પણ ખૂણે રહેતો હોય આ સીઝનમાં તેને હમેંશા ‘કચ્છી મેવો’ ને યાદ આવશે જ,આ કચ્છી મેવો એટલે ગળચટા સ્વાદ સાથે લાલ,પીળી મનમોહી લેતી ‘ખારેક’ !! આજે વાત કરવી છે દેશી ખારેક અને તેની સાથે કચ્છના પ્રગતિશીલ ધરતીપુત્રોએ પોતાની મહેનત, લગન અને સમયની સાથે તાલ મેળવીને કરેલી હરિયાળી ક્રાંતિ ની

ફરી શા માટે વધી રહી છે દેશી ખારેકની ડિમાન્ડ

અત્યારે કચ્છ અને કચ્છ બહાર રહેતા કચ્છીઓ માં ઇઝરાઇલી ટીસ્યુ કલ્ચર વાળી બારાહી ખારેક નું બજાર છે. એક સમયે મુંદરા માંડવીના વાડી વિસ્તારોમાં થતી આપણી કચ્છી દેશી ખારેકની ભારે ડિમાન્ડ હતી. પણ સમયની સાથે તાલ મેળવતા ખેડૂતોએ એક્સલ કંપની દ્વારા સફળ રીતે બનાવાયેલા દેશી ખારેકના ટીસ્યુ કલચરના રોપાનું વાવેતર કર્યા બાદ ધીરે ધીરે દેશી ખારેકનો અસલી જુનો ટેસ્ટ ચાખવા મળી રહ્યો છે. કચ્છના યુવાન પ્રગતિશીલ ખેડૂત હરીશભાઈ વેકરીયા ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કહે છે કે હા, એ વાત ખરી છે કે, દેશી ખારેકનો ‘ટેસ્ટ’ ફરી છવાયો છે. ભુજ માંડવી રોડ ઉપર ધુણઇ નજીક ચુનડી પાસે ૭૦ થીયે વધુ એકરનું વિશાળ ફાર્મ ધરાવતા હરીશભાઈ કહે છે કે, દેશી ખારેકની ડિમાન્ડ વધી રહી છે,તેનું કારણ દેશી ખરેકના ટીસ્યુ કલ્ચર રોપાઓ છે. તેના કારણે ખારેકનો એક સરખો ફાલ ઉતરે છે અને ખારેક ખાનાર ને એક સરખો ટેસ્ટ ધરાવતી ખારેક ખાવા મળે છે. આપણી દેશી ખારેકની સારી જાત માં ઠળિયો નાનો અને ખારેકનું ગર વધુ અને મીઠુ હોઈ ખાનારને તેનો ટેસ્ટ દાઢે વળગી જાય છે. પોતાની વાડીમાં દેશી ટીસ્યુ ખારેકના ૩૫૦ ઝાડનું વાવેતર કરનાર હરીશભાઈ કહે છે કે સરેરાશ એક ઝાડ ૮૦ થી ૧૦૦ કિલોનું ઉત્પાદન આપે છે. સારી ક્વોલિટીની દેશી ટીસ્યુ ખારેકના ભાવ એક કિલોના ૧૦૦ ₹ થી માંડીને ૨૫૦ ₹ મળી રહે છે. તેની ડિમાન્ડ વધુ પડતી મુંબઈમાં છે,પણ ભુજ સહિત કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમા પણ કચ્છી ખારેક પુષ્કળ પ્રમાણમાં વેંચાઈ રહી છે.

સૂકી ધરતીમાં મહેકી રહ્યા છે ગુલાબ

ઓછો વરસાદ, રણ અને સૂકી વેરાન ધરતી ધરાવતા કચ્છમાં અનેક પ્રગતિશીલ ખેડૂતોએ પોતાની મહેનત અને દીર્ઘ દ્રષ્ટિ થી સૂકી ધરતીને લીલુડી બનાવી છે. મૂળે કોન્ટ્રાક્ટર એવા નારાણપર(ભુજ) ના હરીશભાઇ રામજીભાઈ વેકરીયા એવા જ એક પ્રગતિશીલ ખેડૂત છે. ભુજ માંડવી રોડ ઉપર ધુણઇ પાસે ચુનડી ગામ જવાના રસ્તે તેમનું ૭૦ એકરનું વિશાળ સૂર્યવંશી ફાર્મ આવેલું છે. ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા હરીશભાઈ વેકરીયા કહે છે કે, તેમના ફાર્મ મા તેમણે ખેતીની શરૂઆત ફૂલની ખેતી થી ગુલાબના વાવેતર દ્વારા કરી. તેમના ફાર્મ માં ગુલાબના ૪૦૦૦ જેટલા ઝાડ છે. આ ઉપરાંત તેમણે ઉત્તરપ્રદેશમાં થતી કેરીની જાત દશેરી તેમ જ આમ્રપાલીનું પણ સફળ વાવેતર કર્યું છે. આ કેરીની બંને જાતો ના ૫૦૦/૫૦૦ ઝાડ છે. સાડા ત્રણ વર્ષ થયા કેરીનો ફાલ ધીમે ધીમે આવી રહ્યો છે. હજી એક બે વર્ષમાં નિયમિત થઈ જશે. દશેરી અને આમ્રપાલી કેશર કેરી કરતા થોડી વહેલી બજારમાં આવે છે ઉપરાંત કચ્છમાં હવે પરપ્રાંતિય વસ્તી વધી છે એટલે તેમની ડિમાન્ડ રહે છે. તેની સાથે તેમણે પપૈયા, બોર અને સરગવાનું પણ સફળ વાવેતર કર્યું છે. ડ્રમસ્ટીક તરીકે જાણીતી સરગવાની સીંગ અને તેના પાન વગેરે આયુર્વેદિક રીતે શારીરિક સ્વાસ્થ્ય માટે સારા હોઈ તેની ડિમાન્ડ ઓલ ટાઈમ હાઈ રહે છે. સમયની સાથે તાલ મેળવીને ખેતી કરનારા પ્રગતિશીલ ખેડૂતોના કારણે ફરી એકવાર કચ્છની ધરતીની મહેંક ચારે તરફ પ્રસરી રહી છે.