Home Current ભુજમાં ગાયો માટેની ‘જેલ’ : બંદીવાન ગાયો ઘાસચારા માટે લાચાર

ભુજમાં ગાયો માટેની ‘જેલ’ : બંદીવાન ગાયો ઘાસચારા માટે લાચાર

1735
SHARE
આપણે આપણા નેતાઓને શા માટે ચૂંટયા હતા? જોકે, ચૂંટાયા પછી એ નેતાઓ તો પોતાના વાયદા ભૂલી ગયા, પણ આપણે બધાયે એવા ‘ચૂપ’ થઈ ગયા છીએ કે એ નેતાઓને સાચું કહેતા પણ અચકાઈએ છીએ. વાત રાજયમંત્રી,સાંસદ કે ધારાસભ્યને કહેવાની હોય તો આપણે અચકાઈએ એ તો સમજ્યા પણ આપણા નગરસેવકોને પણ આપણે સાચું કહેતા જાણે ગભરાઈએ છીએ. આકરા શબ્દોમાં આ લખવાનું કારણ છે ભુજનગરપાલિકાના ઢોરવાડામાં ઘાસ માટે તડપતી ગૌમાતાઓની કરુણ હાલત!!

આંખોમાં લાચારી, પેટમાં ભૂખ સાથેની મૂંગી વેદના

ભુજની આરટીઓ રિલોકેશન સાઈટ પાસે ફાયર સ્ટેશન પાછળ ભુજ નગરપાલિકાએ રખડતા ઢોરો ને પકડયા પછી રાખવા માત્ર ઢોરવાડો બનાવ્યો છે. પણ ત્યાં છેલ્લા પાંચ દિવસ થયા ચારો પહોંચતો જ નથી. ન્યૂઝ4કચ્છે આજે એ ઢોરવાડા ની મુલાકાત લીધી ત્યારે ત્યાં ગૌમાતાઓ ની પરિસ્થિતિ ખૂબ જ કરુણ હતી. ત્યાં કુલ ૯૪ જેટલી ગાયો અને ગૌવંશ છે. પણ આ મૂંગા જીવો માટે ઘાસના નામે બપોરે માત્ર ૬૦ જેટલા લીલા ઘાસના પૂળા અપાય છે. એક ગાય ને માત્ર અડધો કિલો થી એક કિલો જેટલું લીલું ઘાસ માંડ ખાવા મળે. જ્યારે સુકું ઘાસ પાંચ દિવસ થયા અહીં આપવાનું બંધ છે. એક એક ગાયને લીલો અને સૂકો એ બન્ને મળીને ઓછમાં ઓછો ૧૫ કિલો જેટલો ચારો તો જોઈએ પણ તેના બદલે માત્ર અડધો કિલો ચારા થી શું થાય. ત્યાં મુંગા પશુઓની હાલત જોઈ અમે પણ દ્રવી ઉઠ્યા. જાણકારી મુજબ છેલ્લા એક મહિનામાં પાંચ ગાયો ના મોત થઈ ચૂક્યા છે. જે ગાયો ના નામે દેશભરમાં ભાજપ ગૌરક્ષાની ચર્ચા છેડે છે એ જ ભાજપ શાસિત ભુજ નગરપાલિકામાં ગૌમાતા ની હાલત ખૂબ જ કરુણ અને દયનીય છે.

ગાયો નું ઘાસ બે પગવાળા આખલાઓ ચરી જાય છે?

એવું નથી કે ભુજ નગરપાલિકા પાસે બજેટ નથી. દર ત્રણ મહિને યોજાતી સામાન્ય સભાના ઠરાવો જોઈશું તો ગાયો ના ઘાસચારા માટે મંજુર કરેલી રકમનો આંકડો લાખો માં પહોંચે છે. પરંતુ કાગળ ઉપર ફાળવાતું ઘાસ ગૌમાતાઓ ના મોઢા સુધી કે પેટમાં પહોંચતું નથી. કારણકે, વારંવાર અહીં આવી જ હાલત હોય છે. ત્યાંના સુપરવાઈઝર પ્રવિણ ભાનુશાલી ત્યાં રૂબરૂ તો મળ્યા નહીં પણ ફોન પર તેમણે ન્યૂઝ4કચ્છ પાસે કબુલ્યું કે હા, અત્યારે માત્ર ૬૦ પૂળા જ લીલો ચારો અપાય છે. તે અપૂરતો છે. પાંચ દિવસ થયા સુકું ઘાસ આવતું નથી અને એક મહિનામાં પાંચ ગાયોના મોત થયા છે. જોકે, ઘાસચારાનું કોઈ રજીસ્ટર ત્યાં નિભાવાતું નથી. ત્યાં ઘાસચારાના બિલોની પણ કોઈ નોંધ નથી. આ તો વાત પાંચ દિવસની છે તો આથી પહેલા કેવી હાલત હશે? અહીં રખડતા પશુઓ હોય છે એટલે બધું જ લોલમલોલ ચાલે છે. જ્યાં આપણે નગરસેવકોની સાચું કહેતા અચકાઈએ છીએ ત્યાં મૂંગા પશુઓ કોને ફરિયાદ કરે? પાલિકાના વર્તુળોનું માનીએ તો ઘાસચારાનું ટેન્ડર એક હોદ્દેદાર પાસે છે જો કયારેક કોઈ જાગૃત જીવદયાપ્રેમી દ્વારા આક્રોશ વ્યક્ત થાય ત્યારે ઘાસચારો પહોંચી જાય. આથી પહેલાના પાલિકાના શાસકો ભ્રષ્ટાચાર માં એટલા બધા વગોવાયા હતા કે અહીં ઘાસચારો મોકલતા દાતાઓએ પણ ઘાસ મોકલવાનું બંધ કરી દીધું છે. કયારેક કોઈના હૃદય માં રામ વસે તો ઘાસચારો મોકલાવી દે છે. કડવી વાસ્તવિકતા તો એ છે કે, આ ઢોરવાડો ગાયો માટે ‘જેલ’ બન્યો છે. જ્યાં બંદીવાન બનેલી ગૌમાતાઓ ની આંખમાં લાચારી છે, પેટ માં ભૂખ છે. આ ગાયો અને ગૌવંશ રખડતા અને મોટેભાગે નધણીયાતી હોઈ તેમની દયનીય હાલત વિશે કોણ ફરિયાદ કરે? તેમનો છુટકારો જેલ બનેલા આ ઢોરવાડા માંથી કોણ કરાવે?વાર્ષિક ૧૦૦ કરોડનું બજેટ ધરાવતી ભુજ નગરપાલિકા માં ઢોરવાડા ની ગાયો માટેનું ઘાસ ક્યા બે પગવાળા આંખલાઓ ચરી જાય છે? આ ઢોરવાડાની મુલાકાત રાજ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય, નવા વરાયેલા પ્રમુખ એકવાર મુલાકાત લેશે ખરા?