Home Current મગફળીકાંડ:ગાંધીધામમાં પરેશ ધાનાણી ના ધરણા-મંજૂરી મુદ્દે ભાજપ સરકાર ભીંસમાં?

મગફળીકાંડ:ગાંધીધામમાં પરેશ ધાનાણી ના ધરણા-મંજૂરી મુદ્દે ભાજપ સરકાર ભીંસમાં?

1594
SHARE
સમગ્ર રાજ્યમાં અત્યારે મગફળી કૌભાંડ ચર્ચામાં છે. ત્યારે આજે કચ્છના ગાંધીધામ માં વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી એ ધરણા કરીને કચ્છમાં બનેલા મગફળીકાંડ સામે વિરોધ વ્યક્ત કરી રાજ્ય સરકાર સામે લડત છેડી હતી. અહીં ગાંધીધામ માં આવેલા ખાનગી ગોડાઉનો માં સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો પાસેથી રાજ્ય સરકારે ખરીદેલ ૧૨ કરોડ રૂપિયાનો મગફળીનો ૬૨ હજાર ગુણીનો જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. ગત જાન્યુઆરી માં ૭ મહિના પહેલા બનેલા આગના આ બનાવનો FSL રિપોર્ટ ગઈકાલે આવ્યો હતો,તેનો ઉલ્લેખ કરતા પરેશ ધાનાણીએ અહીં ગાંધીધામમાં ૬૫ જેટલા ગોડાઉનોમાં રખાયેલ મગફળીનો જથ્થો હોય કે રાજ્યના ૨૭૦ જેટલા ગોડાઉનોમાં સંગ્રહ કરાયેલ મગફળીનો જથ્થો હોય તે તમામ મગફળીના જથ્થાનું કુલ કૌભાંડ ૪૦૦૦ કરોડ રૂપિયાનું હોવાનો આક્ષેપ કરીને રાજ્યની ભાજપ સરકાર ઉપર ભ્રષ્ટાચારનું આરોપનામું મુક્યું હતું. ગાંધીધામમાં જ્યાં આગ લાગી હતી તે જ ગોડાઉન ની સામે કરેલા ધરણા દરમ્યાન રૂબરૂ મુલાકાત લેવાનો આગ્રહ રખાતાં પૂર્વ કચ્છમા ડીએસપી પરીક્ષિતા રાઠોડે સખત શબ્દો માં ના પાડતા એક તબક્કે સહેજ ઘર્ષણ થશે એવી દહેશત સર્જાઈ હતી. તો, બીજી બાજુ પરેશ ધાનાણી એ આક્ષેપ કર્યો હતો કે આજે પણ ગાંધીધામના મગફળી ના ગોડાઉનમાં ધૂળ અને ઢેફા છે તેથી ભીંસમાં મુકાયેલ ભાજપ સરકાર મંજૂરી આપતા ડરે છે. પરેશ ધાનાણી એ જેતપુર ના પેઢલા અને જામજોધપુર સહકારી મંડળી દ્વારા આચરાયેલ કૌભાંડનો સતત ઉલ્લેખ કરી ગાંધીધામ સહિત સમગ્ર રાજ્યમાં થયેલા મગફળી કૌભાંડ માં ભાજપ ના કાર્યકરો અને મોટા નેતાઓ સંડોવાયેલા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે ધરણા શરૂ કર્યા બાદ સરકારે ૨૮ લોકો ની ધરપકડ કરી પણ એ તમામ નાના માછલાઓ છે પણ મોટા મગરમચ્છ હજીયે ખુલ્લા ફરે છે, તેઓ જ્યાં સુધી નહીં પકડાય ત્યાં સુધી કોંગ્રેસ રાજ્યની ભાજપ સરકાર સામે લડત ચાલુ રાખશે એવો પડકાર પરેશ ધાનાણી એ ફેંક્યો હતો.આ ધરણા કાર્યક્રમમાં કચ્છ કોંગ્રેસ ના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, વિસાવદરના ધારાસભ્ય વસંત રાબડીયા, કોંગ્રેસના આગેવાનો ઉષાબેન ઠક્કર, જુમા રાયમા, તુલસી સુજાન, આદમ ચાકી, શૈલેન્દ્રસિંહ જાડેજા, વી. કે. હુંબલ, નરેશ મહેશ્વરી, નવલસિંહ જાડેજા, સમીપ જોશી, લતીફ ખલીફા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સમયસર સવારે ૯/૩૦ વાગ્યે ધરણા શરૂ કરી દીધા હતા. પણ, તે દરમ્યાન બપોર સુધીમાં કચ્છ કોંગ્રેસના બન્ને ધારાસભ્યો સંતોકબેન પટેલ અને પ્રદ્યુમ્નસિંહ જાડેજા ની ગેરહાજરી આંખે વળગી હતી. જોકે, સંતોક બેન ની જગ્યાએ તેમના પતિદેવ ભચુભાઈ આરેઠીયા એ હાજરી આપી હતી.તો, કોંગ્રેસના કાર્યકરો કરતા પોલીસની સંખ્યા વધુ હતી. કાર્યક્રમની વ્યવસ્થા ચેતન જોશી, અંજલી ગોર, ઘનશ્યામસિંહ ભાટી, અશરફશા સૈયદે સંભાળી હતી.