Home Current લખપતમાં ઘાસડેપો શરૂ તો કરાયાં પણ ઘાસ ક્યાં? વિવેકાનંદ યુવા કેન્દ્ર એ...

લખપતમાં ઘાસડેપો શરૂ તો કરાયાં પણ ઘાસ ક્યાં? વિવેકાનંદ યુવા કેન્દ્ર એ માંગી વાસણભાઇ, પ્રભારીમંત્રી અને મુખ્યમંત્રી ની મદદ

1192
SHARE
વરસાદ ના અભાવે કચ્છના સરહદી તાલુકાઓ ઘાસ અને પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં પ્રજાકીય પ્રતિનિધિઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓ પોતપોતાની રીતે રજુઆત કરી રહ્યા છે. સરકાર ની સુચનાને પગલે વહીવટીતંત્રએ કચ્છમા ઘાસડેપો શરૂ કરી દીધા છે. પણ, વાસ્તવિકતા એ છે કે મોટાભાગના ઘાસડેપોમાં ઘાસનો સ્ટોક નથી. ત્યારે લખપત તાલુકામાં પ્રવર્તમાન અછત ની પરિસ્થિતિ ને ધ્યાને લઈ રાહતદરે તાત્કાલિક ઘાસ વિતરણ કરવામાં આવે તેવી રજૂઆત કચ્છ જિલ્લા વિવેકાનંદ યુવા કેન્દ્રના પ્રમુખ જયેશદાન ગઢવી દ્વારા મુખ્યમંત્રી શ્રી ના કાર્યાલય, તેમજ મંત્રીશ્રી વાસણભાઈ આહિર, પ્રભારી મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોર, રાહત કમિશનર વગેરે ને ગાંધીનગર ખાતે રૂબરૂમાં કરવામાં આવી હતી.
જયેશદાન ગઢવી દ્વારા કરવામાં આવેલ રજૂઆત અનુસાર ગત વર્ષના ઓછા વરસાદ તથા વર્તમાન વરસના સુકા દુષ્કાળની સ્થિતિમાં લખપતના પશુપાલકો ની હાલત કફોડી બની છે. લખપત તાલુકો રાજ્યનો સૌથી ઓછા વરસાદ વાળો તાલુકો છે, તાલુકામાં ક્યાંય પણ પશુઓ માટે ચારાનું વાવેતર થતું નથી, તેમજ સમગ્ર કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિ હોવાથી લખપત ના પશુપાલકો 80 કિલો વજનની સુકા ઘાસ ની ગાંસડી ના 1800 થી 1900 રૂપિયા ચુકવવા મજબૂર બન્યા છે.
લખપત મા 90000(નેવું હજાર) જેટલા પશુઓ નોંધાયા છે. તથા લખપત મામલતદાર કચેરી દ્વારા સાત હજાર જેટલા ઘાસકાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે. પરંતુ મંજૂર થયેલા નવ ઘાસ ડેપોમાં ઘાસ ન આવવાથી લોકોમાં આપસી સંઘર્ષની ઘટનાઓ બની રહી છે.
ત્યારે લખપતમાં મંજૂર થયેલા નવે નવ ઘાસડેપો પર તાત્કાલિક ઘાસ પુરૂં પાડવામાં આવે તથા જરૂર જણાય તો વધુ ઘાસડેપો મંજૂર કરી લખપત ના પશુપાલકોની તકલીફ નિવારવામા આવે તેવી રજૂઆત રૂબરૂ કરાઈ હતી. રાજ્યના મંત્રી વાસણભાઈ આહિરે વિવેકાનંદ યુવા કેન્દ્રની રજૂઆતની ગંભીરતા ને ધ્યાને લઈ કલેકટર કચેરી કચ્છ નો સંપર્ક કરી તાત્કાલિક અસરથી લખપતના ઘાસડેપો પર ઘાસ પુરૂં પાડવા સુચના આપી હતી. જ્યારે કચ્છના પ્રભારી મંત્રી દિલીપભાઈ ઠાકોરે સરકાર વતી ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે તથા કચ્છની ઘાસની જરૂરિયાત ને પહોંચી વળવા માટે રેલવે ની રેક દ્વારા ઘાસ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી છે. આ રજૂઆત દરમ્યાન જયેશદાન ગઢવી સાથે પશુપાલક અગ્રણી વિક્રમસિંહ જાડેજા પુનરાજપર તથા હારૂન સોઢા લખપત સાથે રહ્યા હતા. વરસાદ ખેંચાયો છે તેના પરિણામે ગાયો ના ઘાસચારાની પરિસ્થિતિ વિકટ બની છે.દરમ્યાન ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જયેશદાન ગઢવીએ જણાવ્યું હતું કે સતત રજુઆત પછી છેલ્લા બે દિવસમાં લખપત ના એકાદ બે ઘાસડેપોમાં બે ચાર ઘાસ ની ગાડીઓ પહોચી છે. પરંતુ, પરિસ્થિતિ વધુ ગંભીર હોઈ સરકાર, પ્રજાકીય પ્રતિનિધિઓ, વહીવટીતંત્ર, સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને હકારાત્મક અભિગમ સાથે કામ કરશે તો જ પશુધન માટેની ઘાસચારાની સમસ્યા હલ થશે.