Home Current મંગળવારે માંડવી ના કાંઠાળ વિસ્તારમાં સુનામીની સાવચેતીની કવાયત : લોકોનું સ્થળાંતર કરાશે

મંગળવારે માંડવી ના કાંઠાળ વિસ્તારમાં સુનામીની સાવચેતીની કવાયત : લોકોનું સ્થળાંતર કરાશે

15972
SHARE
કચ્છ જિલ્લાના અને જામનગર જિલ્લાના બે ગામોમાં સુનામીની કુદરતી આફત સામે રાહત બચાવની કામગીરીના મહાવરાની ભાગદોડ જોવા મળશે. આ મોક ડ્રીલ દરમિયાન સુનામી અર્લી વોર્નિંગ સીસ્ટમ(ITEWC) અને ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફર્મેશન સીસ્ટમ, હૈદરાબાદ ભેગા મળીને સુનામીની સંભાવના અંગે દેશના કોસ્ટલ લાઈનનાં રાજ્યો તથા અન્ય દેશોને જાણકારી પણ આપશે. આ મોક ડ્રીલ માટે કચ્છના માંડવી તાલુકાના મસ્કા અને જનકપુર તેમજ જામનગર જીલ્લાના બે ગામ દિગ્વિજયગ્રામ અને બાલાચડીની પસંદગી કરવામાં આવી છે.
મોક ડ્રીલના ભાગરૂપે આશરે ૧૭૦૦ લોકોને આ ગામોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવશે. આ દરમિયાન રાજ્ય સરકારના સબંધિત વિભાગો અને સરકારી સંસ્થાઓને તથા લશ્કરી દળોને સાંકળીને કામ કરવામાં આવશે અને વધુને વધુ લોકોને ઝડપથી બચાવી શકાય તે માટે પ્રયત્નો કરવામાં આવશે. આ મોક ડ્રીલ ભવિષ્યમાં કુદરતી આફત સમયે તંત્રની સતર્કતા અને સબંધિત એજન્સીઓની તૈયારીને તથા સ્થાનિક લોકોની તૈયારીને વધુ સુદ્રઢ બનાવશે. સાથે સાથે સરકારના વિવિધ વિભાગો અને એજન્સીઓ વચ્ચે તાલમેલ વધશે. સુનામી જેવી કુદરતી આફત સમયે અગાઉથી તૈયારી કરવી ખુબ જરૂરી હોય છે તેથી આ મોક ડ્રીલ ભવિષ્યમાં સુનામી સમયે ત્વરિત નિર્ણય લેવામાં મદદરૂપ બની રહેશે. મોકડ્રીલ પુરી થશે એટલે સ્થળાંતર કરાયેલા લોકો ફરી પૂર્વવત તેમના ગામ માં પરત ફરશે.

મંગળવાર ૪ સપ્ટેમ્બરે સવારે ૧૧/૩૦ વાગ્યે શરૂ થશે કવાયત..

ઈન્ડિયન ઓસન રીજીયનના ત્રણ દેશો ઓસ્ટ્રેલિયા, ઈન્ડિયા અને ઈન્ડોનેશિયા વારાફરથી આ સુનામી મોકડ્રીલ એક્સરસાઈઝ યોજશે. ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓસન ઈન્ફર્મેશન સર્વિસ (INCOIS)ખાતે સ્થાપિત ઈન્ડિયન સુનામી અરલી વોર્નંગ સિસ્ટમ (ITEWS) MHA, NDMA, NDRF, નેવી, એર ફોર્સ, કોસ્ટ ગાર્ડ્સ, રાજ્ય અને જિલ્લા વહીવટી સ્તરના સ્ટેક હોલ્ડર સૌ સાથે મળીને આ એક્સરસાઈઝનું સંકલન કરશે. તા. ૪ અને ૫ સપ્ટેમ્બર એમ બે દિવસીય કવાયતમાં પ્રથમ દિવસે નોર્થ- વેસ્ટર્ન ઈન્ડિયન ઓસન (ઉત્તર પશ્ચિમી હિંદ મહાસાગર ) અને બીજા દિવસે ઈસ્ટર્ન ઈન્ડિયન ઓસન રીજન (પૂર્વીય હિંદ મહાસાગર) ખાતે એક્સરસાઈઝનું આયોજન હાથ ધરવામાં આવશે. 4 સપ્ટેમ્બર 2018 ના રોજ સવારે ગુજરાતમાં 11:30 વાગ્યે આ મોકડ્રીલ શરૂ થશે. ગુજરાતના વેસ્ટર્ન કોસ્ટ દ્વારા મક્રાનની ખાડીપદ્ધતિને અનુસરીને મોકડ્રીલ યોજાશે.
આ ઈન્ડિયન ઓસન વાઈડ એક્સરસાઈઝ યોજવાનો મુખ્ય હેતુ વોર્નિંગ ડિસેમિનેશન સિસ્ટમ (ચેતવણી પ્રસરણ પ્રણાલી) ની અસરકારકતાનું મૂલ્યાંકન અને સુધારણા, સુનામી સજ્જતા વધારવી, પ્રતિભાવ ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવું અને સંકલનને સુધારવા માટે છે. આ એક્સરસાઈઝ યોજવાનો હેતુ સ્થાનિક દરિયાઈ સમુદાય સ્તરે પ્રાથમિક ધ્યેય કેન્દ્રિત કરવાની સાથે સુનામી ચેતવણી અને પ્રતિક્રિયા સાંકળના તમામ સ્તરોનો ઉપયોગ કરવાનો છે. આ કવાયત દરમિયાન ઈન્ડિયન ઓસન વેવ 2018 (IOWave 18) થી ઈન્ડિયન ઓસન દેશોની સરકારોમાં સુનામી અંગેની ચેતવણી અંગે જાણકારી પ્રાપ્ત થશે જેથી કરીને ઝડપથી નિર્ણયો લેવામાં સરળતા રહેશે.

જાણો ૧૯૪૫ માં કંડલા માં આવી હતી સુનામી..

ગુજરાત વિશાળ દરિયાકિનારો ધરાવે છે જેથી કરીને સુનામીનું જોખમ વિશેષ રહેલું છે એટલું જ નહીં, અરબી સમુદ્રની નજીક અને ઓફશોર સબમરીન ભૂકંપની ઘટનાઓની સંભાવના વધારે રહેલી છે. ભૂતકાળમાં, ઇરાનના મકરાન સાથે જોડાયેલી ફોલ્ટ લાઈનમાં ભૂકંપને કારણે વર્ષ – 1945માં કંડલાના કિનારે સુનામીના કારણે 12 મીટર ઊંચાઈ સુધી મોજા ઉછળ્યા હતા. ૧૯૪૫માં કંડલા બંદરે ૧૨ મીટર ઊંચા સુનામીના મોજા આવ્યા હતા.ગુજરાતમાં કચ્છ, જામનગર, પોરબંદર, ભરૂચ, ભાવનગર, સુરત નવસારી અને વલસાડ જીલ્લાના ગામોનો સમાવેશ સુનામી સંભવિત વિસ્તારોમાં થાય છે.
મહત્વની વાત એ છે કે, વર્ષ ૨૦૦૪માં હિન્દ મહાસાગરમાં આવેલ સુનામી અને ત્યારબાદની ઘટનાઓએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું અને આ પ્રકારની અન્ય આફતો માટે તૈયારી કરવા માટેની વ્યવસ્થા ઉભી કરવાની જરૂરીયાત જણાઈ. આ મોક ડ્રીલ દ્વારા ભવિષ્યમાં સુનામી સમયે અગાઉથી કઈ રીતે તૈયારી કરવી તેની જાણકારી મળી રહેશે.