રાજાશાહી ના સમય માં કચ્છ નું માંડવી બંદર દરિયાઈ વ્યાપારમાં નંબર વન હતું. ત્યાર બાદ દેશની આઝાદી પછી અસ્તિત્વમાં આવેલા કચ્છનું મહાબંદર કંડલા જે અત્યારે દિનદયાલ પોર્ટ તરીકે જાણીતું છે તેનો દેશના દરિયાઈ વ્યાપારમાં દબદબો રહ્યો છે. હાલે પુરા થયેલા એપ્રિલ થી જૂન ૨૦૧૮ ના ત્રિમાસિક સમયગાળા દરમ્યાન દીનદયાલ પોર્ટને સૌથી વધુ બલ્ક કારગો હેન્ડલ કરવા બદલ શ્રેષ્ઠ વ્યાપાર નો નંબર વન ‘માલા’ એવોર્ડ અર્પણ કરાયો છે. દરિયાઈ વ્યાપાર ક્ષેત્રે મેરીટાઇમ એન્ડ લોજીસ્ટીક ‘માલા’ તરીકે જાણીતો આ એવોર્ડ એક ખાનગી કંપની દ્વારા અપાય છે. પણ, તે મેળવવા અલગ અલગ ૪૦ જેટલી કેટેગરી માં થી પસાર થવું પડે છે. ગત શુક્રવારે મુંબઈ માં યોજાયેલા ભવ્ય સમારોહ મા દેશના ટોચના આયાત નિકાસકારો, શીપીંગ ઉદ્યોગના મહારથીઓ, ઉદ્યોગકારો અને દેશના અન્ય મહાબંદરો ના અધિકારીઓ ની ઉપસ્થિતિ મા દીનદયાલ પોર્ટ ના ઇન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયા અને બિઝનેસ પ્રમોશન સેલ ના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણી એ ‘માલા એવોર્ડ’ સ્વીકાર્યો હતો. દિનદયાલ પોર્ટે એપ્રિલ ના ત્રણ મહિના ના ક્વાર્ટર મા ૫૬.૮૧ લાખ મેટ્રીક ટન બલ્ક કારગોની હેરફેર કંડલા બંદર અને વાડીનાર બંદર મધ્યે કરી હતી. જોકે, જુલાઈ ૨૦૧૮ થી અત્યાર સુધીના દ્વિતીય ત્રિમાસિક કવાર્ટર મા પણ દીનદયાલ પોર્ટ ની વિકાસ કૂચ જારી છે.