આમ તો અત્યારથી જ રાજકીય પક્ષો ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી ની અત્યારથી જ તૈયારીઓ કરી રહ્યા છે. તો લોકો માં પણ એ ઉત્તેજના છે કે ૨૦૧૯ મા શું થશે? પણ, મહત્વનો મુદ્દો એ છે કોણ આગળ રહેશે અને કોણ પાછળ રહેશે એની વાતો વચ્ચે લોકો પોતે મતદાન કરી શકશે કે નહીં તે અંગેની જાણકારી દાખવવાનું જ ભૂલી જાય છે. પરિણામે ચૂંટણી દરમ્યાન ઘણીવાર પોતાનું નામ મતદારયાદી મા નહીં હોવાની, આખેઆખી મતદાર યાદી માં ભૂલ હોવાની ફરિયાદ થતી રહે છે. પણ, જો હવે આગામી ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી માં તમે મતદાન કરવા માંગતા હો તો આટલી જાગૃતિ દાખવજો. તો, દેશના એક જાગૃત નાગરિક તરીકે આપ બંધારણીય અધિકાર તરીકે આપણાં લોકપ્રતિનિધિ ને ચૂંટી શકશો. ૨૦૧૯ ની આવનારી લોકસભાની ચૂંટણી ને અનુલક્ષીને કચ્છ જિલ્લા વહીવટીતંત્ર એ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કલેકટર રેમ્યા મોહને ખાસ મીડીયા સાથે બેઠક યોજી ને જણાવ્યું હતું કે ચૂંટણી પંચે દ્વારા લોકસભાની ચૂંટણી ને અનુલક્ષીને આ વર્ષને ‘એસેસીબલ ઇલેક્શન’ વર્ષ જાહેર કર્યું છે. જેનો ઉદ્દેશ્ય એ છે કે ૧૮ વર્ષથી ઉપરનો દેશનો દરેક નાગરિક મતદાન કરી પોતાના મતાધિકાર નો ઉપયોગ કરે.
મતદારયાદી મા નામ દાખલ કરવાની, ફેરફાર કરવાની છેલ્લી તક
કલેકટર રેમ્યા મોહને તમામ મતદારો તેમ જ મતદાર યાદી મા અધુરાશ હોય , નવા ફેરફાર કરવાના હોય તેવા મતદારો અને ૧૮ વર્ષની ઉપરના તમામ યુવાઓને અપીલ કરી છે કે કચ્છ જિલ્લામાં મતદાર યાદી સંબધિત કામગીરી તારીખ ૧/૯ થી શરૂ થઈ ગઈ છે. નવી મતદારયાદી ૧/૯/૧૮ ના પ્રસિદ્ધ થઈ ગઈ છે. જે ઓનલાઈન http://ceo.gujarat.gov.in પર જોઈ શકાશે. પોતાનું નામ ચેક કરવા માટે જો મતદારો પોતાની અટક, નામ અને પિતાના ના નામના પ્રથમ બે થી ત્રણ બ્લોક વર્ડ્સ મુકશે તો ઝડપભેર તેમનું નામ શોધી શકશે. આ સિવાય 1950 નંબરની હેલ્પલાઇન દ્વારા પણ મતદારો પોતાના નામની ખરાઈ કરી શકશે. જોકે, દરેક મતદાન બુથ દીઠ પણ મતદાર યાદી અંગેનો કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાશે. એટલે છેક મતદારના ઘર આંગણે મતદાર યાદી સંબધિત કાર્ય થઈ શકશે. તારીખ ૧૬/૯ રવિવાર, તારીખ ૩૦/૯ રવિવાર અને તારીખ ૧૪/૧૦ રવિવાર એ ત્રણ દિવસ દરમ્યાન દરેક મતદાન મથક ઉપર BLO રૂબરૂ મળશે. જેમની પાસે મતદાર પોતાનું નામ ચેક કરી શકશે, જો મતદારના નામ માં કોઈ ફેરફાર હોય તો ફોર્મ ૮, જો રહેવાનો વિસ્તાર બદલ્યો હોય તો ફોર્મ ૮ ક, નામ કમી કરાવવું હોય તો ફોર્મ ૭ અને જો નવું નામ દાખલ કરાવવું હોય તો ફોર્મ ૬ મેળવી તેમાં જરૂરી માહિતી ભરીને મતદાર ની નજીકના જ મતદાન મથક ઉપર BLO પાસે રૂબરૂ ફેરફાર કરી શકાશે. આ ૧૪/૧૦/૧૮ રવિવાર એ મતદાર યાદી ના ફેરફાર માટેની અંતિમ તક હશે. જોકે, તે સિવાય દરેક તાલુકાની મામલતદાર કચેરીઓ ની ચૂંટણી શાખામાં તારીખ/૧/૯/૧૮ થી મતદાર યાદી સંબધિત ફેરફારની કામગીરી શરૂ થઈ ગઈ છે જે તારીખ ૧૫/૧૦/૧૮ સુધી ચાલશે. આમ, ૧૫ મી ઓક્ટોબર સુધી મતદારો જાગૃત થઈને પોતાની મતદાર કાર્ડ સંબધિત મુશ્કેલી નો ઉકેલ લાવી શકશે. કચ્છમાં રાપર વિસ્તારમાં મહિલા મતદારો વધુ જાગૃત બને, ૧૮ વર્ષ પુરા કરનારા યુવા મતદારો મતદાર કાર્ડ મેળવી લે અને ખાસ કરીને ૩૦ વર્ષથી ઉપરની વયની પરિણિત મહિલાઓ જે પોતાના પતિ ના નામ અને જ્યાં તે રહેતી હોય એ સાસરિયા ના સ્થળના સરનામાં વાળું મતદાર કાર્ડ બનાવી લે તેવી અપીલ કલેકટર રેમ્યા મોહને કરી છે. છેલ્લી મતદાર યાદી દરેક મામલતદાર કચેરીઓ માં હોઈ તેમાં પણ મતદાર પોતાનું નામ ચેક કરી શકશે. એટલે મતદાર તરીકે જો તમે ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી માં મતદાન કરવા માંગતા હો તો અત્યારથી જ જાગૃત થઈ જજો અને મતદાર યાદી માં તમારું નામ ચેક કરી લેજો. અને હા, એટલું યાદ રાખજો જો મતદાર યાદી માં તમારું નામ હશે તો જ તમે મતદાન કરી શકશો.
૪૫ સેકન્ડની સેલ્ફી મોકલો અને ઇનામ જીતો
દર વખતની જેમ યુવા મતદાતા જાગૃતિ માટે માધ્યમિક અને કોલેજ કક્ષા ઉપરાંત ઓપન કેટેગરી માં ૩૦ વર્ષના યુવા વર્ગ માટે પોસ્ટર, ચિત્ર, કેનવાસ પેઇન્ટિગ તેમ જ હસ્તકલા આધારિત કૃતિઓ રજૂ કરવાની સ્પર્ધાનું આયોજન કરાયું છે. પરંતુ આ વખતે યુવા વર્ગને ધ્યાને લઇ ડીજીટલ કાર્ટૂન ઇન્ફોગ્રાફિક્સ અને સ્નેપ શોટ સેલ્ફી દ્વારા મતદાતા જાગૃતિ સ્પર્ધા પણ યોજાઈ છે. જેમાં ૪૫ સેકન્ડ ની કલીપ મોકલવાની રહેશે. આ માટે જે તે શાળા, કોલેજ અથવા ચૂંટણી શાખા, કલેકટર કચેરી, ભુજ નો સંપર્ક કરી ૩૧/૧૦ પહેલા કૃતિઓ મોકલવાની રહેશે. વિજેતાઓને ૨૫/૧/૧૯ રાષ્ટ્રીય મતદાતા દિવસે સન્માનિત કરવામાં આવશે. કલેકટર રેમ્યા મોહન ની સાથે પત્રકાર પરિષદમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન. બી. પ્રજાપતિ, નાયબ મામલતદાર આર. બી. અસારી એ ઉપસ્થિત રહીને વધુ માહીતી આપતા જણાવ્યું હતું કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માં કચ્છમા ૪૩ મતદાન મથકો વધશે કુલ મતદાન મથકોની સંખ્યા વધીને ૧૮૪૬ થશે. જ્યારે ગત વિધાનસભાની ચૂંટણી કરતા અત્યાર સુધી ૩૫૦૪ મતદારો વધ્યા છે કચ્છ જિલ્લાના અત્યાર સુધીના કુલ મતદારોની સંખ્યા ૧૪લાખ ૪૯હજાર ૭૪૫ છે. જેમાં પુરુષ મતદારો ૭ લાખ ૫૬ હજાર ૪૮૪ અને મહિલા મતદારો ૬ લાખ ૯૩ હજાર ૨૬૧ છે. દિવ્યાંગ મતદારો ની અલગથી મોજણી કરાશે, મતદાન વખતે જો કોઈ દિવ્યાંગ મતદાર ને વ્હીલ ચેર ની કે હેલ્પરની જરૂરત હશે તો તંત્ર મદદરૂપ બનશે. આ ઉપરાંત ૮૦ વર્ષ અને ૧૦૦ વર્ષની ઉપરના શતાયુ મતદારોની પણ મોજણી કરાશે. ચૂંટણી પંચે આ વખતે દિવ્યાંગો ને મદદરૂપ બનવા ખાસ PWD યોજના પણ બનાવી છે.