કચ્છમાં વરસાદના અભાવે ઘાસની તંગી નિવારવા રાજય સરકાર દ્વારા જિલ્લાની રજિસ્ટર્ડ ગૌશાળા-પાંજરાપોળ અને માલધારીઓને રાહતદરે ઘાસનું વિતરણ કરવાના લેવાયેલા નિર્ણયને પગલે પશુપાલકો અને ગૌશાળા-પાંજરાપોળોને ઘાસચારો પૂરો પાડવા ખોલવામાં આવેલ ઘાસડેપો ઉપર છ જિલ્લામાંથી ટ્રકો મારફતે ઘાસ લાવી ઘાસકાર્ડ પર વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે તેમાં કોઇ ગરબડ કે બેદરકારી જણાય તો તેને પકડી પાડવા વહીવટીતંત્ર દ્વારા ઘાસડેપોની સઘન તપાસ શરૂ કરાઇ છે. જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને પ્રાંત અધિકારી સહિત સુપરવિઝન સ્કવોડને જવાબદારીની સોંપણી કરી ઘાસડેપોમાં ઘાસના જથ્થા, કાર્ડહોલ્ડરની ફરિયાદ ગેરરીતિ સહિત બેદરકારીની તપાસ હાથ ધરી અહેવાલ માગ્યા છે.
જિલ્લા કલેકટર રેમ્યા મોહને કચ્છમાં મહેસુલી ઘાસડેપો અને વનખાતાના ઘાસના ગોડાઉન પરથી ઘાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મહેસુલી ઘાસડેપોની આવશ્યક તપાસણી કરવી આવશ્યક હોઇ, મામલતદાર, ટીડીઓ, ખેતીવાડી અધિકારી, વન વિભાગના આર.એફ.ઓ.,પશુપાલન અધિકારીઓ વિગેરેની સંયુકત ટીમ બનાવી ઘાસડેપોની આકસ્મિક તપાસણી કરવાના હૂકમો કર્યાં છે.
ગઇકાલે ટીમ લીડર પ્રાંત અબડાસા અને નખત્રાણાના નાયબ કલેકટર ડી.એ.ઝાલાએ લખપત મામલતદાર વી.ઓ.પટેલ સહિતની ટીમે દયાપર ખાતેના ઘાસડેપોની તપાસણી હાથ ધરી હતી તો બીજી બાજુ ભુજ તાલુકાના ધોરાવર અને કૂરન ડેપોની મહેસુલી ટીમે મૂલાકાત લીધી હતી.
નાયબ કલેકટર ડી.એ.ઝાલાએ આ અંગેની વિગતો આપતાં દયાપર,દોલતપર, બિટીયારી અને વિરાણીને આવરી લેતા ૯૪૫ કાર્ડધારક ધરાવતાં દયાપરનાં ઘાસડેપોની આકસ્મિક તપાસ હાથ ધરાઇ હોવાનું જણાવી તપાસણી સમયે ૧૮૬ ગાંસડી સાથે ૧૪,૯૯૫ કીલો ઘાસનો જથ્થો ડેપોમાં ઉપલબ્ધ હોવા સાથે દયાપર ડેપો પરથી અત્યાર સુધી કુલ ૧,૦૬,૮૬૫ કીલો ઘાસનું વિતરણ કરી રૂ. ૨.૧૩ લાખ સરકારમાં જમા કરાવેલ હોવાનું જણાવ્યું હતું.
પ્રાંત અધિકારીશ્રી ઝાલાએ ઘાસડેપોનું જરૂરી રેકર્ડ નિભાવાતું હોવા સાથે પશુપાલકોને ઘાસકાર્ડમાં નોંધીને ઘાસનો જથ્થો અગ્રતાના ધોરણે અપાય છે અને ઘાસડેપોમાં અન્ય કોઇ ગંભીર ક્ષતિ કે ફરિયાદ ન હોવાનું જણાવ્યું હતું. તેવી જ રીતે ભુજ તાલુકાના ધોરાવર અને કૂરન ડેપોની પણ મહેસુલી તંત્રની ટીમે મૂલાકાત લઇ ચકાસણી હાથ ધરી હતી.
*સોર્સ માહીતી બ્યુરો,ભુજ