કચ્છમા અછતના કારણે પશુઓની હાલત દિન પ્રતિદિન વિકટ થતી જાય છે. ઘાસ અને પાણી માટે માલધારીઓ વલખાં મારી રહ્યા છે. તો, સરકારી ઘાસ ગોડાઉનો ખાલીખમ છે, ઘાસ નો જથ્થો અપૂરતો આવતો હોઈ પશુઓને ઘાસ નસીબ થતું નથી. આ સંજોગોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છમા અછતની જાહેરાત કરી હતી તે જાહેરાતની યાદ અપાવવા કચ્છ કોંગ્રેસના બે આગેવાનો આગળ આવ્યા છે.
ધારાસભ્ય દ્વારા ધરણા…
અબડાસા ના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા દ્વારા જિલ્લા કલેકટર કચેરી ભુજ સામે ધરણા કરીને વહીવટીતંત્ર તેમ જ મુખ્યમંત્રી નું ધ્યાન દોરવા પ્રયાસ કરાયો છે. ગુરુવારે સવારે ૧૦ થી ૬ વાગ્યા દ્વારા ઉપવાસ કરીને ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા અછતની અમલવારીમાં સરકારની નિષફળતા સામે પોતાનો વિરોધ વ્યક્ત કરશે. જિલ્લા કલેકટરને ઉદ્દેશીને સ્થાનિક વહીવટીતંત્ર સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને મોકલેલા પત્રમાં ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ કચ્છના છેવાડાના ત્રણ તાલુકાઓ અબડાસા,લખપત અને નખત્રાણા ના પશુધન અને ઘાસકાર્ડ સાથે ઘાસની વર્તમાન પરિસ્થિતિ વિશે રજૂ કરેલી વાસ્તવિકતા ચોંકાવનારી છે. આ ત્રણેય તાલુકાઓ ૩૮૫ ગામો માં ૨ લાખ ૫૬ હજાર પશુઓની સામે માત્ર ૫૯ ઘાસડેપો જ છે, પણ તેનાથીયે વધુ આઘાતજનક હકીકત એ છે કે, ઘાસ ડેપોમાં માત્ર નામનું ઘાસ છે. સરેરાશ એક એક ઘાસ ડેપોમાં માંડ માંડ અડધી જ ટ્રક જ ઘાસ છે. તેને આંકડાકીય રીતે જોઈએ તો અડધી ટ્રક ઘાસ એટલે માત્ર બે હજાર કિલો ઘાસ થાય, સરકારી નિયમ પ્રમાણે પશુ દીઠ પાંચ કિલો ઘાસ અપાય છે, એટલે એક ઘાસ ડેપોમાં થી ૨ હજાર કિલો ઘાસ માત્ર ચારસો પશુઓને જ મળી શકે. એટલે ૫૯ ઘાસડેપો માંથી માત્ર ૨૪ હજાર પશુઓને જ ઘાસ મળે, ખરેખર ઘાસકાર્ડ દ્વારા ૨ લાખ પશુઓ ને ઘાસ મળવું જોઈએ, પણ વાસ્તવિકતા એ છે કે ૯૦ ટકા પશુઓ ઘાસ વગર ભૂખે મરી રહ્યા છે. ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા ભૂખમરા થી મરતા પશુઓ માટે પોતે છેલ્લા ત્રણ મહિનાથી વારંવાર જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર ને અછત અંગે રજુઆત કરી રહ્યા છે. પણ, પરિણામ નથી. ભૂખે મરતા પશુઓને જોઈને વ્યથિત થયેલા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા મુખ્યમંત્રી ને અછતની યાદ અપાવવા પોતે ઉપવાસ રાખીને ધરણા કરશે. ભુજ મધ્યે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧ લી ઓક્ટોબર થી સમગ્ર કચ્છમા અછતની જાહેરાત કરી હતી. પણ, પરિસ્થિતિ એવી છે કે, કચ્છમા કયાંયે અછતની અમલવારી દેખાતી નથી.
બીજા કોંગ્રેસી આગેવાને પણ મુખ્યમંત્રી ને અપાવી અછતની યાદ
પ્રદેશ કોંગ્રેસના આગેવાન આદમ ચાકીએ અછતગ્રસ્ત બન્ની વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને અછત અંગે તેમણે ભુજમાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળને આપેલી હૈયાધારણા ની યાદ અપાવી છે. સાથે સાથે, ખુદ મુખ્યમંત્રી દ્વારા અછત જાહેર કરાયા બાદ એક મહિના સુધી પણ કોઈ ઘાસચારાની વ્યવસ્થા ન થતા કચ્છના પશુપાલકોમાં નિરાશા વ્યાપી હોવાનું જણાવ્યું છે. બન્નીના અંધૌ અને ભીરંડીયારા ઘાસ ડેપોમાં ૧૭૫ ઘાસકાર્ડ સામે માત્ર ૪૦ ગાંસડી ઘાસ જ હોવાનું જણાવી અપૂરતા જથ્થા ના કારણે પશુમાલિકો માં ઝઘડા થતા હોવાનું અને પશુઓ ભૂખે મરતા હોવાનું આદમ ચાકીએ મુખ્યમંત્રી ને લખેલા પત્રમાં જણાવ્યું છે. બન્ની માં પ્રતિબંધીત વિસ્તારમાં ઘાસનો વિશાળ જથ્થો હોઈ પશુઓને ચારિયાણ માટે છૂટ આપવા ભુજમાં મુખ્યમંત્રી એ કોંગ્રેસ ના પ્રતિનિધિ મંડળને હૈયાધારણા આપી હતી પણ, એક મહિનો થયો કંઈ થયું નથી. અછત નો સ્ટાફ હવે મોડે મોડે નિમાયો છે ત્યારે કચ્છના મુંગા પશુઓને બચાવવા કચ્છમા તાત્કાલિક ધોરણે અછતની કામગીરી અમલી બનાવવા આદમ ચાકીએ મુખ્યમંત્રી ને ભારપૂર્વક જણાવ્યું છે.
હવે રેલવે રેક દ્વારા આવશે ઘાસ..
અછતની બુમરાણ પછી સરકાર મોડે મોડે પણ એક્શન મોડ માં આવી છે. મુખ્યમંત્રીની જાહેરાત બાદ પણ રેલવે રેક દ્વારા ઘાસ મોકલવાનો એક મહિનાથી અટવાયેલા નિર્ણયનો હવે અમલ થશે. તેની સાથે સાથે દહાણુ રોડ મુંબઇથી પણ ટ્રક મારફતે ઘાસની રવાનગી શરૂ થઇ છે. સોમવારથી પ્રાંત અધિકારી વિજય રબારીની દેખરેખ હેઠળ રેલવે રેક દ્વારા ૧ કરોડ કીલો ઘાસનો જથ્થો રવાના થશે. જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને જણાવ્યું હતું કે, હવે ટ્રક ઉપરાંત રેલ્વે રેક બન્ને દ્વારા કચ્છમાં મોટા પ્રમાણમાં ઘાસચારો આવતા આગામી દિવસોમાં કચ્છના પશુપાલકોને રાહતની થશે.