ભુજ!! એક એવું શહેર કે જેના વગર કચ્છ અધુરું લાગે. દેશ-વિદેશ માં રહેતા લાખો કચ્છી માડુઓ ની ભલે ભુજ માં ન રહેતા હોય પણ તેમના હૃદય મા તો હમેશાં ભુજ રહે છે. હમીરસર તળાવ અને ભુજીયો ડુંગર બધા જ કચ્છીઓ ના જીવન મા વણાઈ ગયા છે. આવા આપણા ઐતિહાસિક શહેર ભુજનો ૪૭૧ મો સ્થાપના દિવસ આજે પરંપરાગત રીતે ઉજવાયો. ૪૭૦ વર્ષ પૂર્ણ કરી ને ૪૭૧ મો સ્થાપના દિવસ ઉજવી રહેલા ભુજ શહેર ની નવાજુની જાણીએ.
ક્યારે વસ્યું ભુજ શહેર? ખીલ્લી પૂજન દ્વારા સ્થાપના દિવસ ઉજવાતો હોવાની વિશેષતા.
એક કચ્છી માડુ તરીકે ભુજની એક વિશેષતા સૌએ જાણવા જેવી છે, એ વિશેષતા છે, ખીલ્લી પૂજન ની!! ઇતિહાસકારો ના જણાવ્યા પ્રમાણે વિક્રમ સંવત ૧૬૦૫ માં (અંગ્રેજી મહિના અનુસાર ઈસ. 1548માં) માગસર સુદ ૫ ના દિવસે કચ્છ ના રાજા મહારાવશ્રી ખેંગારજી પહેલાએ હમીરાઈ તળાવડી ના કાંઠે ખીલ્લી ખોડીને ભુજ શહેર ની સ્થાપના કરી. સ્થાપના સાથે જ ભુજ ને કચ્છની રાજધાની તરીકે ઘોષિત કરી. આથી પહેલા કચ્છની રાજધાની લાખિયારવીરા હતી. ભુજ ના સ્થાપના દિવસની ઉજવણી આજે પણ એ વર્ષો જૂની ઐતિહાસિક ખીલ્લી ના પૂજન દ્વારા કરાય છે. ભુજ ના દરબારગઢ મધ્યે આવેલ મોમાય માતાજી ના મંદિર ના સાન્નિધ્યમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભુજ ના સ્થાપના દિવસની ઊજવણી કરાય છે. આઝાદી પૂર્વે કચ્છ ના મહારાવશ્રી દ્વારા અને આઝાદી બાદ શહેર ના પ્રથમ નાગરિક તરીકે ભુજ નગરપાલિકા ના પ્રમુખ દ્વારા ખીલ્લી પૂજન કરીને સ્થાપના દિવસની ઉજવણી કરાય છે. આજે ૪૭૧ મા સ્થાપના દિવસની ઉજવણી પ્રમુખ લતાબેન સોલંકી ના હસ્તે કરાઈ હતી. તેમની સાથે ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ડો. રામ ગઢવી, કારોબારી ચેરમેન ભરત રાણા, વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ નગરપતિ શંકર સચદે, રાજવી પરિવાર ના મ્યુરધ્વજસિંહ જાડેજા, સાવજસિંહ જાડેજા અને અગ્રગણ્ય નાગરિકો, ઉપસ્થિત રહ્યા હતા. ભુજ સ્થાપના દિવસે નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકીએ બે દિવસ માટે સીટી બસ ની સેવા તમામ નાગરિકો માટે ફ્રી રહેશે એવી જાહેરાત કરી હતી.
અનેક ચડતી પડતી જોઈ ચુકેલું ભુજ, આજે છે દેશનું જાણીતું ટુરિસ્ટ સીટી
વિક્રમ સંવત ૧૬૦૫ થી અત્યારે ૨૦૭૫ (ઈસ.1548 થી 2018) સુધી ૪૭૦ વર્ષ ની મજલ કાપી ને ૪૭૧ મા વર્ષ માં પ્રવેશ કરતું ભુજ શહેર આજે ગુજરાત ની સાથે દેશભર માં એક સુંદર ટુરિસ્ટ સીટી તરીકે જાણીતું છે. ઇસ ૧૮૧૯ અને ૨૦૦૧ નો ભૂકંપ જોઈ ચૂકેલ ભુજ ઉપર મોગલ સામ્રાજ્ય દ્વારા આક્રમણ પણ થઈ ચૂક્યું છે. ભુજીયો કિલ્લો એ લડાઈ નો સાક્ષી છે. ઇસ. ૧૮૧૯ ના ભૂકંપ માં ભુજ ને બહુ નુકસાન નહોતું થયું પણ ઇસ ૨૦૦૧ ના ભૂકંપ માં ભુજ શહેર તહસનહસ થઈ ગયું. જોકે, ધ્વંશ થયા બાદ તે જ સ્થળે નવું જ વસ્યું હોય તેવું વિશ્વનું એક માત્ર શહેર લંડન હતું અને હવે બીજું શહેર એ આપણું ભુજ છે. ભૂકંપ ના ૧૮ વર્ષ બાદ આજે ફરી એકવાર ભુજ દોડતું અને ધબકતું થઈ ને વિકસિત થયું છે. આઝાદી પૂર્વે પાંચ નાકા અને છઠ્ઠી બારી માં કોટ ની દીવાલની અંદર વિસ્તરેલું અને માત્ર ૨૫ હજારની વસ્તી ધરાવતું ભુજ શહેર આજે ૨૦૧૮ માં ૫૬ કિલોમીટર માં વિસ્તર્યું છે અને વસ્તી પણ ૧૦ ગણી વધીને ૨.૫ (અઢી) લાખ થઈ છે. ભુજ માં ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ આવેલું છે. ગુજરાતના જાણીતા કવિ દલપતરામ જ્યાં ભણ્યા હતા તે વ્રજભાષા પાઠશાળા પણ ભુજ માં હતી. મહાત્મા ગાંધી પણ ભુજ આવી ચુક્યા છે. તો, પૂજ્ય સહજાનંદસ્વામી પણ ભુજ માં પગલાં કરી ચુક્યા છે. ભુજ આજે બૉલીવુડ ની સાથે સાઉથ, ભોજપુરી, પંજાબી અને ગુજરાતી ફિલ્મોના શુટીંગ માટે નું માનીતું સ્થળ છે. અત્યારે ભુજીયા ડુંગર મધ્યે ૧૫૦ કરોડ ના ખર્ચે સ્મૃતિવન બની રહ્યું છે, જેમાં ભૂકંપ માં મૃત્યુ પામેલાઓ ની સ્મૃતિ હશે.
આ છે, ભુજ ના જોવા જેવા સ્થળો.
(૧) કચ્છ મ્યુઝિયમ (૨) રામકુંડ (૩) હમીરસર તળાવ (૪) ભારતીય સંસ્કૃતિદર્શન મ્યુઝિયમ (૫) નવું સ્વામીરાયણ મંદિર (૬) પ્રાગમહેલ (૭) આયનામહેલ (૮) જમાદાર ફતેહમામદ નો હજીરો (૯) નાનીબા પાઠશાળા (૧૦) ભુજીયો કિલ્લો (૧૧) શરદબાગ પેલેસ (૧૨) છતરડી