Home Current કચ્છ ધોરડોના સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો કરાયો પ્રારંભ

કચ્છ ધોરડોના સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો કરાયો પ્રારંભ

1834
SHARE
કચ્છના પ્રખ્યાત સફેદરણ ધોરડો ખાતે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને વહીવટીતંત્રના સહયોગથી બે દિવસ ચાલનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૧૨ દેશોના ૪૮ સહિત દેશના અલગ-અલગ રાજયોના પતંગબાજોએ અવનવા આકાર-પ્રકારનાં પતંગ ચગાવી આભમાં જાણે રંગબેરંગી આભા પાથરી દીધી હતી.
આજે ધોરડો વોચટાવર ખાતે આયોજિત ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલ-૨૦૧૯ને આકાશમાં બલુન છોડીને જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને કાર્યક્રમને હર્ષનાદ સાથે ખુલ્લો મૂકયો હતો. આ અવસરે કાર્યક્રમના અધ્યક્ષપદેથી જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને દેશ-વિદેશના કાઇટીસ્ટોને કચ્છમાં રાજય સરકાર, વહીવટીતંત્ર અને પ્રવાસન વિભાગ વતી ઉષ્માભેર સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લાં ૩૦ વર્ષથી યોજાઇ રહેલો પતંગ મહોત્સવમાં શરૂઆતમાં ફકત બે દેશોના સાત વિદેશી મહેમાનોથી પ્રારંભ કરાયો હતો જેનો વ્યાપ વધીને આજે કચ્છમાં જ ૧૨ દેશોના ૪૮ કાઇટીસ્ટો સહિત દેશના ૬ રાજયોમાંથી ૩૧ પતંગબાજો કચ્છમાં આવ્યા છે.
દુનિયાભરની પતંગબાજીની કળાને પતંગોત્સવના માધ્યમથી પ્લેટફોર્મ બનાવીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવાનું કાર્ય થઇ રહ્યું છે, તે ખૂબ આનંદની વાત છે. કચ્છમાં યોજાતો પતંગોત્સવ સફેદરણના સૌંદર્યને માણવાની અનેરી તક પૂરી પાડે છે, તે કચ્છ માટે ગૌરવ સમાન છે.
ધોરડો ખાતે ફ્રાંસના-૪, જર્મનીથી-ર, હંગેરીથી-૪, ઇઝરાયેલના-૬, ઇટાલીના-પ, કેન્યાથી-ર, કોરીયા રીપબ્લિકના અ૪, કુવૈતના-૩, લિથુઆનિયાથી -૭, મલેશિયાના-ર અને ઇન્ડોનેશિયાથી-૪ કાઇટીસ્ટો ઉપરાંત કેરાલાના-૪, પંજાબથી-૩, રાજસ્થાનથી-૮, તામીલનાડુના-૭, લખનૌથી-૪ અને ઉત્તરાખંડના પ પતંગબાજો ધોરડોના મહેમાન બન્યાં હતા.
આ પ્રસંગે ઉતર પ્રદેશથી આવેલા કાઇટીસ્ટ માલાબેન શ્રીવાસ્તવે પોતાનો પ્રતિભાવ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, તેમની પાસે વર્ષો પહેલાનાં ઐતિહાસિક પતંગોનું કલેકશન પણ છે. જેમાં સૌથી જૂની પતંગ ૧૮૯૯ની પણ ઉપલબ્ધ હોવાનું અને તેમના પિતાશ્રી બી.પી.શ્રીવાસ્તવનું કલેકશન સાચવી રાખ્યુ હોવાનું અને ધોરડોમાં લાવ્યા હોવાનું જણાવી તેનાથી આવનારી પેઢીને જાણકારી મળી રહેશે તેવી આશા દર્શાવી કાગળની પતંગ અને દોરાથી બાંધીને શું નથી કરી શકાતું તેવો સંદેશ આપતો એક કિસ્સો કહી સંભળાવ્યો હતો.
લખનૌમાં સાયમન કમિશનની બેઠક ચાલી રહી હતી તેમાં કોઇપણ વ્યકિતને અંદર પ્રવેશવાની મનાઇ ફરમાવવામાં આવી હતી. તે સમયે પતંગના માધ્યમથી ‘સાયમન કમિશન ગો બેક’’ નો સંદેશ મોકલાયો હતો તે પતંગ તેમના કલેકશનમાં હોવાનું જણાવી જિલ્લા કલેકટર રેમ્યા મોહનને પોતાનું કલેકશન બતાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને દેશ અને વિદેશી પતંગબાજોના સ્ટોલમાં જઇ મૂલાકાત લઇ પ્રવાસીઓનું અભિવાદન કર્યું હતું. જિલ્લા કલેકટર અને મંચસ્થોના હસ્તે દેશ-વિદેશથી આવેલા કાઇટીસ્ટોનું કચ્છી શાલથી સ્વાગત-સન્માન કરાયું હતું.
કાર્યક્રમના પ્રારંભે ભુજ પ્રાંત અધિકારી આર.જે.જાડેજાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ભુજ તાલુકા પંચાયત અધ્યક્ષ હરેશભાઈ ભંડેરી, ધોરડોના સરપંચ મીયાંહુસેન ગુલબેગ, મહામંત્રી જેમલભાઈ રબારી ઉપસ્થિત રહયા હતા. પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ પોલીસ જે.કે.જેસ્વાલ, ડીવાયએસપીશ્રી પંચાલ, પ્રિતાબેન શ્રીવાસ્વ, મામલતદારશ્રી સોની, ટીડીઓશ્રી ભટ્ટી, પીસીજીએલના મનોજ રાવત, નિરવ પટ્ટણી, નાયબ મામલતદાર અનિલ ત્રિવેદી તેમજ પ્રવાસનના અધિકારીઓ  સહિત વહીવટીતંત્રના કર્મીઓ ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ ઝાલાએ કર્યું હતું.
સ્ત્રોત : માહિતી બ્યુરો