એકબાજુ રાજ્ય સરકાર કચ્છ જિલ્લામાં પાણી, ઘાસચારો અને ઉદ્યોગો દ્વારા સ્થાનિક લોકોને રોજગારી મળતી હોવાનો દાવો કરે છે. બીજી બાજુ આ જ મુદ્દે કચ્છના ધારાસભ્યએ રાજ્યના મુખ્યમંત્રીને લખેલા પત્રએ ખળભળાટ સર્જ્યો છે. આ પત્ર લખ્યો છે કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ!! રાજ્યના મુખ્યસચિવ ડો.જે. એન. સિંઘને પણ આ પત્રની નકલ પાઠવતા પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ લખ્યું છે કે, વર્તમાન અછતની આ પરિસ્થિતિમાં તેમના મતવિસ્તાર અબડાસા, લખપત અને નખત્રાણા એ ત્રણે તાલુકાઓમાં પીવાના પાણી અને ઘાસચારાના અભાવે પશુઓ ભૂખ્યા ટળવળી રહ્યા છે ઘાસડેપોમાં ઘાસનો જથ્થો નથી એકબાજુ દુષ્કાળ અને અછત છે, બીજીબાજુ લોકોને રોજગારી મળતી નથી. અબડાસા અને લખપત તાલુકાઓ માં સાંધી, અલ્ટ્રાટ્રેક, આશાપુરા,જીએમડીસી અને અન્ય મોટી કંપનીઓ છે પણ આ કંપનીઓ સ્થાનિક લોકોને રોજગારી આપતી નથી. પોતે, આ મુદ્દે એક પ્રજાકીય પ્રતિનિધિ તરીકે જિલ્લા સંકલન સમિતિમાં પણ વારંવાર રજુઆત કરી છે, જિલ્લા વહીવટીતંત્ર અને સરકારનું ધ્યાન દોર્યું છે. પણ, કઈ પરિણામ નથી આવ્યું એટલે ન છૂટકે ૧૬ મી જાન્યુઆરી થી હું આમરણાંત ઉપવાસ કરીશ એવી વેદના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ વ્યક્ત કરી છે.
કોંગ્રેસના આ જ ધારાસભ્યએ હમણાં જ કહ્યું હતું થેંક્યું યુ રૂપાણી સરકાર
આમ તો પ્રદ્યુમ્નસિંહ જાડેજા કોંગ્રેસ ની ટિકિટ ઉપરથી ચૂંટાયેલા છે. પણ, અબડાસાના આ ધારાસભ્ય નિખાલસ છે. ગત અઠવાડિયે જ નખત્રાણાની જીએમડીસી કોલેજનો ગ્રાન્ટનો પ્રશ્ન ઉકેલાતા પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ લેખિતમાં રૂપાણી સરકાર નો આભાર માન્યો હતો. પણ હવે પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પાણી ઘાસચારા તેમ જ રોજગારીના મુદ્દે ૧૬ મી જાન્યુ. થી આમરણાંત ઉપવાસ ની ચીમકી આપી છે. આ પત્રની નકલ વિધાનસભાના વિપક્ષી નેતા તેમ જ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય આગેવાનોને પણ તેમણે મોકલી છે.