કચ્છ ના આંગણે ભુજના પદ્ધર ગામે LLDC મધ્યે ૨૩ મી જાન્યુઆરી સુધી ચાલનારા ‘નમસ્તે’ ફોક ફેસ્ટીવલે પ્રારંભ સાથે જ જબરદસ્ત જમાવટ કરી દીધી છે. નાગાલેન્ડ ના રાજ્યપાલ પદ્મનાભ આચાર્ય અને કાન્તિસેન શ્રોફ ‘કાકા’ ના શુભ હસ્તે આ ફોક ફેસ્ટીવલ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પાંચ દિવસ ચાલનારા આ ફોક ફેસ્ટીવલ માં પૂર્વોત્તર ના ૮ રાજ્યો ના કલાકારો તેમ જ હસ્તકલા કારીગરો પોતાની કલા નું નિદર્શન કરી રહ્યા છે. તેમની સાથે કચ્છ ના કલાકારો અને હસ્તકલા કારીગરો પોતાની કલાનો સુર પુરાવી ને પૂર્વ તેમ જ પશ્ચિમ ની લોક સંસ્કૃતિ નું સુંદર સાયુજ્ય રચ્યું છે. આમ, કચ્છનું પદ્ધર ગામ ભારતની લોક સંસ્કૃતિ નુ પ્રેરણાદાયી પ્રતીક બન્યું છે, અને કચ્છને આ ગૌરવ આપાવવાનો યશ જાય છે, શ્રુજન, એલએલડીસી અને તેના સ્થાપક શ્રોફ પરિવારને!! આજે દેશના હોટ ગણાતા ટુરિસ્ટ ડેસ્ટિનેશન એવા નાગાલેન્ડ, સિક્કિમ, અરુણાચલ, મેઘાલય જેવા આઠ આઠ રાજ્યો ના કલાકારો તેમ જ હસ્તકલા કારીગરો ને કચ્છ ના ઘર આંગણે એક જ સ્થળે જોવા નો, માણવાનો લાખેણો અવસર છે, આ અવસર ચૂકવા જેવો તો નથી જ…
નાગાલેન્ડના રાજ્યપાલે જ્યારે કહ્યું, હું નોકરી કરવા ભુજ આવ્યો હતો…
પદ્ધર LLDC ના પટાંગણમાં પૂર્વોત્તર રાજ્યોના કલાકારો, દેશની પશ્ચિમી સરહદે આવેલા આપણા કચ્છ ના કલાકારો, આમંત્રિત મહેમાનો ની ઉપસ્થિતિમાં નાગલેન્ડ ના રાજ્યપાલ પદ્મનાભ આચાર્ય એ પૂર્વોત્તર રાજ્યો તરફ ભેદભાવ દર્શાવવાની માનસિકતા માં બદલાવ લાવવા ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે, આ રાજ્યો આપણાં દેશનો જ હિસ્સો છે. લોકો પૂર્વોત્તર ના આપણાં દેશ ના જ આ રાજ્યો ના નામ નથી જાણતા (૧) નાગાલેન્ડ (૨) ત્રિપુરા (૩) અરુણાચલ (૪) મેઘાલય (૫) મિઝોરમ (૬) સિક્કિમ (૭) મેઘાલય અને (૮) આસામ, આ તમામ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે, અહીં લોકકલા એ ઉત્સવ રૂપે લોકો માં જીવંત છે, દેશની આઝાદી ના ઇતિહાસમાં આ રાજ્યોનું પ્રદાન મહત્વનું રહ્યું છે, પણ ઇતિહાસ માં તેની પૂરતી નોંધ લેવાઈ નથી. કચ્છ માં શ્રોફ પરિવાર દ્વારા થઈ રહેલા સામાજિક સેવાકીય કાર્યો ને બિરદાવતા રાજ્યપાલ પદ્મનાભ આચાર્ય એ ભુજ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા અને પોતે મુંબઈ માં ગેજ્યુએટ થયા બાદ ૧૯૫૨ દરમ્યાન પ્રથમ નોકરી કરવા માટે ભુજ આવ્યા હોવાનું જણાવ્યું હતું. પોતે પૂર્વોત્તર ના ચાર રાજ્યોના અત્યાર સુધી રાજ્યપાલ રહી ચૂક્યા હોવાનું કહેતા પદ્મનાભ આચાર્ય એ અરુણાચલ સરહદે ચીન સાથે ચાલતા વિવાદ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલ કાર્યવાહી ની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના પૂર્વ મંત્રી મહેન્દ્ર ત્રિવેદીએ પૂર્વ અને પશ્ચિમ ની સંસ્કૃતિ ના સુભગ સમન્વય વિશે વાત કરતા જણાવ્યું હતું કે, વિવિધતા મા એકતા એ જ આપણા ભારતની એકતાનું પ્રતીક છે. પૂર્વોત્તર ના રાજ્ય ત્રિપુરા અને કચ્છ ને જોડતી કડી વિશે રસપ્રદ માહિતી આપતા મહેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે સવારે પૂર્વ દિશામાં સૂરજનું પ્રથમ કિરણ ત્રિપુરા માં પડે છે, જ્યારે સાંજે પશ્ચિમ માં સૂરજનું આખરી કિરણ કચ્છના કોટેશ્વર ગામે પડે છે. આમ સૂર્યોદય તેમ જ સૂર્યાસ્ત એ નોર્થ ઇસ્ટ ના ત્રિપુરા ને અને વેસ્ટ ના કચ્છ ને જોડે છે. ભુજ વિસ્તારના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય એ ભૂકંપ પછી કચ્છના થયેલા વિકાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશી હોવાનું જણાવ્યું હતું. શ્રોફ પરિવાર ના સાંદ્રા શ્રોફે લાગણીભર્યા સુરે સ્વર્ગસ્થ ચંદાબેન શ્રોફ ને યાદ કર્યા હતા. આજે શ્રુજન ના માધ્યમ થી કચ્છની ૪૦૦૦ મહિલાઓ હસ્તકલાનું કામ કરીને પગભર બની છે તેનો શ્રેય ચંદાબેન શ્રોફને જાય છે. જ્યારે શ્રુજન તેમ જ LLDC ના મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફે ન્યૂઝ4કચ્છને જણાવ્યું હતું કે ગુજરાત માં કદાચ પ્રથમ જ વખત યોજાયેલા પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ વચ્ચે ના આ સમન્વય નો હેતુ દેશ માં રહેતા વિવિધ રાજ્યોના લોકો વચ્ચે સંસ્કૃતિ ના આદાન-પ્રદાન નો અને તેના દ્વારા દેશની એકતા ને ઉજાગર કરવાનો અને વધુ મજબૂત બનાવવાનો છે. મહેશ ગોસ્વામીએ LLDC વતી કચ્છી માડુઓ ને ૨૩ જાન્યુઆરી સુધી ચાલનારા નમસ્તે ફોક ફેસ્ટિવલ ની મુલાકાત લેવાનુ આમંત્રણ આપ્યું છે. પાંચ દિવસ સુધી અહીં હસ્તકલા ના સ્ટોલ ઉપરાંત રોજ સાંજે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા દરમ્યાન લોક કલાકારો દ્વારા અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ૨૩ જાન્યુઆરી સુધી ચાલનારા આ નમસ્તે ફોક ફેસ્ટિવલને પાર પાડવા માટે શ્રુજન-LLDC નો સમગ્ર સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે.