ભારતના નંબર વન પોર્ટ એવા કંડલા દીનદયાળ પોર્ટને હવે કાયમી ચેરમેન મળ્યા છે. સરકારે ૧૯૯૦ની ગુજરાત કેડરના IFS અધિકારી સંજય મહેતાને દીનદયાળ પોર્ટનો કારોબાર સોંપ્યો છે. લાંબા સમયથી ઇન્ચાર્જ ચેરમેનથી જ પોર્ટનો વહીવટ ચલાવાતો હતો પણ હવે પૂર્ણ કાલીન ચેરમેન મળ્યા બાદ હવે પોર્ટની કામગીરીમાં વધુ વેગ આવશે. ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા નવ નિયુક્ત ચેરમેન સંજય મહેતાએ DPT ના વિકાસને જાળવી રાખવાનો ધ્યેય વ્યક્ત કર્યો હતો. તેઓ આવતા અઠવાડિયે પોતાનો કાર્યભાર સંભાળશે. હાલ જુનાગઢમાં એડિશનલ પ્રિન્સીપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે કાર્યભાર સંભાળી રહેલા IFS અધિકારી સંજય મહેતાને સરકારે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ડેપ્યુટેશન આપીને DPTના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. ગુજરાત સરકારમાં ઉચ્ચ અધિકારી તરીકે વિવિધ કાર્યભાર સંભાળી ૨૯ વર્ષનો દીર્ઘ અનુભવ ધરાવતા સંજય મહેતા DPT ને હજીયે વધુ પ્રગતિ ના પંથે લઈ જવા કટીબદ્ધ છે.