જયેશ શાહ. ભુજ
વિશ્વમાં સૌથી વધુ નોંધાયેલા સભ્ય હોવાન દાવો કરતા ભારતીય જનતા પક્ષ(ભાજપ) માટે કાળાટીલી સમાન ઘટના બહાર આવી છે. જેમાં કચ્છમાં ભાજપનાં સક્રિય સદસ્ય બનાવવાની કામગીરી દરમિયાન નખ ત્રાણા તાલુકામાં એક પાકિસ્તાની નાગરિકને ભાજપનાં સભ્ય તરીકેનું ફોર્મ સ્વીકારતો ફોટો વાઇરલ થતા કચ્છ ભાજપનાં અગ્રણીઓ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ભાજપમા સભ્ય બનાવવાનું કામ આખરી તબકામાં ચાલુ છે અને આ અભિયાન માટે ભાજપના પ્રમુખ.મહામંત્રી હોય કે અન્ય હોદ્દેદારોને ઉપરથી ભાજપના સભ્ય બનાવવાના ટાર્ગેટ પુરા કરવાનો પ્રેસર આવતો હોય છે જેથી પક્ષમાં કોઈ પણ સભ્યને જોડવાની પ્રક્રિયામાં કોઈ સભ્યને કંઈ પણ પૂછ્યા વગર જોડી દેવામાં આવતા હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે તેવામાં આ વિવાદાસ્પદ ઘટના બહાર આવી છે. કચ્છને અડીને આવેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા મીઠી જીલ્લાનાં ગામમાં રહેતો
જયસિંહ ઉર્ફે ભમરસિંહ સવાઇસિંહ મેર છેલ્લા ચારેક વર્ષથી કચ્છનાં નખત્રાણામાં લોન્ગ ટર્મ વિઝા(એલટીવી) માં રહે છે. મીઠી જિલ્લા અને તાલુકાના નાથળો ગામના આ શખ્સનો જે ફોટો વાઇરલ થયો છે તેમાં તે ભાજપનાં સભ્ય તરીકેનું ફોર્મ આપતો જોવા મળે છે. જેમા તાલુકા પ્રમુખ સહીત મંત્રી અને સંગઠન પર્વના ઈનચાર્જ નજરે પડી રહ્યા છે આ અંગે જયારે સંગઠન પર્વના ઈનચાર્જ શામતભાઈ મહેશ્વરીનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે આવી કોઈ ઘટના અંગે સાફ ના પાડી દીધી હતી તેમણે એમ ઉમેર્યું હતુ કે કદાચ તે પાકિસ્તાની યુવાન અન્ય કોઈ વ્યક્તિનું ફોર્મ આપવા આવ્યો હશે જો કે સૂત્રોનું માનીએ તો સભ્ય બનવા અંગેની 300 રૂપિયાની સ્લીપ પણ ફાટી ગઈ હતી. પરંતું જયારે યુવાન પાકિસ્તાનનો છે તેવું ઘ્યાનમાં આવતા ભાજપનાં અગ્રણીઓએ વાતને દબાવી દેવાનો પ્રયાસ કરી રહયા છે. જે પાકિસ્તાની યુવાને આ ફોર્મ ભર્યું છે તેનો પણ ફોન સતત બંધ આવતા તેનુ મંતવ્ય જાણી શકાયું ન હતુ. ખરેખર આવુ બન્યુ છે કે નહીં તે કદાચ પક્ષ ન સ્વીકારે પરંતું એક વાત ચોક્કસ છે કે, દેશદાઝની વાતો કરતો ભાજપ પાકિસ્તાની નાગરિકને સભ્ય બનાવવાને મામલે અત્યારે ચર્ચામાં આવી ગયો છે.