દીપોત્સવીના તહેવારો અને સાથે નવા વરસની ઉજવણીની પરંપરાએ આજેય આપણા ધાર્મિક વારસાને જીવંત રાખ્યો છે. દેશના પશ્ચિમી છેડે આવેલા હિંદુ ધર્મ પરંપરાની માન્યતા અનુસાર અતિ પવિત્ર એવા કચ્છના નારાયણસરોવર તીર્થધામ શ્રીત્રિવિક્રમરાયજી મંદિર મધ્યે અહીંની વર્ષોની પરંપરા અનુસાર દીપોત્સવી પર્વ તેમજ વિક્રમ સવંત ૨૦૭૬ના પ્રારંભે નવા વરસની ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ હતી. ગાદીપતિ સુશ્રી સોનલલાલજી મહારાજની ઉપસ્થિતમાં દિવાળીના દિવસે પવિત્ર નારાયણસરોવરની મહાઆરતી દ્વારા જળપૂજા કરવામાં આવી હતી. તો, દીપોત્સવી પર્વ દરમ્યાન પોતાના ઘર પરિવારથી દૂર રહીને સરહદે ખડે પગે રહીને દેશનું રખોપું કરતા જવાનોને મીઠાઈનું વિતરણ કરી તેમનું મો મીઠું કરાવીને દિવાળીની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે જવાનોએ ત્રિવિક્રમરાયજીના મંદિરે મધ્યે પ્રાર્થના કરીને વિક્રમ સવંત ૨૦૭૬ના નવા વર્ષના પ્રારંભે દેશવાસીઓની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. નવા વરસના પ્રથમ દિવસે મંદિર પરિસર મધ્યે ગોવર્ધન પુજા કરવામાં આવી હતી અને ભગવાન શ્રી ત્રિવિક્ર્મરાયજીને પરંપરા અનુસાર સખડ઼ી અનસખડીનો છપ્પન ભોગ ધરાવવામા આવ્યો હતો. અન્નકૂટના દર્શને ભાવિકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ગાદીપતિ સુશ્રી સોનલલાલજી મહારાજે દેશમાં ધન ધાન્યનો ભંડાર હર્યોભર્યો રહે એવી પ્રાર્થના શ્રી ત્રિવિક્રમરાયજી સમક્ષ કરી હતી.