Home Current ભુજ પાલિકાની આશ્ચર્યજનક ઘટના, સામાન્ય સભામાં ભાજપના જ કાઉન્સિલરો થયા ‘ગુમ’- પ્રમુખ...

ભુજ પાલિકાની આશ્ચર્યજનક ઘટના, સામાન્ય સભામાં ભાજપના જ કાઉન્સિલરો થયા ‘ગુમ’- પ્રમુખ શોધવા નીકળતાં ચર્ચા, જાણો ‘હોટ’ રાજકીય હલચલ

1671
SHARE
ભુજ નગરપાલિકાના રાજકીય ઇતિહાસમાં આજની તા૧૮/૧૧/૧૯ની સામાન્ય સભા રાજકીય રીતે આશ્ચર્યજનક અને ઐતિહાસિક બની રહેશે. સતત ચર્ચામાં રહેતી ભુજ નગરપાલિકાની સમાન્યસભામાં ખુદ શાસક પક્ષ ભાજપના કાઉન્સીલરોની ગેરહાજરીની આશ્ચર્યજનક ઘટના બની હતી. જોકે ભુજ પાલિકાની સામાન્ય સભા ભુજ શહેરમાં ‘હોટ’ રાજકીય ચર્ચાને કારણે ટોક ઓફ ધ ટાઉન બની છે. એવું તે શું થયું, ભુજ પાલિકાની આજની સામાન્ય સભામાં?

કોંગ્રેસી નગરસેવકો આવી ગયા પણ ખુદ ભાજપના જ નગરસેવકો ‘ગુમ’ થતાં પ્રમુખ શોધવા નીકળ્યા હોવાનો કોંગ્રેસનો વ્યંગ

ભુજ નગરપાલિકા દ્વારા ગત તા૧૧/૯ ના યોજાયેલી સામાન્ય સભા એકાએક મુલતવી રખાયા બાદ ફરી આજે ૧૮/૯ ના ૧૧/૩૦ વાગ્યે યોજાઈ હતી. પણ, ભુજ નગરપાલિકાના સભાખંડમાં ૧૧/૩૦ વાગ્યે કોંગ્રેસ કાઉન્સિલરો અને ભાજપના એક માત્ર કાઉન્સિલર મોનિકાબેન આવી ગયા હતા. પણ, ભાજપના અન્ય ૩૦ કાઉન્સીલરો ગેરહાજર હતા. ૧૧/૩૦ ના ૧૨ વાગ્યા કાંટો ૧૨/૧૦ સુધી પહોંચ્યો શાસકપક્ષ ભાજપના કોઈ સભ્યો દેખાયા નહીં. અંતે કોંગ્રેસના નગરસેવકોએ કંટાળીને વોકઆઉટ કર્યો. આ પરિસ્થિતિ અંગે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતાં વિપક્ષ કોંગ્રેસના દંડક ફકીરમામદ કુંભારે વ્યંગ કર્યો હતો કે, ખુદ પ્રમુખ લતાબેન સોલંકી બે વખત પોતાની ચેમ્બર છોડીને ભાજપના નગરસેવકોને શોધવા નીકળ્યા, સભાખંડમાં પણ ડોકિયું કરી ગયા, પણ કોરમ પૂરું થયું નહીં. અંતે ૧૨/૧૫ થી ૧૨/૩૦ દરમ્યાન ભાજપના ૩૦ માંથી માત્ર ૧૮ કાઉન્સિલરો જ આવ્યા. કોંગ્રેસના વોકઆઉટ વચ્ચે ઉપપ્રમુખ ડો. રામ ગઢવીની ગેરહાજરીમાં પ્રમુખ લતાબેન અને કારોબારી ચેરમેન ભરત રાણાની ઉપસ્થિતિમાં માત્ર ભાજપના ૧૮ સભ્યોની હાજરીમાં સામાન્ય સભાતો જેમતેમ કરી શરૂ થઈ. પણ, વાત એટલેથી જ પતી નહીં ઉપસ્થિત ભાજપના જ કાઉન્સિલરોએ વિપક્ષનું કામ કરતા હોય તેમ ખર્ચ એને વિકાસના એક પણ ઠરાવ પાસ થવા દીધા નહીં. ૩ ઠરાવ કરવા દીધા તેમાં (૧) ચીફ ઓફિસર નીતિન બોડાત સામે ઠપકો આપતો ઠરાવ તેમજ દબાણ હટાવ ઝુંબેશ દરમ્યાન તોડાયેલી ફૂટપાથનો ખર્ચ વસુલવાનો ઠરાવ કરાયો. (૨) કલમ ૩૭૦ માટે સરકારને અભિનંદન આપતો ઠરાવ અને (૩) રાજ્ય સરકાર દ્વારા ભુજમાં નવા બનનારા ફાયર સ્ટેશન અંગેના માત્ર ૩ ઠરાવ જ પસાર કરાયા. રોડ, રસ્તા, ગટર, પાણી સહિતના ઠરાવો રહી ગયા.

કોનો હાથ ઉપર રહ્યો? નીમાબેનનો કે શૈલેન્દ્રસિંહનો?

જોકે, સામાન્ય સભા પહેલા ભાજપ કાર્યાલયમાં પાર્ટી મીટીંગ હતી. તેમાં પણ કાઉન્સિલરઓએ ઉદાસીનતા બતાવી પોતાની નારાજગી દર્શાવી. ભુજ પાલિકાના ભાજપના જ સભ્યો અને જિલ્લા ભાજપના વર્તુળોની વાત માનીએ તો, ભુજ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોની મુલતવી રહેલી વરણી પાછળના રાજકારણે ફરી અહીં પોતાનો ‘ખેલ’ બતાવ્યો. વિદાય લઈ રહેલા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ અને ધારાસભ્ય ડો. નીમાબેન વચ્ચેની ખેંચતાણ સંગઠન પછી ભુજ પાલિકામાં પણ દેખાઈ. અત્યારે ભુજ પાલિકામાં ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય જૂથમાં પ્રમુખ લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા મુખ્ય છે પણ, સામે પક્ષે જિલ્લા ભાજપ પ્રમુખનો ટેકો ધરાવતા નગરસેવક શૈલેન્દ્રસિંહ જાડેજાના ગ્રુપમાં ઉપપ્રમુખ ડો. રામ ગઢવી, મહીદીપસિંહ પરાક્રમસિંહ જાડેજા,અજય પુષ્પદાન ગઢવી, જલધિ વ્યાસ સહિતના નગરસેવકોનું મોટું જૂથ છે ટેન્ડરના કામો અને ભુજ પાલિકામાં ચાલતા ‘વહીવટ’ માં વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે આ જૂથ ચીફ ઓફિસર નીતિન બોડાત ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યની તરફેણ કરતા હોય અને કારોબારી ચેરમેનની બેઠક પણ ચીફ ઓફિસરની કેબિનમાં હોઈ નારાજ છે આ બળ સામાન્ય સભામાં દર્શાવાયું, તો ચીફ ઓફિસર વિરુદ્ધ ઠપકાનો ઠરાવ પણ આ નારાજગીના કારણે કરાયો. અન્ય ઠરાવો ફરી મુલતવી રાખી દેવાયા જોકે, સામાન્ય સભામાં કોંગ્રેસના આક્રમક નેતા રાજેન્દ્રસિંહ જાડેજાની ગેરહાજરી પણ વરતાઈ, તેઓ લગ્ન પ્રસંગમાં રોકાયા હોઈ ગેરહાજર હતા. ભાજપના અમુક કાઉન્સિલરોએ પણ લગ્ન પ્રસંગોના કારણે ગેરહાજરી હોવાની વાત કરી હતી. પણ, છેલ્લા ઘણા સમયથી જે રીતે ખર્ચની મંજૂરી કારોબારી સમિતિ અને સામાન્ય સભા વચ્ચે ફંગોળાયા કરે છે. એ હકીકત અને શહેર ભાજપની નવી રચના ઘણું બધું કહી દે છે. શાસકપક્ષ ભાજપની આ હુંસાતુંસીમાં ભુજ શહેરનો વિકાસ અટવાયો છે, એ કડવી વાસ્તવિકતા છે.